કંચન જરીવાલાને અંતરઆત્માના અવાજ સંભળાયો:વાઈરલ વીડિયોમાં કહ્યું: 'લોકો મને કહેતા કે, તમે રાષ્ટ્રવિરોધી છો, ગુજરાત વિરોધી છો, જેથી મેં ઉમેદવારી પાછી ખેંચી છે'

સુરત3 મહિનો પહેલા
કંચન જરીવાલા.

કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચે તેની સ્ક્રીપ્ટ ચાર-પાંચ દિવસ પહેલા જ લખાઈ ગઈ હતી. આજે એમનો જે વીડિયો વાઇરલ કર્યો છે, તેમાં પણ કોઈકે લખેલા શબ્દો વાંચીને પોતાની પ્રતિક્રિયા આપતા હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું. સુરત પૂર્વ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું નાટક રીતે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું, પરંતુ, સુરત શહેરમાં ચર્ચા છે કે, આ તો પહેલાથી નિશ્ચિત થયેલી ગેમ હતી અને આખો ડ્રામા પૂર્ણ કરવામાં આવ્યો છે.

વાઇરલ વીડિયોમાં લખેલા શબ્દો વાંચતા દેખાયા
કંચન જરીવાલાનો દિવ્યભાસ્કરની ટીમ દ્વારા તેમના ઘરે જઈને પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને તેમને વારંવાર ફોન ઉપર પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તેમના ઘરે જતા તેમના કોઈ પણ પરિવારના સભ્ય મળ્યા ન હતા. તેમના પિતરાઈ ભાઈના ઘરે જતા તેમના ઘરેથી પ્રતિક્રિયા જાણવા મળી હતી કે, તેમને અને તેમના પરિવારને ગઈકાલ સાંજથી જોયા નથી. ત્યારબાદ વારંવાર તેમને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. તેને કારણે તેમની સાથે સીધી રીતે વાત થઈ ન હતી. આજે તેમણે પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા બાદ તેમનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, તેમની સામે કોઈ કાગળ પકડીને ઉભો છે અને તેઓ તે આખી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. જાણે કોઈ રાજકીય પાર્ટીના હિસાબે પહેલાથી જ આ સ્ક્રિપ્ટ તૈયાર કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેમણે માત્ર કે વાંચીને પૂરી કરવાની હતી.

અંતર આત્માનો અવાજ કે રાજકીય ઓપરેશન પાર પડ્યું
સ્વભાવિક છે કે, કંચન જરીવાલા લોકોની વચ્ચે ગયા હોય અને તેમને રાષ્ટ્ર વિરોધી અને ગુજરાત વિરોધી પાર્ટી તરીકે સંબોધવામાં આવ્યા હોય તેવી શક્યતા જણાતી નથી. તારે સ્વાભાવિક રીતે પ્રશ્ન એ ઉભો થાય કે, શું પોતે કંચન જરીવાલા જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ઉમેદવારી ફોર્મ ભર્યાના ગણતરીના કલાકો બાદ જ તેમને આ પ્રકારે આત્મજ્ઞાન થયું. ગણતરીના કલાકોમાં આત્મજ્ઞાન થવું એ વાત ગળે ઉતરે તેમ નથી પરંતુ અત્યારનો માહોલ જોતા રાજકીય રીતે ઓપરેશન પાર પડ્યું છે એવી ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. સુરત પુરવા બેઠક ઉપર સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે પરંતુ જો આમ આદમી પાર્ટી ચૂંટણી દરમિયાન પાંચ દસ હજાર વોટ પણ લઈ જાય તો ચૂંટણી પરિણામ ઉપર તેની મોટી અસર દેખાય તેમ હતી અને તેને કારણે જ ઓપરેશન સુરત પૂર્વ બેઠક એ પાર પાડવામાં આવ્યું છે.

વાયરલ વીડિયોમાં કંચન જરીવાલાનું નિવેદન
સુરત પૂર્વ બેઠકના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ જણાવ્યું હતું કે, નમસ્કાર મિત્રો હું કંચનલાલ જરીવાલા, આથી જણાવુ છું કે, 159 સુરત પૂર્વ વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલી હતી અને પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું. મારા પ્રચાર દરમિયાનમાં અમારા વિસ્તારમાં નાગરિકો દ્વારા મને વારંવાર કહેવામાં આવતુ હતું કે, તમે રાષ્ટ્રવિરોધી છો, ગુજરાત વિરોધી છો, પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, એમાં તમને સમર્થન અમે આપીશું નહીં, મારા વિસ્તારમાં આવો પ્રતિભાવ મળતા મારો અંતર આત્મા કકળી ઉઠ્યો હતો અને મેં અંતરઆત્માનો અવાજ સાંભળી આવી રાષ્ટ્રવિરોધી અને ગુજરાત વિરોધી પાર્ટીમાંથી ચૂંટણી ન લડવાનું મન બનાવીને મારું ઉમેદવારી પત્ર કોઇ પણ પ્રકારના ધાક દબાણ વગર પાછું ખેંચી લીધુ છે. તેવી હું આપ સૌ મિત્રોને જણાવું છું.

બીજી કોઈ બેઠક ઉપર પણ મોટો ખેલ થશે કે કેમ
કંચન જરીવાલા દ્વારા જે પ્રકારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવામાં આવ્યો છે, તેવી રીતે અન્ય કોઈ પાર્ટીના નેતાઓને પણ ધાગધમકી આપવામાં આવે છે કે, કેમ તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જે રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં આવા જે પાર્ટીના સિમ્બોલ પરથી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં કેટલા કોર્પોરેટર જતા રહ્યા હતા તેવી રીતે ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના અન્ય કોઈ ઉમેદવાર હથિયારહેતા મૂકી દેશે કે કેમ તેને લઈને પણ શહેરભરમાં ચર્ચા ચાલી છે. એક વાત તો ચોક્કસ છે કે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થાય ત્યાં સુધીમાં આવા અનેક પ્રકારના મોટા ઘટના ક્રમ મતદારો સામે આવતા રહેશે..

શું બીજા પણ ઉમેદવારી પત્ર ખેચાશે
આજે જે રીતે સુરત પૂર્વ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવામાં આવ્યો છે, તેવી રીતે અન્ય ઉમેદવાર પણ ફોર્મ પરત ખેશે કે, કેમ તેની અટકળો તેજ બની છે. કારણ કે, આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. સુરતના રાજકીય માહોલમાં દરેક કલાકે નવા દાવપેચ રમવામાં આવી રહ્યા છે, ત્યારે આવતીકાલે સાંજ સુધીમાં હજુ કોઈ ઉમેદવારી પત્ર ખેંચાય તો નવાઈ નહીં. કાલે સાંજ સુધીમાં ઉમેદવારી પત્ર ખેંચવાનો સમય છે ત્યારે અન્ય રાજકીય પાર્ટીઓ પણ પોતાના સ્પર્ધિઓને મેદાનમાંથી બહાર કાઢી મુકવા માટે ખેલ ખેલી શકે છે અને અન્ય ઉમેદવારો પણ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...