હરિધામ સોખડાના વરિષ્ઠતમ સંતવર્ય શાસ્ત્રી સ્વામીજી પૂજ્ય કૃષ્ણચરણદાસજીનું અક્ષરધામગમન થતાં સંતો-ભક્તોમાં શોકની લાગણી વ્યાપી છે. શાસ્ત્રી સ્વામીજીએ ભગવતસ્મરણ કરતાં કરતાં તા. ૨૨ ડિસેમ્બરે રાત્રે 10 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. 81 વર્ષના શાસ્ત્રી સ્વામીજીને છેલ્લા 6 માસથી બ્રેઇન ટ્યુમરની બીમારી હતી. યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સાથે રહીને હરિધામ તીર્થક્ષેત્રનાં સર્જનમાં તેઓએ અગ્રેસર ભૂમિકા અદા કરી હતી. કુદરતી ખેતી અને ગૌસંવર્ધનમાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું.
સતત 6 દાયકા સુધી અધ્યાત્મિક અને સામાજિક સેવામાં રત રહ્યા
યોગી ડિવાઈન સોસાયટીના અધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામી સાથેનાં સંસ્મરણો વર્ણવીને તેમની સાદગી, સરળતા, સાધુતા, ભક્તિભાવ અને સુહૃદભાવને બેનમૂન ગણાવ્યા છે. તેઓનું જીવન સંતો-ભક્તો માટે આદર્શ બની રહેશે તેમ જણાવ્યું હતું. અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીજી જેવા સદગણો પ્રભુ સહુને પ્રદાન કરે તેવી પ્રાર્થના તેઓએ કરી છે. અ.નિ. શાસ્ત્રી કૃષ્ણચરણદાસજીએ ઈ.સ. 1961માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે 21 વર્ષની વયે ગઢડા ખાતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી અને સંતજીવનમાં રહીને અંતિમ શ્વાસ સુધી સતત 6 દાયકા સુધી અધ્યાત્મિક અને સામાજિક સેવામાં રત રહ્યા હતા.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે ઈ.સ. 1961માં દીક્ષા લીધી
પૂર્વાશ્રમમાં સૌરાષ્ટ્રના માણાવદરના ભક્તરાજ પુંજાભાઈ અને ગંગાબા આરદેસણાના પુત્ર એવા જયંતિભાઇનો જન્મ 13 સપ્ટેમ્બર 1940ના રોજ થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર જયંતિભાઈને ગુરુહરિ યોગીજી મહારાજે 25 માર્ચ 1961ના રોજ રામનવમીએ ગોંડલમાં પાર્ષદ દીક્ષા અને 11 મે 1961ના રોજ ગઢડામાં એકાવન યોગેશ્વરોની સાથે ભાગવતી દીક્ષા આપી હતી. સંતદીક્ષા આપ્યા બાદ તેમને સાધુ કૃષ્ણચરણદાસ નામ આપવામાં આવ્યું હતું. એ પછી ગુરૂહરિ યોગીજી મહારાજની આજ્ઞાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્રીની પદવી મેળવી. ત્યારથી તેઓ શાસ્ત્રી સ્વામીના નામે ઓળખાતા હતા. તેઓએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અંગત સેવક તરીકે રહીને તેમનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.
1966થી હરિપ્રસાદ સ્વામી મહારાજ સાથે સોખડા આવીને વસ્યા
ઈ.સ. 1966થી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સાથે સોખડા આવીને વસ્યા હતા. હરિધામ સોખડાનાં સર્જન અને આ તીર્થક્ષેત્ર દ્વારા યોજાતી સર્વે પ્રવૃત્તિમાં અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીજીનું અનેરૂં યોગદાન રહ્યું હતું. ગૌસંવર્ધન અને કુદરતી ખેતીના નિષ્ણાંત એવા શાસ્ત્રી સ્વામીજી પાકશાસ્ત્ર, વહીવટી બાબતો, મહેસૂલી બાબતો વગેરેના પણ તજજ્ઞ હતા. ઉત્સવો માટે જમીન સંપાદનની સેવા તેમના ભાગે આવતી. ગૌશાળા અને ખેતી સંબંધી કાર્યો સિવાય ભાગ્યે જ તેઓ હરિધામની બહાર નીકળતા.
