એજયુકેશન:બોર્ડમાં 0થી 30 ટકા લાવનારી શાળાની ગ્રાન્ટ હવે નહીં કપાય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછા પરિણામ વાળી સ્કૂલ પાસે નાપાસ વિદ્યાર્થી દીઠ ~300 લેવાશે

23 વર્ષ બાદ સરકારે ગ્રાન્ટની નીતીમાં ફેરફાર કર્યો છે. બોર્ડમાં 0થી 30 ટકા પરિણામ લાવનારી શાળાઓની ગ્રાન્ટ કાપવાની જગ્યાએ સરકાર હવે નાપાસ વિદ્યાર્થી દીઠ રૂપિયા 300 લેશે.બોર્ડની પરીક્ષાઓમાં પરિણામ આધારિત ગ્રાન્ટ કાપની નિતીને રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી.પટેલે જણાવ્યું હતું કે ધોરણ 10માં 0થી 30 ટકા પરિણામ લાવનારી શાળાઓને એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી ન હતી.

30થી 40 ટકા સુધી લાવનારી શાળાને 25 ટકા, 40થી 50 ટકા સુધી પરિણામ લાવનાર 50 ટકા, 50થી 70 ટકા સુધી 70 અને 70 ટકાથી ઉપર લાવનારને 100 ટકા ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જોકે હવે જે પ્રમાણે 1999 પહેલા નિયમ હતો તે પ્રમાણે ગ્રાન્ટ કાપ કરવામાં આવશે. અગાઉ નપાસ વિદ્યાર્થી દિઠ 100 રૂપિયા કાપી લેવામાં આવતા હતા જોકે વર્તમાન સમયમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને નપાસ વિદ્યાર્થી દીઠ 300 રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ધોરણ 9-10માં બે વર્ગની શાળામાં આચાર્ય અને બે શિક્ષકોનું મહેકમ હતું જેના પગલે વિદ્યાર્થીઓના તાસ પૂરા કરી શકાતા ના હતા. હવે આચાર્ય તથા 3 શિક્ષકોનું મહેકમ નક્કી કરવામાં આવ્યું છે. તેવી જ રીતે શિક્ષકોના ફીકસ પગારની નોકરીને સળંગ નોકરી ગણવી જેથી ભવિષ્યમાં તેને બઢતીમાં કોઇ પણ સમસ્યા ના થાય તે નિર્ણયને પણ મંજૂર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...