નારાજગી:સહીની ક્વેરી નીકળતાં 1388 એલઆરડીનો પગાર અટવાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 તારીખે જમા થતો પગાર 5મી સુધી ન થતાં હોબાળો
  • આખરે સાંજ સુધીમાં રૂા.2.47 કરોડ પગાર જમા કરાયો

શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતા 1388 જેટલા લોકરક્ષક જવાનોનો પગાર ન થતાં હોબાળો મચી ગયો હતો. હોબાળા બાદ આખરે શહેર પોલીસ તંત્ર સક્રિય થતાં સાંજના સમયે જવાનોનો પગાર જમા થઇ ગયો હતો. એક સહીના ઓડિટના લીધે જવાનોનો પગાર અટવાઈ ગયો હોવાનું સપાટી પર આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેર પોલીસ તંત્રમાં 1388 લોકરક્ષક જવાનો ફરજ બજાવે છે. તમામનો કુલ રૂા.2.47 કરોડ પગાર દર મહિનાની 1 તારીખે તેમના ખાતામાં જમા થઇ જાય છે. જોકે આ વખતે 6 જૂન સુધી પગાર જમા ન થતાં એલઆરડી જવાનોમાં નારાજગી વ્યાપ્યા બાદ તેમણે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે શહેર પોલીસના સંબંધિત ખાતાએ દિવસ દરમિયાન કાર્યવાહી કરતાં સાંજ સુધીમાં મોટાભાગના એલઆરડી જવાનોનો પગાર જમા થઇ ગયો હતો.

ઇન્ચાર્જ ડીસીપી (વહીવટ)નો હવાલો ધરાવતા ઝોન-2ના ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે, દર મહિનાની 23મી તારીખે તેમના પગારની કામગીરી પૂરી કરી તિજોરી વિભાગને મોકલી દેવાય છે, પણ કેટલીક ક્વેરી નીકળતાં અને વચ્ચે રવિવાર આવી જતાં વિલંબ થયો હતો. સોમવાર સાંજ સુધીમાં પગાર જમા કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

એલઆરડી જવાનોએ જણાવ્યું હતું કે, ઘરનું ભાડું સમયસર ન ભરીએ તો મકાન ખાલી કરવું પડે છે અથવા મકાન માલિકના બોલ સાંભળવા પડે છે. પોલીસ તંત્રના એકાઉન્ટ વિભાગના જણાવ્યા મુજબ એક સહીના લીધે કાગળિયાં અટવાયાં હતાં, પણ તે ઓડિટ સોમવારે ક્લીયર થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...