વિજય દિવસે શ્રદ્ધાંજલિ સભા:વીર શહીદ CDS બિપીન રાવતને સ્કાઉટ અને એનસીસીના ગણવેશધારી બાળવીરોએ શિસ્તબદ્ધ સલામી આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વ. મધુલિકા રાવત અને હેલિકોપ્ટર અકસ્માતમાં શહીદ થયેલા બાર સેનાકર્મીઓને ભાવસભર શ્રદ્ધાંજલિ આપી

વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘની વડોદરા શાખા દ્વારા વિજય દિવસ પ્રસંગે જીવન ભારતી શાળા ખાતે યોજાયેલી સંવેદનાસભર શ્રદ્ધાંજલિ સભામાં શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ અને સંસ્થા અધ્યક્ષ મૌલીન વૈષ્ણવની દોરવણી હેઠળ સ્કાઉટ અને એનસીસીના ગણવેશધારી બાળ વીરોએ છબી સમક્ષ પુષ્પચક્ર મૂકીને ભારતના યશસ્વી સેનાની અને પ્રથમ સી.ડી.એસ. જનરલ બિપીન રાવતજી, તેમના ધર્મપત્ની સ્વ. મધુલિકાજી અને જીવલેણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમની સાથે જીવ ગુમાવનારા બાર જવામર્દ સૈનિકોને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના બેન્ડે શૌર્ય ધુનો દ્વારા તેમની શહાદતને આદર આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ વીરોને મૌન અંજલિ આપી હતી.

કમનસીબ અકસ્માતમાં દેશના પ્રથમ સી.ડી.એસ.અને જાંબાઝ લશ્કરી અધિકારીઓ નું દુઃખદ અવસાન દેશ માટે ખૂબ મોટો આઘાત છે એવી લાગણી વ્યક્ત કરતાં શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે તેમનું યશસ્વી જીવન સદીઓ સુધી દેશના યુવાનોને રાષ્ટ્ર માટે જીવન જીવવા અને સમર્પણ કરવાની પ્રેરણા આપશે.આજે પાકિસ્તાન સામે જીત અને બાંગ્લાદેશ સર્જન નો વિજય દિવસ છે ત્યારે આ શ્રધ્ધાંજલિ સભાનું આયોજન ખૂબ પ્રાસંગિક બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

યુવા સમુદાય ઊંચા સપના રાખે અને તેમને સાકાર કરવા ઝઝૂમે એવો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે ઊંચા સપના સાથે દેશ માટે શહીદી વહોરનારા ભગતસિંહ જેવા શૂરવીરો અને ઓલિમ્પિકમાં દેશ માટે ચંદ્રક જીતવાનું સપનું સાકાર કરનાર રમતવીરો યુવાઓ માટે પ્રેરણા નો સ્રોત બને છે.મિશન ક્લીન અભિયાન નો ઉલ્લેખ કરતાં તેમણે યુવાનો નશાથી દુર રહે અને તેની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને ઉગારવાના શહેર પોલીસના અભિયાનમાં સહયોગ આપે તેવો ખાસ અનુરોધ કરવાની સાથે તેમણે મહિલા શક્તિના સન્માન ની ભાવના કેળવવા અને નિયમ પાલક જવાબદાર નાગરિક બનવા અનુરોધ કર્યો હતો.

બિપીન રાવતજી અને સેનાધિકરીઓની શહાદત બાળ સૈનિકોમાં ગણવેશધારી દળોમાં જોડાવાની ખેવના જગાવશે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું કે ફિલ્ડ માર્શલ જનરલ માણેક શા અને પ્રથમ સી.ડી.એસ.બિપીન રાવતજી ને આ દેશ સદીઓ સુધી યાદ રાખશે.સ્કાઉટ પ્રવૃત્તિ નો આશય બચપણ થી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને શિસ્તબદ્ધતા કેળવવાનો અને એક જવાબદાર નાગરિક તરીકે તેમનું ઘડતર કરવાનો છે.સ્વતંત્રતા પહેલા મહારાજા સયાજીરાવ ના સંપૂર્ણ પ્રોત્સાહન હેઠળ વડોદરામાં સ્કાઉટ પ્રવૃત્તિ વિકસી એની તેમણે યાદ અપાવી હતી.

સંઘના જિલ્લા સચિવ વરુણ દેસાઈ એ કાર્યક્રમ ની ભૂમિકા આપવાની સાથે જણાવ્યું કે શહેરની ૧૦ જેટલી શાળાઓના ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયેલા છે.જિલ્લા કમિશનર શ્રી એલેકઝાંડરે કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ મેયર ડો.જતીન મોદી, નિવૃત્ત ગેજેટેડ પોલીસ અધિકારી મંડળના અધ્યક્ષ કિશોરસિંહ ચૌહાણ, અમી રાવત, પ્રશાંત પટેલ, જીવન ભારતી વિદ્યાલય સંચાલક મંડળના પ્રમુખ નરેન્દ્ર પટેલ, શ્રેયસ શિક્ષણ ટ્રસ્ટના પંકજ જાની, વડોદરા ટ્રાફિક બ્રિગેડના ટ્રસ્ટી સૂર્યકાંત અમીન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...