શાસ્ત્રી સ્વામીજી નદીક્ષિત સંતો માટે સાધુતાનો આદર્શ બની રહ્યા
સાંપ્રદાયિક ગ્રંથોના ઉંડા અભ્યાસુ એવા શાસ્ત્રી સ્વામીજી પાસેથી સ્વામિનારાયણ પરંપરાના પદોનું ગાન શ્રવણ ભક્તિભાવમાં તરબોળ કરી દેનાર રહેતું. હરિધામ-સોખડા સાથે સંલગ્ન આત્મીય સમાજને તેમણે ખરા અર્થમાં વડીલ તરીકેની હુંફ અને માર્ગદર્શન આપ્યાં હતાં. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં સદગુરૂ મુક્તાનંદ સ્વામી હતા તેવું સાધુતાપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા શાસ્ત્રી સ્વામીજી નદીક્ષિત સંતો માટે સાધુતાનો આદર્શ બની રહ્યા હતા.
હરિપ્રસાદ સ્વામી મહારાજ સાથે અનુપમ આત્મીય સંબંધ હતો
બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ સાથે તેમનો અનુપમ આત્મીય સંબંધ હતો. તેઓએ શ્રીઠાકોરજીની ચલ મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે શાસ્ત્રી સ્વામીના જન્મદિવસ 13 સપ્ટેમ્બરની પસંદગી કરેલી. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી જુલાઇ માસમાં અંતર્ધ્યાન થયા પછી શાસ્ત્રી સ્વામીજીએ તમામ પ્રવૃત્તિઓમાંથી વિરક્તભાવ કેળવી લીધો હતો અને મોટાભાગનો સમય ભગવદભજનમાં વિતાવતા હતા. શ્રીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી જલ્દીથી પોતાની પાસે અક્ષરધામમાં બોલાવી લે તેવી પ્રાર્થના કરતા રહેતા.
સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંત્યેષ્ટિ કરવામાં આવી
હરિધામ-સોખડાના હરિઘાટમાં અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીજીની સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંત્યેષ્ટિ કરવામાં આવી હતી. પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ તેઓના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. આ પ્રસંગે દિલ્હીના પરમ પૂજ્ય મુકુન્દજીવન સ્વામીજી, પરમ પૂજ્ય નિર્મળ સ્વામી, પવઈ મંદિરના પૂજ્ય ભરતભાઈ, પૂજ્ય હેમંતભાઈ વશી, અનુપમ મિશન અને ગુણાતીત જ્યોત વિદ્યાનગરના વડીલો, સાંકરદા સંતમંડળ ઉપરાંત હરિધામના વડીલ સંતો પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી, પૂ. પ્રબોધ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી વગેરે સંતો, આત્મીય સમાજના વિવિધ પ્રદેશોના કાર્યકર્તાઓ સહીત સેકડો હરિભક્તોએ ખાસ ઉપસ્થિત રહીને સજળનેત્રે ભાવાંજલિ અર્પણ કરી હતી.
વિશ્વભરના સત્સંગ સમુદાયમાં ગમગીની વ્યાપી ગઈ
પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણચરણદાસજીના અક્ષરવાસથી વિશ્વભરના સત્સંગ સમુદાયમાં ગમગીની વ્યાપી ગઈ હતી. યોગી ડિવાઈન સોસાયટીનાં દેશ-વિદેશ સ્થિત તમામ કેન્દ્રોમાં અખંડધૂન યોજીને ભક્તોએ શ્રદ્ધાંજલિ–પ્રાર્થના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.