15 દિવસ અગાઉ માથાભારે વ્યાજખોર સાજન ભરવાડના ત્રાસને કારણે ચેતન વાળંદે આપઘાત કર્યો હતો. જેમાં તેની ધરપકડ બાદ ચેતન વાળંદના ઘરે કામ કરતી મહિલાએ પણ સાજન ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને રૂપિયાની જરૂર પડતા સાજન પાસેથી 1 લાખ રૂપિયા લઇ પોતાના પ્લોટના કાગળ આપ્યા હતા. વ્યાજ સહિત રૂપિયા ચૂકવાઈ ગયા હોવા છતાં પણ સાજન પ્લોટના કાગળિયા ન આપતો હોવાથી મહિલાએ તેની વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોત્રી વિસ્તારમાં માથાભારે સાજન ભરવાડના ત્રાસને કારણે 8 મેના રોજ સાંજને સમયે ચેતન વાળંદે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચેતનભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હાલમાં સાજન અને તેના બંને ભાઈએ જેલના સળિયા ગણી રહ્યા છે. ત્યારે ચેતન વાળંદના ઘરે છેલ્લાં 15 વર્ષથી કામ કરવા આવતી મહિલાએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે. ગોત્રી વિસ્તારમાં આવેલા યોગી નગર ટાઉનશિપમાં રહેતાં પાર્વતીબેન વસાવાને 2016માં તેમની બહેને 1 લાખ રૂપિયા બેંકના એકાઉન્ટમાં રાખવા આપ્યા હતા.
આ દરમિયાન પાર્વતીબેને તે રૂપિયા તેમના મકાન માટે વાપરી લીધા હતા. 2018માં તેમની બેને રૂપિયા પાછા માગતા તેઓએ આ વિશે ચેતન ભાઈને વાત કરી હતી. ચેતનભાઈએ જણાવ્યું હતું કે, સાજન ભરવાડ રૂપિયા વ્યાજે આપે છે પણ તમારે કંઈ ગીરવે મૂકવું પડશે. જેથી તેઓ પોતાના જલારામ નગરનો પ્લોટ ગીરવે મૂકવા રાજી થયાં હતાં. સાજન ભરવાડે પાર્વતીબેનને 1 લાખ રૂપિયા આપ્યા હતા અને દર મહિને 10 હજાર વ્યાજ વસૂલતો હતો. પાર્વતીબેને 14 મહિના વ્યાજ ભરીને 2019માં 1 લાખ ચૂકવી દીધા હતા.
તમામ રૂપિયા ચુકવણી બાદ ચેતનભાઈ વચ્ચે હોવાને કારણે પાર્વતીબેન તેમની પાસેથી પ્લોટના કાગળિયા માંગતા તેઓ વાયદા કરતા હતા. પાર્વતીબેનના જલારામ નગર વાળા ઘરમાં મીટર નાખવા માટે તેઓને પ્લોટના કાગળિયાની જરૂર પડતાં તેઓ ફરીવાર ચેતનભાઈ પાસે કાળગિયા માગતાં તેઓએ સાજન ભરવાડનો નંબર આપ્યો હતો. સાજન ભરવાડે પાર્વતીબેનને જણાવ્યું હતું કે કાગળિયા ખોવાઈ ગયા છે, તમે કચેરીમાંથી કઢાવી લો. જેથી પાર્વતીબેને સાજન ભરવાડ વિરુદ્ધ ગોત્રી પોલીસમાં અરજી કરી હતી. બાદમાં સાજને પાર્વતીબેને કાગળિયા લેવા ઓફિસમાં બોલાવ્યા હતા. દરમિયાન ચેતનભાઈએ આત્મહત્યા કરતાં તેઓ કાગળિયા લેવા ગયા નહોતા. પાર્વતીબેને સાજન ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.