શહેરના કમાટીબાગમાં આવતા સહેલાણીઓ પિંજરામાં પ્રાણીઓને કનડગત કરતા હોવાના અનેક કિસ્સા બને છે. ત્યારે રવિવારે પ્રાણી સંગ્રહાલયમાં વીડિયો ઉતારતા એક સહેલાણીનો મોબાઇલ પિંજરામાં રહેલા વાનર ઝુંટવી લેતાં મોબાઈલ મેળવવા માટે સહેલાણીએ ધમપછાડા કર્યા હતા. જોકે અંતે સિક્યુરિટી ગાર્ડે મોબાઈલને પરત અપાવ્યો હતો. કમાટીબાગમાં રવિવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. જેઓ મ્યુઝિયમ તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હતા. સંગ્રહાલયમાં પ્રાણીઓને જોવા ભારે ભીડ ઉમટી હતી. વાનરના પિંજરા પાસે સહેલાણી મોબાઈલથી વીડિયો શૂટિંગ કરી રહ્યા હતા.
સહેલાણી પિંજરાની નજીક પહોંચી વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે પિંજરાના એક વાનરે સહેલાણીનો મોબાઈલ ઝુંટવી લીધો હતો. વાનર પિંજરામાં મોબાઈલ લઈને જતો રહેતા સહેલાણીએ તેને મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. વાનરના હાથમાં મોબાઈલ જોતા જ અન્ય લોકો પણ ત્યાં એકત્ર થયા હતા.
આ અંગેની જાણ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડને થતા તેઓએ પિંજરા પર ચઢીને મોબાઈલ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સિક્યુરિટી ગાર્ડને જોઈ વાનર મોબાઇલ ફેકીને ત્યાંથી પિંજરાના બીજા છેડે ભાગી ગયો હતો. જોકે વાનરના ફેંકવાથી તૂટી ગયેલો મોબાઈલ ફોન આખરે પરત તેના માલિકને મળ્યો હતો.
પિંજરાની નજીક ન જવા સૂચના છતાં સહેલાણીઓ જતા રહે છે
પ્રાણીસંગ્રહાલયમાં પિંજરામાં મુકેલા પશુઓને તેમને જોવા આવતા સહેલીઓ હેરાનગતિ કરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે. તેવામાં આ નાગરિક પિંજરા નજીક કેવી રીતે પહોંચ્યો? શરારતી સહેલાણીઓ પ્રાણીઓને હેરાન ન કરે તે માટે સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવે છે. તેમ છતાં સહેલાણી નજીક કેવી રીતે પહોંચી જાય છે તે બાબત તપાસ માંગી લે છે. જ્યારે આ ઘટના ઘટતાં હાજર લોકોમાં ભારે કૂતૂહલ ફેલાયું હતું. વાનરે મોબાઇલ પરત કરતાં પણ લોકો આશ્ચર્યમાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.