ઘટસ્ફોટ:વડોદરાના સલાઉદ્દીનની સંસ્થા દ્વારા ટ્રસ્ટના એકાઉન્ટમાં દુબઇથી હવાલા મારફતે રૂ. 24.48 કરોડ મેળવ્યા હતા, ધર્માંતરણ અને CCA પ્રદર્શનમાં નાણા વપરાયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ - Divya Bhaskar
આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ
 • ઉત્તરપ્રદેશ ATSએ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક સલાઉદ્દીન શેખની ધરપકડ કરી હતી
 • સલાઉદ્દીન શેખે સંસ્થાના નામે દુબઇથી હવાલા મારફતે રૂ. 8 કરોડ મેળવ્યા હોવાનો ઘટસ્ફોટ, ઉમર 5 વર્ષમાં 5 વાર વડોદરા આવ્યો

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખ સામે વડોદરા પોલીસે કરેલી ઉંડી તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સલાઉદ્દીને તેના આફમી ટ્રસ્ટના ઓથા હેઠળ સેવા કરવાના બહાને 5 વર્ષમાં મેળવેલા 24.48 કરોડ પૈકી 59.94 લાખ જેટલી માતબર રકમ દિલ્હીના સીએએ પ્રદર્શન માટે તથા કોમી તોફાનના આરોપીઓને છોડાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરવા વાપર્યા હતા.

પોલીસે સલાઉદ્દીનના ટ્રસ્ટમાં જમા થયેલા રૂા. 27કરોડની રકમના હિસાબો ચકાસતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સલાઉદ્દીન શેખ તથા ઉમર ગૌતમ અને તેના મળતીયાઓ સામે ગુનો નોંધી મામલાની તપાસ શરુ કરી હતી. સલાઉદ્દીને તેના ટ્રસ્ટના એકાઉન્ટમાં સેવા ના નામે દેશથી અને દુબઇ થી હવાલા મારફતે નાણા મેળવ્યા હતા જેમાં તેના એફસીઆરએ ખાતામાં 19.3 કરોડ અને દુબઇથી હવાલા મારફતે 8 કરોડ મેળવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઉમર સામે વડોદરામાં ગુજરાતનો પહેલો ગુનો નોંધાયો હતો.

યુપી પોલીસે જુન માસ પહેલાં ધર્માંતરણ મામલાનો પર્દાફાશ કરી ઉમર ગૌતમ સહિત 6 આરોપીને ઝડપી પાડયા હતા. ઉમરને ધર્માંતરણના મામલામાં વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખે ફડીંગ કર્યું હોવાનું બહાર આવતાં સલાઉદ્દીનને પણ ઝડપી લઇ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. ત્યારબાદ વડોદરા એસઓજી પોલીસે ગુપ્ત રાહે તપાસ શરુ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે સલાઉદ્દીન શેખે તેના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના એફસીઆરએ એકાઉન્ટમાં 2017થી અત્યાર સુધી 19 કરોડ મેળવ્યા હતા જયારે દુબઇથી હવાલા મારફતે પણ 8 કરોડ ઉપરાંતની રકમ મળી કુલ 27 કરોડ ટ્રસ્ટમાં મેળવ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિ માટે મેળવેલી આ રકમ સલાઉદ્દીન શેખે 5.91 કરોડ ઉમર ગૌતમને ધર્માંતરણની પ્રવૃત્તિ કરવા તથા ગેરકાયદે ગુજરાત સહિતના રાજયોમાં મસ્જિદો બનાવવા મોકલ્યા હતા.

જયારે 59. 94 લાખ દિલ્હીમાં થયેલા સીએએ પ્રદર્શનકારીઓ અને કોમી તોફાનના આરોપીઓને છોડાવવા કાયદાકીય ખર્ચા માટે ઉપયોગ કર્યો હતો. સીએએ વિરોધ પ્રદર્શનને પ્રોત્સાહન પુરુ પાડવા પણ આ રકમનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત ખોટા બીલો બનાવી નાણાની હેરાફેરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે સલાઉદ્દીન, ઉમર તથા તેના મળતિયાઓ સામે ગુનો નોંધ્યો હતો. ઉમર 5 વર્ષમાં 5 વાર વડોદરા આવ્યો હતો.

