હિટ એન્ડ રન:વડોદરાના અમિતનગર સર્કલ પાસે પૂરઝડપે જઇ રહેલી પીકઅપ વાને અડફેટે લેતા સ્કૂટર ચાલકનું મોત, પરિવારજનોમાં આક્રંદ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં પીકઅપ વાને અડફેટે લેતા સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું હતું (પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
વડોદરામાં પીકઅપ વાને અડફેટે લેતા સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું હતું (પ્રતિકાત્મક તસવીર)
  • અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો

વાહનોથી ધમધમતા વડોદરાના અમિતનગર સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પીકઅપ વાને અડફેટે લેતા સ્કૂટર ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું મોત નીપજતા વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એમ્બ્યુલન્સ આવી પણ સ્કૂટર ચાલકનું સ્થળ પર જ મોત
વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર રહેતા ઇશ્વરભાઇ ગોરડીયા પોતાનું સ્કૂટર લઇને સિટીમાં કામ માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ અમિતનગર સર્કલથી સમા તરફ જઇ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી પીકઅપ વાને તેઓને અડફેટે લેતા રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. રોડ ઉપર પટકાતા તેઓને માથા સહિત શરીરમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં તુરંત જ એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી. પરંતુ, સ્કૂટર ચાલકને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેઓનું સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો (પ્રતિકાત્મક તસવીર)
અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો (પ્રતિકાત્મક તસવીર)

મૃતકના પરિવારજનો દોડી આવ્યા
અરેરાટી ભર્યા આ બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતા તુરંત જ કિશોરભાઇ સહિત અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ સમયે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. તે સાથે આ બનાવની જાણ હરણી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવ્યા હતા અને પરિવારજનો દ્વારા મૃતકની ઓળખ કર્યાં બાદ લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.

ટેમ્પો ચાલક ટેમ્પો લઇને ફરાર થઇ ગયો
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અમિતનગરથી સમા તરફ જવાના રસ્તા ઉપર સ્કૂટર ચાલક ઇશ્વરભાઇ ગોરડીયાને અડફેટમાં લેનાર ટેમ્પોમાં લાકડા ભરેલા હતા અને આ ટેમ્પો ચાલક અકસ્માત સર્જાતાની સાથે જ ટેમ્પો લઇને ફરાર થઇ ગયો હતો.

હરણી પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલા ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી(ફાઇલ તસવીર)
હરણી પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલા ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી(ફાઇલ તસવીર)

અકસ્માત સ્થળની આજુબાજુમાં CCTV ન મળ્યા
પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી પાડવા માટે વિસ્તારમાં CCTV ફૂટેજ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, અકસ્માત સ્થળની આજુબાજુમાં CCTV ન હોવાનું જાણવા મળ્યું હતું. અમિતનગર સર્કલ વિસ્તારમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે હરણી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર થઇ ગયેલા ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.