વાઘોડિયા તાલુકાના સાંકરીયા ગામના શશીકાંત પટેલ અને પુત્ર કૃણાલ પટેલ હાલમાં 10 વિઘાના આંબાવાડીયામાં સાત્વિક કેરીનો પાક ઉતરવાની રાહ જોઈ રહ્યાં છે.પિતા-પુત્રની આ જોડી છેલ્લા આઠ વર્ષથી રાસાયણિક ખાતર અને જીવાતો કરતાં જમીનને વધુ હાનિકારક જંતુનાશકોને સદંતર જાકારો આપીને દેશી ગાયના ગોબર, ગૌ મૂત્ર,ખાટી છાશ, કડવી વનસ્પતિઓના પાંદડાંનો અર્ક વગેરેની મદદથી પ્રવાહી અને ઘન જીવામૃતની મદદથી તેમની 30 વિઘા જેટલી જમીનમાં સાત્વિક ખેતી અને બાગાયત કરી રહ્યાં છે. તેમણે દેશી ગાયોની ગૌશાળા પણ ઉછેરી છે.
આ આંબાવાડિયાનો ઉછેર અમે સુભાષ પાલેકરજી પ્રેરિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી/ બાગાયતની પદ્ધતિ અનુસરીને કર્યો છે. એટલે એના પર પાકેલી કેરીને સાત્વિક કેરી કહીએ છે. કારણ કે આંબાને સાચવવા અમે રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ કરતાં નથી. ગૌ મૂત્ર અને ગોબરમાંથી બનતા ઘન અને પ્રવાહી જીવામૃતનો ઉપયોગ કરીને આંબા ઉછેરો તો મોરના કે વૃક્ષોના પોષણ માટે ખાતર કે જંતુનાશકો મોટેભાગે વાપરવા પડતાં નથી. મોર આવે ત્યારે તકેદારી રૂપે ખાટી છાશ અને જીવામૃતના મિશ્રણનો છંટકાવ કરી શકાય. આંબાવાડિયામાં કેસર, લંગડો, તોતાપુરી, આફૂસ જેવી વેરાયટીના ત્રણસોથી વધુ આંબા લહેરાય છે. સીતાફળ પણ ઉછેર્યા છે.
નવી ખેતી-બાગાયતે અમને નિરાશ કર્યા નથી
પિતા-પુત્રનું કહેવું છે કે આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કે હતાશ કર્યાં નથી. અમારો ખેતી ખર્ચ લગભગ 50 ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે. જેમને શુદ્ધ આહાર પસંદ છે તેવા લોકો ગાય આધારિત ખેતીના ચોખા, ઘઉં, કઠોળ જેવા સાત્વિક ઉત્પાદનોનો ભાવ રાસાયણિક ખેતીના ઉત્પાદનો કરતાં થોડો વધુ ચૂકવતા ખચકાતા નથી અને અમારો પાક લગભગ તો આગોતરા મળેલા ઓર્ડર પ્રમાણે ઘેરબેઠો વેચાઈ જાય છે. અત્રે એ યાદ રાખવું ઘટે કે આ ખેતી માટે ફક્ત દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ થાય છે. જર્સી કે શંકર ગાયો માન્ય નથી.
આ ખેતી કરતા ખેડૂતોને સરકારનું પ્રોત્સાહન
કૃણાલ પટેલ કહે છે કે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત ઉત્તમ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે. આ ખેતીના અનાજ, કઠોળ, શાકભાજી અને બાગાયત ઉત્પાદનો માટે વાજબી બજાર વ્યવસ્થા ગોઠવવા સરકાર તજવીજ કરી રહી છે. આત્માના માધ્યમથી ગાય ઉછેરીને તેના આધારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગૌ ઉછેર સરળ બનાવવા ગાય નિભાવ ખર્ચની યોજના અમલમાં મૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.