ધર્માંતરણ અને ફંડિંગ કેસ:સલાઉદ્દીને મેવાત,લખનઉ,આસામમાં ત્રણ શખ્સોને રૂ.59 લાખ મોકલ્યા હતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ
  • સલાઉદ્દીન-ઉમરની પૂછપરછમાં રોજેરોજ નવા ઘટસ્ફોટ
  • ભૂતકાળમાં પણ રૂા.19.50 લાખ આસામ મોકલાવ્યા હતા

શહેરના ચકચારી ધર્માંતરણ અને ફન્ડિંગના મામલાની તપાસ કરી રહેલી શહેર પોલીસની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીન શેખે હરિયાણાના મેવાત, લખનઉ અને આસામમાં 3 અલગ-અલગ વ્યક્તિઓને છેલ્લા એક વર્ષના ગાળામાં અંદાજે 59 લાખ રૂપિયા મોકલ્યા હતા. સલાઉદ્દીને આ રકમ કેમ મોકલી હતી તે વિશે કોઇ સ્પષ્ટ માહિતી પોલીસને આપી ન હતી, જેથી પોલીસ સલાઉદ્દીન અને ઉમર ગૌતમની સતત પૂછપરછ કરી રહી છે. ભૂતકાળમાં પણ આ ત્રણ વ્યક્તિઓને રકમ મોકલાઇ છે કે કેમ તે સહિતના મુદ્દા પર પોલીસની તપાસ ચાલી રહી છે.

ધર્માંતરણ અને ફન્ડિંગના મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીની ટીમે ગુરુવારે દિવસભર સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની સતત પૂછપરછ ચાલુ રાખી હતી, જેમાં સલાઉદ્દીન પાસેથી માહિતી મળી હતી કે તેણે 1 વર્ષમાં હરિયાણાના મેવાતમાં રહેતા મુબારીક નામના વ્યક્તિને 16 લાખ આંગડિયાથી મોકલ્યા હતા, જેથી પોલીસ આ મુબારીક નામનો વ્યક્તિ કોણ છે તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત સલાઉદ્દીને લખનઉના મોહમદ મુજીબ નામના વ્યક્તિને પણ વીતેલા વર્ષના ગાળામાં 16 લાખ મોકલ્યા હતા.

બીજી તરફ સલાઉદ્દીને આ વર્ષના ગાળામાં આસામના સદરુદ્દીન નામના વ્યક્તિને 7 લાખ મોકલ્યા હતા. તપાસમાં એવી પણ ચોંકાવનારી માહિતી પોલીસને મળી હતી કે સલાઉદ્દીને ભૂતકાળમાં પણ અંદાજે 19.50 લાખ રકમ આસામ મોકલાવી હતી. આ રકમ કોને મોકલાઇ હતી તેની પણ પોલીસ તપાસ કરી રહી છે, જ્યારે આ ત્રણેય સ્થળોએ મોકલાયેલી રકમનો શું ઉપયોગ કરાયો હતો અને કયા હેતુ માટે રકમ મોકલાઇ હતી તેની સચોટ માહિતી પોલીસને મળી શકી ન હતી.

ચોંકાવનારી માહિતી એ પણ બહાર આવી હતી કે, તમામ રકમ આંગડિયાથી જ મોકલાઇ હતી, લખનઉમાં તો બીજી કોઇ સેવાકીય પ્રવૃત્તિ પણ ચાલતી ન હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું જેથી પોલીસ તમામ મુદ્દે તપાસ કરી રહી છે.

આંગડિયાથી જ વિવિધ સ્થળે કેમ નાણાં મોકલાતાં તે સહિતના મુદ્દાની તપાસ જારી
પોલીસે જણાવ્યું કે, સલાઉદ્દીને હવાલાથી મેળવેલા પૈસામાંથી મોટાભાગના પૈસા આંગડિયાથી વિવિધ સ્થળે મોકલ્યા હતા. જેથી આંગડિયાથી જ કેમ વ્યવહાર ચાલતો હતો તેની વિસ્તૃત તપાસ કરાઇ રહી છે. જે સ્થળે પૈસા મોકલાયા છે તે સ્થળે કેમ પૈસા મોકલાયા હતા, તેનો ઉપયોગ શું કરાયો હતો, ચેકથી કેમ પૈસા ન ચૂકવાયા સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.

દુબઇના મુસ્તુફા શેખ અને કાઇડ જોહર હાજર ન રહેતાં ફરી સમન્સ મોકલાશે
હવાલા કૌંભાડમાં દુબઇના મુસ્તુફા શેખ અને કાઇડ જોહરનું નામ બહાર આવતાં પોલીસે બંનેને સમન્સ જારી કરીને 21મી ઓક્ટોબરે હાજર રહેવા જણાવ્યું હતું. જોકે 21 ઓક્ટોબરે બંને હાજર રહ્યા ન હતા. જેથી પોલીસ આવતીકાલે ફરી બંનેને સમન્સ ઇસ્યુ કરવાની પ્રક્રિયા કરી રહી છે.

​​​​​​​પોલીસે જણાવ્યું હતું કે દુબઇના મુસ્તુફા શેખ હવાલા કારોબારી છે અને કાઇડ જોહર કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. બંને જણા મુંબઇમાં હવાલાથી પૈસા મોકલતા હતા અને મુુંબઇથી હવાલાની રકમ વડોદરા, ભૂજ, અમરાવતી, ધુલીયા, જલગાંવ સહિતના વિસ્તારોમાં પહોંચતી હતી. જેનો હિસાબ સલાઉદ્દીનને પણ મોકલવામાં આવતો હતો અને તે અંગે સલાઉદ્દીન પાસે પણ તમામ માહિતી રહેતી હતી.

અનાજના વેપારી સહિત 2ની પૂછપરછ
પોલીસે ગુરુવારે શહેરના અનાજના વેપારી ઇસ્લાઇલ કાસુવાલા સહિત 2 જણાની પણ પૂછપરછ કરી હતી. ઇસ્માઇલ કાસુવાલા પાસેથી સલાઉદ્દીન ડભોઇ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં અનાજ મોકલવા માટે અનાજ ખરીદતો હતો, જેમાં તે તેમને એડવાન્સ ચેક આપતો હતો. તે હિસાબોમાં વિસંગતતા જોવા મળતાં પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...