માર માર્યાનાં LIVE દૃશ્યો:વડોદરામાં પાનોલી કંપનીમાંથી ભંગારની ચોરી કરનાર ટ્રક-ડ્રાઇવરને સિક્યોરિટી જવાનોએ માર મારતાં મોત, પત્નીનું હૈયાફાટ રુદન

વડોદરા5 મહિનો પહેલા
  • કંપનીના ત્રણ સિક્યોરિટી જવાન સહિત ચાર સામે હત્યાનો ગુનો દાખલ કરાયો

વડોદરા શહેર નજીક નંદેસરી GIDCમાં 40 વર્ષીય ટ્રક-ડ્રાઇવરે પાનોલી ઇન્ટર મિડિયેટ કંપનીમાંથી 5 હજારના ભંગારની ચોરી કરીને ભાગીને જઈ રહેલા શખસને કંપનીના સિક્યોરિટી જવાનો સહિત ચાર વ્યક્તિઓએ ઝડપી પાડી ઢોરમાર માર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા ડ્રાઇવરનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે નંદેશરી પોલીસે મોતને ભેટેલા ટ્રક-ડ્રાઇવર સામે ચોરીનો ગુનોને માર મારનારા ત્રણ સિક્યોરિટી જવાન સહિત ચાર સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ, મૃતક ડ્રાઇવરની માતા અને પત્ની સહિત પરિવારે કંપની પાસે વળતર આપવાની માગ કરી છે.

પતિની હત્યા થતાં હૈયાફાટ રુદન કરતાં પત્ની અને પરિવારજનો.
પતિની હત્યા થતાં હૈયાફાટ રુદન કરતાં પત્ની અને પરિવારજનો.

પાંચ હજારના ભંગાર માટે ડ્રાઇવરે જીવ ગુમાવ્યો
નંદેશરી પોલીસ મથકના PI એસ.એ. કરમુરે જણાવ્યું હતું કે નંદેશરી ખાતે આવેલી ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ કંપનીમાં 40 વર્ષીય બલજીન્દર મંગલસિંહ રંધાવા (રહે. નંદેશરી ગામ, ગાયત્રી દૂધ ડેરી પાસે) ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. 6 જુલાઈના રોજ સાંજના સમયે તે નંદેશરીમાં આવેલી પાનોલી ઇન્ટર મિડિયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગયો હતો અને કંપનીના કમ્પાઉન્ડમાં પડેલી એસ.એસ.ની જૂની પાઇપો સહિતનો આશરે રૂપિયા 5 હજારની કિંમતના ભંગારની ચોરી કરી ટ્રેલરમાં મૂકી નાસી છૂટ્યો હતો. દરમિયાન કંપનીમાં કોન્ટ્રેક્ટમાં ફરજ બજાવતા સિક્યોરિટી જવાનોની નજર તેના પર પડી હતી.

મોતને ઘાટ ઉતારવામાં આવેલા યુવાનના મતૃદેહને લઈ જવાયો.
મોતને ઘાટ ઉતારવામાં આવેલા યુવાનના મતૃદેહને લઈ જવાયો.

સિક્યોરિટી જવાનોના મારથી મોતને ભેટેલા ડ્રાઇવર સામે ચોરીનો ગુનો નોંધાયો
દરમિયાન કંપનીના ત્રણ સિક્યોરિટી જવાનો સહિત ચાર વ્યક્તિએ ભંગારની ચોરી કરી ટ્રેલર લઇ ભાગી છૂટેલા બલજીન્દરસિંહ રંધાવાનો પીછો કરી દશરથ ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેને ઢોરમાર માર્યો હતો. લાકડીઓ અને ફડાકા મારતાં બલજીન્દરસિંહ રંધાવાને ગંભીર ઇજા થઇ હતી. તરત જ તેની પત્ની પરમજિત કૌર અને પરિવારજનો હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. બીજી બાજુ, આ બનાવ અંગે નંદેશરી પોલીસ મથકમાં કંપનીમાંથી ચોરી કરનાર ટ્રક-ડ્રાઇવર બલજીન્દરસિંહ રંધાવા સામે ચોરીની ફરિયાદ અને જીવલેણ માર મારનારા ત્રણ સિક્યોરિટી જવાનો સામે ગુનો દાખલ કર્યો હતો.

મૃતક ટ્રક-ડ્રાઈવરની ફાઈલ તસવીર.
મૃતક ટ્રક-ડ્રાઈવરની ફાઈલ તસવીર.

ત્રણ સિક્યોરિટી જવાન વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી
મહેન્દ્ર ઉર્ફે મહેશ વાલજીભાઇ ચૌહાણ (રહે. 305, ગાંધી ફળિયું મિની નદી બ્રિજ પાસે પેટ્રોફિલ્સ કંપનીની વોલ પાસે, નંદેશરી), હેમંતસિંહ ધિરેનસિંહ (રહે. 24, રતનસિંહની ચાલી રેઢિયાપુરા તા.જિ. વડોદરા, મૂળ દહેલવાડા, મધ્ય પ્રદેશ ), જયવિરસિંહ સુખવીરસિંહ ચૌહાણ (રહે. સી-4, પાનોલી કંપનીના હાઉસિંગના મકાનમાં, ચામુંડાનગર, નંદેશરી) અને મહેશ સોમજીભાઇ ચૌહાણ (રહે.305, ગાંધી ફળિયું મિની નદી બ્રિજ પાસે પેટ્રોફિલ્સ કંપનીની વોલ પાસે, નંદેશરી) સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે ગંભરી ઇજા પામેલા ટ્રક-ડ્રાઇવર બલજીન્દરસિંહ રંધાવાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણ સિક્યોરિટી જવાનો સહિત ચાર સામે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલમાં દોડી આવેલાં પરિવારજનો.
હોસ્પિટલમાં દોડી આવેલાં પરિવારજનો.

માતા અને પત્નીએ કંપની પાસે વળતરની માગણી કરી
આજે સવારે ટ્રક-ડ્રાઇવર બલજીન્દર રંધાવાનું મોત નીપજતાં હોસ્પિટલમાં માતા, પત્ની સહિત પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. માતા અને પત્ની પરમજિત કૌરે જણાવ્યું હતું કે બલજીન્દર સામે ખોટો ચોરીનો આરોપ મૂકીને માર મારવામાં આવ્યો છે. કંપની દ્વારા વળતર આપવામાં આવે. માતાએ જણાવ્યું હતું કે મારા પુત્રનાં બે નાનાં સંતાનો છે. પત્નીએ જણાવ્યું, મારાં બે સંતાનો છે. આખી જિંદગી પસાર કરવી મુશ્કેલ છે. અમને કંપની દ્વારા વળતર આપવામાં આવે અને મારાં સંતાનો અભ્યાસ કરે ત્યાં સુધી તેમનો શિક્ષણનો ખર્ચ ઉપાડવામાં આવે એવી માગણી છે.