તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમને સામને:બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાવલીના ધારાસભ્યે સહકારમંત્રીને પત્ર લખતાં મામલો ગરમાયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આગામી ચૂંટણીને લઇ આક્ષેપો કરાયા : બરોડા ડેરીના ચેરમેન દિનુમામાની બદનક્ષીનો દાવો કરવાની ચીમકી
  • સાવલીમાં ડિરેક્ટર ચૂંટણી લડવા માગતા હોવાથી કેતને ડેરીને ટાર્ગેટ બનાવી- દિનુ મામા
  • પશુપાલકોના પ્રશ્નોને દબાવવા દિનુમામા વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો લાવ્યા - કેતન ઈનામદાર

બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સહકારમંત્રીને પત્ર લખતાં ડેરીના ચેરમેન અને સાવલીના ધારાસભ્ય આમને સામને આવી જતા રાજકારણ ગરમાયું છે. દિનુમામાનો આક્ષેપ છે કે, ડેરીના ડિરેક્ટર કુલદિપસિંહ રાઉલજી સાવલીમાંથી ચૂંટણી લડવા માગતા હોવાથી કેતને ડેરીને ટાર્ગેટ કરી છે. જયારે કેતન ઈનામદારે કહ્યું કે, દિનુમામા પશુપાલકોના પ્રશ્નો દબાવવા અને મુદ્દો ડાઇવર્ટ કરવા ચૂંટણીનો મુદ્દો લાવ્યા છે. દિનુમામાએ બદનક્ષીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, કેતન ઈનામદારે તેમને 10 દિવસ પહેલા ફોન કરીને ડેરીના ડિરેક્ટર કુલદિપસિંહ રાઉલજી સાવલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે.પરંતું હું તેને 65 હજાર મતથી હરાવી દઈશ. જેથી મેં તેને કહ્યું હતું કે, તું તેને એક લાખ મતોથી હરાવજે, મને શું વાંધો હોઈ શકે. સાવલીના ડેરીમાં બે ડિરેક્ટરો છે, જેમાં રામસિંગ વાઘેલા અને કુલદિપસિંહ રાઉલજી છે. આ પહેલાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરનાર રામસિંગ વાઘેલાના ધંધા બંધ કરાવવામાં આવ્યાં હતાં.

વેર-ઝેરની વૃત્તિથી જ ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. હું જાહેરમાં કહું છું કે બરોડા ડેરી સામેના આક્ષેપો માત્ર ને માત્ર વિધાનસભાની ચૂંટણીને લઈને જ કરવામાં આવ્યા છે. જો વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો ન હોય તો તે મારી પાસે આવીને પણ મને આ પ્રશ્નો પૂછી શક્યો હોત. બીજી તરફ કેતન ઈનામદારે દર અઠવાડીયે-મહિને ડેરીમાં નોકરીઓ અપાવવાની ભલામણ કરતા હોય છે. ડેરી મારી નથી, ભરતીની પ્રક્રિયા હોય છે. જ્યારે આ આક્ષેપો સામે હું બદનક્ષીનો દાવો કરીશ.

બીજી તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, પશુપાલકોને તહેવારોના દિવસોમાં અપેક્ષા હતી કે તેમને વધારો મળવો જોઈએ, પરંતું બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા ઓડીટનું બહાનું કાઢવામાં આવ્યું. ઓડીટથી પશુપાલકોને શું મતલબ હોઈ શકે. હું આજે સમગ્ર જીલ્લાના પશુપાલકો અને દુધ ભરતા સભાસદોના હિત માટે નિકળ્યો છું. આ સમગ્ર મુદ્દાને ડાયવર્ટ કરવા માટે દિનુમામાએ વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો લઈ આવ્યાં છે.

વિધાનસભાની ચૂંટણીમાં બરોડા ડેરીના એક નહીં પરંતું તમામ ડિરેક્ટરો ચૂંટણી લડે તો પણ મને વાંધો નથી. આ ઉપરાંત દિનુમામા દ્વારા જે નોકરી બાબતે આક્ષેપો છે, તેમાં હાલમાં ડેરીમાં ડિરેક્ટરોના સગા-વહાલા નોકરી કરે છે. જો દિનુમામા એમ કહેતા હોય કે તેમના સમયમાં કોઈને નોકરી નથી અપાઇ તો શું તેમની નૈતિક જવાબદારીમાં નથી આવતું કે, તેઓ તપાસ કરે અને ડિરેકટરનો સગા નોકરી કરતા હોય તો તે અંગે પગલા ભરે.

રવિવારે સાવલી-ડેસરના સભાસદોનું સંમેલન
કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, રવિવારે બપોરે 3 વાગે સાવલી-ડેસરના દૂધ ભરતા સભાષદોનું સંમેલન છે.જેમાં ડેરીના સત્તાધીશો જો પોતાની મનમાની ચાલુ રાખશે તો સમગ્ર જીલ્લાના દૂધ ભરતા સભાસદો ડેરીના સત્તાધીશોને જવાબ આપવા જનઆંદોલન ઉભુ કરશે તેવો નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...