સલાઉદ્દીન અને ઉમરને લખનૌથી વડોદરા લવાશે
ધર્માંતરણ મામલામાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ અને તેમના અન્ય સાગરીતો યુપી પોલીસના હાથે પકડાયા બાદ હાલ જેલમાં છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની પોલીસની ટીમે લખનૌ પહોંચીને બંનેની આ ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી કબજોમેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. બીજી તરફ યુપી પોલીસે આ આરોપીઓ સામે ચાર્જશીટની પ્રક્રિયા પણ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સામે તપાસ કરવા SITની રચના
સલાઉદ્દીન અને ઉમર ગૌતમે હવાલાથી પૈસા મેળવી ધર્માંતરણની પ્રવૃત્તિ અને સીએએ પ્રદર્શનકારીઓ તથા કોમી તોફાનોના આરોપીઓને છોડાવવા નાણા ખર્ચ્યા હતા. આ મામલાની તપાસ માટે પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા એસીપી ક્રાઇમ ડી.એસ.ચૌહાણના વડપણ હેઠળ એસઓજી પીઆઇ એસ.જી.સોલંકી, પીઆઇ આર.એ.પટેલ, તથા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.આર.ખેર તથા એસઓજીના પીઆઇ ડી.વી.ઢોલા સહિતના અધિકારીઓની સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે.

વેપારીઓ પાસે ખોટાં બિલો બનાવડાવી 1.65 કરોડ ઉપરાંતની રકમ રોકડમાં ફેરવી
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે સલાઉદ્દીન શેખે તેના ટ્રસ્ટ દ્વારા જીવન જરુરીયાતની ચીજો ખરીદવાના બહાને શહેર જિલ્લાના કેટલાક વેપારીઓને વિશ્વાસમાં લીધા હતા અને ચીજો ખરીદવાના નામે વેપારીઓને મોટી મોટી રકમના ચેકો આપીને ત્યારબાદ વેપારીનું કમિશન કાપી તે વેપારીઓ પાસેથી આ રકમ રોકડ સ્વરુપે મેળવી લેતો હતો. આ પ્રકારે સલાઉદ્દીન શેખે ખોટા બિલો બનાવીને 1. 65 કરોડ જેટલી રકમ મેળવી હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કયા કયા વેપારીઓ પાસેથી સલાઉદ્દીને આ પ્રકારે ચેક આપીને મોટી રકમ રોકડ સ્વરુપે લઇ લીધી હતી તેની તપાસ કરાઇ રહી છે. આ મામલામાં આવનારા દિવસોમાં મોટો ઘટસ્ફોટ થઇ શકે છે. તપાસમાં બહાર આવ્યું હતું કે, સલાઉદ્દીનની સંસ્થા એએફએમઆઇ ગુજરાત અને રાજસ્થાનમાં ગરીબ પરિવારોનો અન્ન, કપડાં, શિક્ષણ અને આરોગ્ય ચિકિત્સાની સેવા આપવા માટેનું કાર્ય કરવાના નામે વિદેશથી ફંડ ઉઘરાવતી હતી.

આ કલમો હેઠળ ગુનો નોંધાયો

 • 153એ (1) : શબ્દો કે અન્ય કોઇ રીતે બે સમુદાય વચ્ચે વિવાદ પેદા કરવો
 • 201: પુરાવાનો નાશ કરવો
 • 406: વિશ્વાસઘાત
 • 465: બનાવટી દસ્તાવેજ બનાવવા
 • 467: બોગસ કિંમતી દસ્તાવેજ બનાવવો
 • 471: બનાવટી દસ્તાવેજ જાણવા છતાં તેના સાચા તરીકે ઉપયોગ કરવો
 • 120 (બી): ગુનાહીત કાવતરું રચવું
 • 114 : મદદગારી કરવી

સલાઉદ્દીન અને ઉમર ગૌતમનું ટ્રાન્સફર વોરંટ મેળવી પોલીસ લખનઉ રવાના થઇ
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે હાલ યુપીની જેલમાં રહેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમની ધરપકડ માટે એસઆઇટી દ્વારા બંનેનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવાની પ્રક્રીયા કરાઇ હતી અને બુધવારે ટ્રાન્સફર વોરન્ટ મળી જતાં બુધવારે સાંજે એસઆઇટીની એક ટીમ લખનૌ જવા રવાના થઇ હતી. ટ્રાન્સફર વોરન્ટથી બંનેનો કબજો મેળવી વડોદરા લવાયા બાદ રિમાન્ડ મેળવીને પોલીસ બંનેની ઉંડી પુછપરછ કરશે અને તેમાં ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી શકયતા છે.

