તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:સલાઉદ્દીને વિદેશથી મળેલું રૂા.10 કરોડનું ફંડ હવાલા સિન્ડિકેટ મારફતે ધર્માંતરણમાં વાપર્યું

લખનઉ, વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ
  • સલાઉદ્દીનના ટ્રસ્ટના ખાતામાં ધર્માંતરણ માટે વિદેશથી ફંડ આવતું હતું
  • સલાઉદ્દીનના AFMI ચેરિટેબલ ટ્રસ્ટમાં વિદેશમાંથી 4 વર્ષમાં 10 કરોડનું ફંડ આવ્યું : યુકે-અમેરિકાની 6 સંસ્થા તરફથી ફંડ મળ્યું હતું, ટ્રસ્ટ દ્વારા ગરીબોની સેવાની આડમાં ધર્માંતરણ પ્રવૃત્તિ કરાતી હતી

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખની યુપી એટીએસની ટીમે સઘન પૂછપરછ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. તેના એએફએમઆઇ ચેરિટેબલ ટ્રસ્ટમાં વિદેશમાંથી 4 વર્ષમાં 10 કરોડનું ફંડ આવ્યું હતું અને હવાલા કારોબારીઓ મારફતે આ ફંડનો ઉપયોગ ધર્માંતરણમાં કરાતો હતો.

મોટાભાગનું ફંડ અમેરિકી અને યુકેનાં સંગઠનો તરફથી મોકલાયું હતું. જેમાં યુકેના ઝુલેખા જીંગા ફાઉન્ડેશન, મજીલીસ અલ ફાતહ ટ્રસ્ટ, ફિરદૌસ ફાઉન્ડેશન, ઇખાર વિલેશ વેલ્ફેર ટ્રસ્ટ અને નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ અને ગુજરાતી મુસ્લિમ એસોસિયેશન ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે.

યુપી એટીએસનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધર્માંતરણ માટે વિદેશથી ફંડ મગાવવા અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન ચેરિટેબલ ટ્રસ્ટના ખાતાનો ઉપયોગ કરાતો હતો. આ સંસ્થાના સંચાલક સલાઉદ્દીન જૈનુદ્દીન શેખની વડોદરામાંથી ધરપકડ બાદ યુપી એટીએસને આ માહિતી જાણવા મળી હતી. તપાસમાં બહાર આવ્યું કે, 4 વર્ષમાં આ સંસ્થાના બેંક ખાતાઓમાં વિદેશથી 10 કરોડ મોકલાયા હતા, જેનો ઉપયોગ ધર્માંતરણ માટે કરાયો હતો.

એટીએસની ટીમે શુક્રવારે સલાઉદ્દીનને વડોદરાથી પકડી લખનઉની અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી રહી છે.ધર્માંતરણ કેસમાં ઉમર ગૌતમને ફંડિંગ કરનારો સલાઉદ્દીન શેખ તેની સંસ્થા એએફએમઆઇ દ્વારા વિદેશમાંથી ધર્માંતરણ પ્રવૃત્તિ માટે ફંડ ઉઘરાવતો હતો.

ચોંકાવનારી માહિતી એવી જાણવા મળી હતી કે, સલાઉદ્દીન હવાલાના કારોબારીઓની સિન્ડિકેટમાં પણ સામેલ હતો. 4 વર્ષમાં સલાઉદ્દીનની સંસ્થા દ્વારા ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવાહ સેન્ટર અને ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડનું વિદેશી ફંડ મળ્યું હતું. સલાઉદ્દીન પાસેથી મળેલું આઇપેડ તથા મોબાઇલને વધુ તપાસ માટે એફએસએલને મોકલાયાં છે.

એટીએસની તપાસમાં બહાર આવ્યું કે, સલાઉદ્દીનની સંસ્થા એએફએમઆઇ ગુજરાત અને રાજસ્થાનમાં ગરીબોને અન્ન, કપડાં, મફત શિક્ષણ અને આરોગ્ય સેવા આપવાનું કાર્ય કરતી હતી. જેના માટે વિદેશથી ફંડ ઉઘરાવતી હતી. જોકે આ ફંડનો ઉપયોગ ધર્માંતરણ માટે કરવામાં આવતો હતો.

