ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:સલાઉદ્દીન-ઉમરે બંગાળ જઇ બાંગ્લાદેશી રોહિંગ્યાને મકાન સહિતની મદદ પૂરી પાડી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ. - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ.
  • SIT દ્વારા દિવસભર બંનેને અલગ-અલગ બેસાડીને પૂછપરછ કરાતાં ઘટસ્ફોટ
  • લોકોનું બ્રેઇન વોશ કરીને લાલચ આપીને ધર્માંતરણ કરાવ્યું હોવાનો બંનેનો સનસનીખેજ ખુલાસો

ચકચારી ધર્માંતરણ અને ફન્ડીગના મામલામાં તપાસ કરી રહેલી શહેર પોલીસની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સલાઉદ્દીન અને ઉમર ગૌતમે પશ્ચીમ બંગાળમાં આશરો લઇ રહેલા બાંગ્લાદેશના રોહિંગ્યાને મળીને તેમને મકાન, અનાજની કીટ સહિતની તમામ મદદ પુરી પાડી હતી. બંનેએ છેલ્લા પાંચ વર્ષથી સેવાકીય મદદના નામે ફંડ મેળવીને લોકોને લાલચ આપી બ્રેઇ્ન વોશ કરીને ધર્માંતરણ કર્યું હોવાનું પણ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.

ધર્માંતરણ અને ફન્ડીગના મામલામાં વડોદરા પોલીસની એસઆઇટીની ટીમે ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખનો કબજો મેળવી 7 દિવસના રિમાન્ડ મેળવી ઉંડી તપાસ આદરી છે. સોમવારે પણ પોલીસે બંનેને એલગ અલગ સ્થળે બેસાડીને ઉંડી ઉલટ તપાસ કરી હતી. જેમાં ઘટસ્ફોટ થયો હતો કે પશ્ચિમ બંગાળમાં રહેતા બાંગ્લાદેશી રોહિંગ્યાઓને પણ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખે મદદ કરી હતી. તેઓ સતત પશ્ચીમ બંગાળ ગયા હતા અને રોહિંગ્યાઓને અલફલાહ ટ્રસ્ટ અને તૈયબ ટ્રસ્ટના માધ્યમથી તમામ મદદ પુરી પાડી હતી જેમાં તેમને મકાન આપવાની સાથે અનાજની કીટ અને ધાબળા સહિત જીવન જરુરી ચીજોનો સમાવેશ થાય છે.

અલફલાહ ટ્રસ્ટના એફસીઆરએ બેંક ખાતા દ્વારા ફંડ મેળવીને રોંહિગ્યાઓને મદદ કરાઇ હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસે આ મુદ્દાની ઝીણવટભરી તપાસ શરુ કરી હતી. કેટલા રોહિંગ્યાઓને બંનેએ મદદ કરી હતી અને ભારતમાં આશરો મેળવવા માટે તેમને અન્ય કઇ મદદ પુરી પડાઇ હતી તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા બંનેની સઘન પૂછતાછ જારી રખાઇ છે.

ઉમર ગૌતમે 7 દેશોમાં ફરીને લોકોનું બ્રેઇન વોશ કર્યું હતું
ઉમર ગૌતમ પોતે ધર્મ પરિવર્તન કર્યા બાદ અલગ અલગ સંસ્થાઓ સાથે જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે ઉમર ગૌતમ દુબઇ, યુકે, અમેરિકા, સાઉદી અરેબીયા, કઝાકીસ્તાન અને બાંગ્લાદેશ તથા સાઉથ આફ્રીકામાં પણ ગયો હતો. અને ત્યાં તેણે લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો અને પોતાના ટ્રસ્ટોની માહિતી આપીને સેવાકીય પ્રવૃત્તિઓની પણ લોકોને માહિતી આપતો હતો. તમામ સ્થળોએ તે મુસ્લીમ ધર્મ સર્વ શ્રેષ્ઠ છે તેમ જણાવીને મુસ્લીમ ધર્મની સારી વાતો લોકો સમક્ષ રજુ કરતો હતો.

નબીપુરનો ફેફડાવાળા ન ફરક્યો, હવે પોલીસ ફરી સમન્સ આપશે
પોલીસે જણાવ્યું હતું કે 60 કરોડની હવાલાની રકમના મુદ્દે યુકેના મુળ નબીપુરના અલફલાહ ટ્રસ્ટના અબ્દુલ્લા ફેફડાવાળાને સોમવારે 18 તારીખે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું પણ તે હાજર રહ્યો ન હતો કે તેમનો જવાબ પણ પોલીસને મળ્યો ન હતો જેથી પોલીસ હવે નીકટના ભવિષ્યમાં ફરીથી સમન્સ આપી હાજર રહેવા જણાવશે. સલાઉદ્દીનના 13 બેંક ખાતાઓની પણ પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે અબ્દુલ્લા ફેફડાવાળા થોડા સમય પહેલા મુળ વતન નબીપુર આવ્યો હતો અને ત્યારે તેમના ઘેર ઉમર ગૌતમ પણ આવેલો હતો.

દુબઇના મુર્તુઝા-કાઇડ જોહરને 21મીએ હાજર રહેવા સમન્સ
તપાસમાં બહાર આવ્યું હતું કે યુકેસ્થિત અબ્દુલ્લા ફેફડાવાળાએ હવાલાથી મોકલેલી રકમ મુળ મુંબઇના પણ હાલ દુબઇમાં રહેતા મુર્તુઝા શેખ અને કાઇડ જોહરવાળા મારફતે મુંબઇ મોકલી હતી જેથી પોલીસે બંનેને સમન્સ પાઠવીને આગામી 21 ઓકટોબરે વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું.

અલફલાહ ટ્રસ્ટ-તૈયબ ટ્રસ્ટે યુપીમાં 350 મકાનો બનાવ્યાં
અલફલાહ ટ્રસ્ટ- તૈયબ ટ્રસ્ટ દ્વારા યુપીના શામલીમાં 350 મકાનો બનાવ્યા છે જયાં ધર્મ પરિવર્તન કરેલા લોકો ઉપરાંત ગરીબોને આશરો અપાયો છે અને તેમને મદદ અપાઈ રહી છે. મુળ યુપીના પણ હાલ યુએસમાં રહેતા હાસીમ મૌલાના સલીમ કાલવીની ભુમિકાની પોલીસ તપાસ કરી રહી છે.

ચીનથી માલ મગાવી હવાલો પાડતા હતા
​​​​​​​અબ્દુલ્લા ફેફડાવાળા અને ઉમર ગૌતમ તથા સલાઉદ્દીને હવાલાથી મોટી રકમ મેળવવા માટે દુબઇના વેપારીઓ સાથે સાંઠગાંઠ કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. દુબઇના વેપારીઓ ચાઇનાના વેપારી પાસેથી માલ મંગાવ્યા બાદ મોટી રકમ હવાલા મારફતે ભારત મોકલતા હતા. વિદેશથી ફંડ મોકલવામાં અબ્દુલ્લા ફેફડાવાળા માસ્ટર માઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું. ફેફડાવાળા, સલાઉદ્દીન અને ઉમર ગૌતમ તાજેતરના દિલ્લીના કોમી તોફાનો બાદ દિલ્લી ગયા હતા

અન્ય સમાચારો પણ છે...