ખોટા બિલો દ્વારા રૂા. 1.65 કરોડ મેળવ્યાં હોય પોલીસે વેપારીઓની તપાસ શરૂ કરી
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સલાઉદ્દીન શેખે તેના ટ્રસ્ટ દ્વારા જીવન જરુરીયાતની ચીજો ખરીદવાના બહાને શહેર જીલ્લાના કેટલાક વેપારીઓને વિશ્વાસમાં લીધા હતા અને ચીજો ખરીદવાના નામે વેપારીઓને મોટી મોટી રકમના ચેકો આપીને ત્યારબાદ વેપારીનું કમિશન કાપી તે વેપારીઓ પાસેથી આ રકમ રોકડ સ્વરુપે મેળવી લેતો હતો.

આ પ્રકારે સલાઉદ્દીન શેખે ખોટા બિલો બનાવીને 1. 65 કરોડ જેટલી રકમ મેળવી હતી જેથી કયા કયા વેપારીઓ પાસેથી સલાઉદ્દીને આ પ્રકારે ચેક આપીને મોટી રકમ રોકડ સ્વરુપે લઇ લીધી હતી તેની ઉંડી તપાસ કરાઇ રહી છે. વેપારીઓની પુછપરછ કરીને પોલીસ તપાસ ચાલી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સલાઉદ્દીનના ગુજરાત અને અન્ય રાજ્યોના સંપર્કોની પણ તપાસ શરૂ

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સલાઉદ્દીન અને ઉમર ગૌતમના ગુજરાત ના વિવિધ શહેરો સહિત નજીકના અન્ય રાજ્યોમાં રહેલા સંપર્કો ની તપાસ શરુ કરી દેવાઇ છે. આ સંપર્કોની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવાઇ છે અને આ ટીમો તપાસ માટે રવાના પણ કરી દેવાઇ છે. સલાઉદ્દીન અને ઉમર ગૌતમ કેટલા સમયથી ધર્માંતરણની પ્રવૃત્તી કરી રહ્યા હતા અને કોના કોના સંપર્કમાં હતા તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ ચાલી રહી છે.

સલાઉદ્દીને ગુજરાત અને રાજસ્થાન સહિતના પાંચ રાજ્યની 100થી વધુ મસ્જિદોમાં 7.27 કરોડ વાપર્યા
પોલીસ તપાસમાં જણાયું હતું કે, સલાઉદ્દીને તેના આફમી ટ્રસ્ટના ઓથા હેઠળ દેશમાંથી તથા દુબઇ સહિત વિદેશમાંથી હવાલા મારફતે મળેલી કરોડોની રકમમાંથી રૂા.7.27 કરોડ દેશની વિવિધ 100થી વધુ મસ્જીદોમાં વાપર્યા છે.

સલાઉદ્દીનના ટ્રસ્ટે ચેરીટીના નામે મેળવેલી રકમના છેલ્લા 5 વર્ષમાં હિસાબો ચકાસ્યા બાદ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે સેવા કરવાના બહાને સલાઉદ્દીને ગુજરાત, આસામ,રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આફમી ટ્રસ્ટની 24 કરોડ ઉપરાંતની રકમમાંથી 7.27 કરોડ જેટલી માતબર રકમ આ મસ્જીદોમાં ગેરકાયદેસર હેતુ માટે વાપરી છે. સલાઉદ્દીન અને ઉમર ગૌતમે કયા કયા સ્થળે મસ્જીદો માટે આ રકમ વાપરી હતી તેની તપાસ પણ શરુ કરાઇ છે.