યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યુક્રેનથી અનેક ભારતીય વિદ્યાર્થીઓએ વતનની વાટ પકડી છે ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા પ્રાતપસિંહ પરમારનો પુત્ર સૌરભ છેલ્લા છ મહિનાથી વર્ક પરમિટ પર યુક્રેન ગયો હતો. જયાં તે એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. સૌરભે દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે, હું ચાર દિવસ સુધી ઉંઘી ન શક્યો અને ખાવાનું પણ ન મળ્યું. માત્ર બે-ત્રણ બિસ્કીટ ખાઇ લેતો.
45 કિલોમીટર સુધી ચાલવું પડ્યું
વધુમાં તેણે જણાવ્યું હતું કે, કિવમાં પહેલા ફાયરિંગ થયું અને પછી અમે રહેતા હતાં ત્યા નજીકમાં પણ ગોળીબાર થયો હતો. સ્થિતિની ગંભીરતાથી જોતા અમે ત્યાંથી ભારત આવવા નિકળી ગયા. ટેક્સીવાળાએ પણ અમને બોર્ડરથી દૂર ઉતાર્યા તેથી 45 કિલોમીટર સુધી ચાલવું પડ્યું. યુક્રેના લોકો અમને કહેતા હતા કે ભારત સહિતના વિદેશીઓને પોલેન્ડ વિઝા નથી આપતા. જેથી અમને ખૂબ જ તણાવમાં આવી ગયા હતા. જો કે ભારતીય એમ્બેસીમાં ફોન કરી પુછ્યું તો જાણવા મળ્યું કે હવે પોલેન્ડ બોર્ડર ખોલવામાં આવી છે. તેથી અમે બોર્ડર પહોંચી ગયા.
બીજો કોઇ વ્યવસાય વિચારવો પડશે
સૌરભે કહ્યું હતું કે, એકવાર પોલેન્ડમાં પહોંચ્યા પછી અમને કોઇ સમસ્યા નથી આવી. ત્યાં અમને ભારતીય એમ્બેસીએ ઘણી મદદ કરી અને ભારત પરત લાવવામાં આવ્યા. જો યુક્રેનમાં પરિસ્થિતિ સારી થશે તો પરત જઇશું. જો સ્થિતિ નહીં સુધરે તો બીજો કોઇ વ્યવસાય વિચારવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.