તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્માંતરણ:સલાઉદ્દીને UKના ટ્રસ્ટ પાસેથી 2.50 કરોડનું ફંડ લઈ 42 લાખ હવાલાથી લખનઉ મોકલ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી સલાઉદ્દીનની તસવીર - Divya Bhaskar
આરોપી સલાઉદ્દીનની તસવીર
  • સલાઉદ્દીનના ઇશારે હવાલાથી પૈસા મોકલ્યા હોવાની એકાઉન્ટન્ટની કબૂલાત
  • યુકેના ટ્રસ્ટ દ્વારા સલાઉદ્દીન સિવાય અન્ય કયાં ટ્રસ્ટોને મદદ ફાળવાઈ છે તેની તપાસ

સલાઉદ્દીનના ટ્રસ્ટનાં બેંક ખાતાઓની તપાસ કરવામાં આવતાં યુકેની અલ ફલાહ ટ્રસ્ટ સાથે તે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું. યુકેના ટ્રસ્ટ પાસેથી તેણે અઢી કરોડ મેળવ્યા હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. શરૂઆતમાં તો સલાઉદ્દીન આવી કોઇ રકમ મળી હોવા બાબતે ઇન્કાર કરતો રહ્યો હતો, પણ પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવતાં આખરે તેણે સ્વીકાર્યું હતું કે, તેને યુકેના ટ્રસ્ટ પાસેથી રૂપિયા અઢી કરોડનું ફંડ મળ્યું હતું અને આ ફંડ પૈકી રૂપિયા 42 લાખ તેણે ઉમર ગૌતમના ટ્રસ્ટને હવાલા મારફતે ચૂકવ્યા હતા.

પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી કે, પોતાને મળેલી નાણાકીય મદદનો ઉપયોગ તેણે ધર્માંતરણમાં કર્યો હતો અને દિલ્હીની સંસ્થાને હવાલા મારફતે આંગડિયા પેઢી દ્વારા તેણે પૈસા મોકલ્યા હતા. પોલીસે મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના 2 બેંક ખાતાના ટ્રાન્જેક્શનની પણ તપાસ શરૂ કરી તેના એકાઉન્ટન્ટ ફરીદ સૈયદની પૂછપરછ કરી હતી. જેમાં સલાઉદ્દીનના ઇશારે આંગડિયા પેઢી દ્વારા હવાલાથી પૈસા મોકલ્યા હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તેને પણ સાક્ષી તરીકે સલાઉદ્દીનની સાથે રાખી લખનઉ લઇ ગઇ હતી.

સલાઉદ્દીન કેટલા સમયથી યુકેના ટ્રસ્ટ પાસેથી મદદ મેળવતો હતો અને તે રકમનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો હતો તે સહિતના મુદ્દે પૂછપરછ કરાઈ રહી છે. અલકાપુરી અને સાધના ટોકીઝ પાસેની આંગડિયા પેઢીમાંથી હવાલાથી રકમ ચૂકવાઇ હતી. યુપી એટીએસની ટીમ એ મુદ્દાની તપાસ કરી રહી છે કે, યુકેના ટ્રસ્ટ દ્વારા સલાઉદ્દીનના ટ્રસ્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરાઇ હતી તો આ ટ્રસ્ટ કોણ ચલાવી રહ્યું છે અને સલાઉદ્દીનના ટ્રસ્ટ સિવાય અન્ય કયાં ટ્રસ્ટોને મદદ ફાળવાઇ છે.

સલાઉદ્દીન શેખે વડોદરામાં પણ ધર્માંતરણ કરાવ્યું હોવાની તપાસ
યુપી ધર્માંતરણના મામલામાં વડોદરાના સલાઉદ્દીન શેખની એટીએસે ધરપકડ કરી છે ત્યારે જ સુરતનો સંતોષ પંઢરે નામનો યુવક ધર્માંતરણ કરીને અબ્દુલ્લા બની ગયો હોવાના અહેવાલ બહાર આવ્યા છે. જેને પગલે ધર્માંતરણમાં ફંડિંગ કરનારા સલાઉદ્દીને વડોદરામાં ધર્માંતરણ કરાવ્યું છે કે કેમ તે દિશામાં ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી હતી.

સુરતના મરાઠી પરિવારના 3 ભાઈ પૈકી સંતોષ પંઢરે 2013માં ઘર છોડી નાસી ગયો હતો. તેના બંને ભાઈ રાજેશ અને દિનેશે શોધખોળ કર્યા બાદ તે મળ્યો ન હતો. 6થી 7 વર્ષ બાદ તેનો ફોન આવ્યો હતો ત્યારે તેણે જણાવ્યું કે, હું અબ્દુલ્લા બની ગયો છું. તેણે મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો હોવાની કબૂલાત કરી મુસ્લિમ ધર્મ વિશે વાતો કરવા લાગ્યો હતો. આ મામલો બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. વડોદરામાં ધર્માંતરણના મામલા સાથે સલાઉદ્દીનની સંડોવણી બહાર આવતાં ગાંધીનગરથી ગુજરાત પોલીસની મહત્ત્વની શાખાઓએ વડોદરામાં ધર્માંતરણ કરાવ્યું છે કે કેમ તે દિશામાં ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી. સલાઉદ્દીનની એનજીઓ દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ ચાલી રહી છે કે કેમ તેની આઇબી દ્વારા તપાસ શરૂ કરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સલાઉદ્દીન-એકાઉન્ટન્ટ ફરીદને સામસામે બેસાડી ઊલટ તપાસ
સલાઉદ્દીનને ફંડ ટ્રાન્સફરની ભૂમિકા વિશે પૂછપરછમાં આવું ફંડ ટ્રાન્સફર કર્યું હોવા બાબતે ઇન્કાર કર્યો હતો. એટીએસે તેના એકાઉન્ટન્ટ તાંદલજાના ફરીદ સૈયદની પૂછપરછ કરતાં તેણે વટાણા વેરી દીધા કે, સલાઉદ્દીનના ઇશારે તેણે આંગડિયા પેઢી દ્વારા હવાલાથી 42 લાખ મોકલ્યા હતા. સલાઉદ્દીન અને ફરીદને સામસામે બેસાડી ઊલટ તપાસ કરાતાં સલાઉદ્દીન પડી ભાંગ્યો હતો અને 42 લાખ મોકલ્યા હોવાનું જણાવ્યું હતું.

સામાન્ય પગાર મેળવનારા કર્મચારીના નામે મિલકતો લીધી
સલાઉદ્દીને તેના મામૂલી પગારદાર કર્મચારીના નામે મિલકતો ખરીદી હોવાનું ધ્યાને આવ્યું છે. તાજેતરમાં તેણે આ પ્રકારે જમીન ખરીદવા પ્રયાસ કર્યો હતો, જ્યારે એક મકાન ખરીદ્યું હોવાનું જણાયું હતું. કયા કર્મચારીના નામે મિલકત ખરીદી છે તેની તપાસ શરૂ કરાઇ છે.

સલાઉદ્દીન શેખે લોકડાઉનમાં પાસપોર્ટ માટેની પ્રક્રિયા કરી હતી
સલાઉદ્દીને ગત વર્ષે સપ્ટેમ્બરમાં નિઝામપુરાની પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા કરી હતી. જેથી તેણે લોકડાઉનના સમયમાં કેમ પાસપોર્ટની પ્રક્રિયા કરી હતી તેની તપાસ શરૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...