વાહવાહીનો ખેલ:સંજયનગર આવાસની કામગીરી 167 દિવસ પછી પણ ચાલુ ન થઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયરે 24 જાન્યુઆરીએ કામ શરૂ થશે તેમ કહ્યું હતું
  • યોજનાની સાઇટ પર ખોદાયેેલા ખાડામાં પાણી ભરાઇ ગયાં

શહેરની લગભગ તમામ આવાસ યોજનાઓ વિવાદમાં રહી છે. સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવનાર સંજયનગર આવાસ યોજનાનું કામ 10થી 15 દિવસમાં ચાલુ થશે તેવી જાહેરાત મેયરે 24મી જાન્યુઆરીએ કરી હતી. જોકે 167 દિવસ થયા બાદ પણ આવાસ યોજનાનું કામ શરૂ થયું નથી. સાઈટ પર ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે અને વીજ કંપનીએ વીજ પુરવઠો નહિ આપતા કામ અટવાયું છે.

2017 ના મેમાં વારસિયા રિંગ રોડ સંજયનગરના 1841 કાચા પાકા મકાનોને પાલિકાએ દૂર કરી ત્યાંના લાભાર્થીઓને ત્યાં જ મકાન બનાવી આપવાની જાહેરાત કરી હતી. જ્યાં સુધી મકાન બનશે ત્યાં સુધીનું ભાડું બિલ્ડર ચૂકવશે તેવી બાંહેધરી આપી હતી. જોકે વિવાદ થતા બિલ્ડરે લાભાર્થીઓને ભાડું ચૂકવવાનું બંધ કર્યું હતું.

વિવાદમાં સપડાયેલ સંજયનગરની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાન્યુઆરી મહિના સુધી 56 મહિના વિતી જવા છતાં સ્થળ પર એક પણ ઇંટ મૂકાઇ નથી. 24મી જાન્યુઆરીએ મેયર કેયુર રોકડીયાએ સભામાં બિલ્ડર 10થી 15 દિવસમાં અાવાસો બનાવવાનું શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. જોકે જાહેરાત થયાના 167 દિવસ બાદ પણ હજી ત્યાં બાંધકામ શરૂ થયું નથી. ડેપ્યુટી ઈજનેર રામ રાજપુતે જણાવ્યું હતું કે સ્થળ પર 6 પૈકી ત્રણ ખાડામાં પાણી ભરાયા છે. જ્યારે વીજ કંપનીએ વીજ પુરવઠા માટેની ટેમ્પરરી લાઈન આપી નથી.

રૂા.32 લાખ એડવાન્સ ભર્યા, છતાં વીજ કંપની વીજ લાઈન અાપતી નથી
સંજયનગરનું કામ શરૂ કરી દીધું છે, RMC પ્લાન્ટ પણ તૈયાર છે. માત્ર વીજ લાઈન મળે તેની રાહ જોવાઈ રહી છે. વીજ કનેકશનના 32 લાખ બે મહિના અગાઉ જ ભરી દીધા છે. સાઈટ પર ટ્રાન્સફોર્મર પણ ઉભા કરાયા છે. પરંતુ 10 દિવસથી વીજ કંપની ધક્કા ખવડાવે છે. વીજ કંપની કહે છે કે તેમની પાસે મશીન નથી, માણસો નથી. વિજળી મળે એટલે કામગીરી ચાલુ થશે. > રોમેશ શાહ, ઇજારદાર

અન્ય સમાચારો પણ છે...