રાજકારણ:સયાજીગંજ-માંજલપુર બેઠક પર કોકડું ગૂંચવાયું, ભાજપે 3 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાજપે ગુરુવારે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં શહેરની 5 પૈકી 3 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે સયાજીગંજ અને માંજલપુરમાં કોકડું ગૂંચવાયું છે. વડોદરા આવેલા અમિત શાહે 25 ટકા નવા ચહેરાને સ્થાન અપાશે તેવી જાહેરાત કરી હતી. તેમના પગલે ચૈતન્ય દેસાઈ અને બાળકૃષ્ણ શુક્લને ટિકિટ આપી છે. જ્યારે સયાજીગંજ અને માંજલપુરની ટિકિટની રાહ જોવાઇ રહી છે. જોકે જાતિ સમીકરણમાં ભાજપે રાવપુરામાં મરાઠી, અકોટામાં બ્રાહ્મણને ટિકિટ આપી છે. હવે માંજલપુર અને સયાજીગંજ બેઠક પર ઓબીસી, પટેલ અને વૈષ્ણવ સમાજ પૈકી કયા સમાજ પર કળશ ઢોળાય છે તે જોવું રહ્યું.

રાજકીય પીચ પર કોર્પોરેટર અને સાંસદ બન્યા બાદ હવે ધારાસભ્યની ટિકિટ મળી
અગાઉ સાંસદ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા બાળકૃષ્ણ શુક્લને ભાજપે રાવપુરા બેઠક પરથી ટિકિટ આપી છે. તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી મેયર બન્યા હતા. ત્યારબાદ 2009 લોકસભાની ચૂંટણી જીતી સંસદમાં ગયા હતા. હવે તેઓને વિધાનસભાની ટિકિટ મળતાં સાંસદ બન્યા બાદ ધારાસભ્યની ટિકિટ મળી હોય તેવો પહેલો કિસ્સો બન્યો છે. રાજકારણની પીચ પર સાંસદ, કાઉન્સિલર અને હવે ત્રીજા ફોર્મેટ ધારાસભ્ય બનવા માટે કોંગ્રેસના સંજય પટેલને ટક્કર આપશે.

18 જૂને PMએ ચૈતન્ય દેસાઈ અને તેમની માતા સાથે 3 મિનિટ મુલાકાત કરી હતી
અકોટામાં ચૈતન્ય દેસાઈનું નામ જાહેર થતાં જ કાર્યકરો અને દાવેદારોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. ગત 18મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા હતા અને તેઓએ લેપ્રસી મેદાન ખાતે જનસભાને સંબોધી હતી. તે સમયે બેક સ્ટેજ પર મોદી ચૈતન્ય દેસાઈ અને તેમની માતા નીલા દેસાઈને મળ્યા હતા અને હાલચાલ પૂછ્યા હતા. અંદાજિત 3 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ મુલાકાત બાદ તેઓનું વડોદરાની બેઠક માટેનું નામ મૂકાયું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1975માં ભારતીય જનસંઘમાંથી જીતેલા મકરંદ દેસાઈને ભાજપ પ્રદેશના પહેલા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...