સલાઉદ્દીનને લખનઉની કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવાયા, 10 કરોડના વિદેશી ફંડના સ્ત્રોતની તપાસ શરૂ કરાઈ
યુપી એટીએસનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સલાઉદ્દીનને શનિવારે પોલીસે અદાલતમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે ગુજરાત એટીએસે અાપેલા અહેવાલ મુજબ 2016થી 2021 સુધીના ગાળામાં સલાઉદ્દીન શેખની એનજીઓને લગભગ 10 કરોડનું વિદેશી ફંડ મળ્યું હતું.

આટલી મોટી રકમ ક્યાં ક્યાંથી મળી તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી હતી. મોટાભાગે અમેરિકી અને યુકેનાં સંગઠનો તરફથી ફંડ મોકલાયું હતું. જેમાં યુકેના ઝુલેખા જીંગા ફાઉન્ડેશન, મજીલીસ અલ ફાતહ ટ્રસ્ટ, ફિરદૌસ ફાઉન્ડેશન, ઇખાર વિલેશ વેલ્ફેર ટ્રસ્ટ અને નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ અને ગુજરાતી મુસ્લિમ એસોસિયેશન ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે.

વિદેશી ફંડનો ઉપયોગ જણાતાં ઇડી પણ મેદાનમાં
ધર્માંતરણના મામલામાં વિદેશી ફંડનો ઉપયોગ થયો હોવાનું જણાતાં ઇડી પણ મેદાનમાં આવી છે. ઉમર ગૌતમની સંસ્થાઓ સહિત દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 સ્થળોએ ઇડીએ શનિવારના રોજ દરોડા પાડી મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. સલાઉદ્દીનની પૂછપરછમાંથી વિદેશી સંસ્થાઓની સંડોવણી જણાતાં પોલીસ હવે આ સંસ્થાઓ વિશે પણ ચકાસણી કરી રહી છે.

ફોનનો CDR દ્વારા સલાઉદ્દીનના સંપર્કોની તપાસ કરાશે
યુપી એટીએસ દ્વારા સલાઉદ્દીનના સ્થાનિક સંપર્કો ઉપરાંત અન્ય શહેરોમાં કોની સાથે તે સંપર્કમાં હતો અને કયા હવાલા કારોબારીનો સંપર્ક હતો તેની તપાસ શરૂ કરી છે. તેના માટે તેના ફોનનો સીડીઆર પણ મગાવાયો છે. ઉમર ગૌતમની સાથે તેનો ક્યારે સંપર્ક થયો હતો તથા ઉમર ગૌતમ અને સલાઉદ્દીનના કોમન સંપર્કો કોણ કોણ છે તેની પણ તપાસ શરૂ કરાઇ છે.

સલાઉદ્દીન વડોદરામાં જે ટ્રસ્ટ ચલાવતો હતો તે ટ્રસ્ટની પણ તપાસ શરૂ કરાઇ છે. વિદેશી ફંડ મેળવવા કયા સંપર્કોનો ઉપયોગ કરાયો હતો તેની તપાસ તથા હવાલા મારફતે તે કોની મારફતે પૈસા મોકલતો હતો તેની તપાસ ચાલી રહી છે.

ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી કુલ 6 શખ્સોની ધરપકડ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યુપી એટીએસે 21 જૂને ધર્માંતરણના મામલામાં દિલ્હીના જામિયાના મૌલાના ઉમર ગૌતમ અને કાજી જહાંગીરની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ બાદ ઇમરાન શેખ, રાહુલ ભોલા અને મુન્ના યાદવની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ તેમની પૂછપરછમાંથી મળેલી માહિતીના આધારે વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ કરાઇ હતી.

આ સંદર્ભે લખનઉના એટીએસ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 420, 120(બી), 153(એ), 153 (બી), 295, 511 તથા ઉત્તરપ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સમ્પરિવર્તન પ્રતિષેધ અધિનિયમ 2020 મુજબ મુફતી કાજી, ઉમર ગૌતમ તથા ઇસ્લામિક દાવાહ સેન્ટર સંસ્થા સહિતના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...