ફાયર વિભાગની કાર્યવાહી:વડોદરામાં પ્રોફીટ સેન્ટર દ્વારા ફાયર સેફ્ટી મામલે રાખવામાં આવેલી બેદરકારી બદલ ફાયર બ્રિગેડે બિલ્ડીંગને સીલ માર્યું

વડોદરાએક મહિનો પહેલા
પ્રોફિટ સેન્ટર દ્વારા ફાયર સેફ્ટી મામલે બેદરકારીભર્યું વલણ દાખવતા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી.
  • છ મહિનાની સમયમર્યાદા આપવામાં આવી છતાં ફાયર સેફ્ટી ઉભી ન કરતા સીલ મરાયું

શહેરના સયાજીગંજ કાલાઘોડા પાસે આવેલી પ્રોફીટ સેન્ટર દ્વારા ફાયર સેફ્ટી મામલે રાખવામાં આવેલી બેદરકારી બદલ ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડીંગને સીલ કરવામાં આવતા ફાયર સેફ્ટીની સુવિધા ન રાખનાર મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ અંગે રાજ્ય સરકારને સૂચના આપ્યા બાદ તંત્ર પુનઃ એકવાર સતર્ક બન્યું છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતના અનેક શહેરોમાં કોરોના કાળ દરમિયાન કોરોનાના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આવી ઘટનાઓ રોકવા માટે હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ અંગે રાજ્ય સરકારને સૂચના આપી હતી. તે આધારે દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો.

પુનઃ મિલકતોને સીલ મારવાની કડક કાર્યવાહી શરૂ
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત વડોદરા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બિલ્ડીંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેનું ઓડિટ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી સંસ્થાઓને નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ શહેરમાં આવેલી અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટીસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહીં કરવામાં આવતા ફાયર બ્રિગેડ દ્વારા પુનઃ મિલકતોને સીલ મારવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફાયર બ્રિગેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંપૂર્ણ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંપૂર્ણ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડ દ્વારા આખેઆખું બિલ્ડીંગ સીલ મારી દીધું
ફાયર બ્રિગેડ દ્વારા સયાજીગંજ કાલાઘોડા પાસે આવેલ પ્રોફિટ સેન્ટર દ્વારા ફાયર સેફ્ટી મામલે બેદરકારીભર્યું વલણ દાખવતા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સુચનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંપૂર્ણ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હતું. અગાઉ બેદરકારી જણાવતા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જરૂરી સુવિધા ઉભી કરવા માટે છ મહિનાની સમયમર્યાદા આપવામાં આવી હતી. જોકે તેમ છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરાતાં આજરોજ ફાયર બ્રિગેડ દ્વારા આખેઆખું બિલ્ડીંગ સીલ મારી દીધું હતું.

જરૂર પડશે તો રેસીડેન્સી ઇમારતો પણ સીલ કરવાની કામગીરી કરતા ફાયર વિભાગ ખચકાશે નહીં.
જરૂર પડશે તો રેસીડેન્સી ઇમારતો પણ સીલ કરવાની કામગીરી કરતા ફાયર વિભાગ ખચકાશે નહીં.

રેસીડેન્સી ઇમારતોમાં પણ ફાયર સેફ્ટી અંગેની ઝુંબેશ કરાશે
ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા અને સુવિધાના ભાગરૂપે ફાયર વિભાગ હંમેશા સતર્ક છે. આગની ઘટના બને છે ત્યારે ગણતરીની મિનિટોમાં મોટી દુર્ઘટના બની શકે છે. કોમર્શિયલ ઈમારતોની સાથે હવે રેસીડેન્સી ઇમારતોમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. અને નોટીસ આપ્યા બાદ જરૂર પડશે તો રેસીડેન્સી ઇમારતો પણ સીલ કરવાની કામગીરી કરતા ફાયર વિભાગ ખચકાશે નહીં. વડોદરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી બહુમાળી કોમર્શિયલ ઇમારતો જેણે ફાયર સેફ્ટીની એનોસી મેળવી જ નથી તેવી ઈમારતોના સંચાલકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સીલ મારવાની કામગીરી શરૂ કરી હતી.