ફરિયાદ:સાદીક ગોલાવાલાએ 1 લાખ આપી 1.75 લાખ લઇ વધુ 12 લાખ માગ્યા

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • પીડિતે મકાન બળી જતાં પાણીગેટના વ્યાજખોર પાસેથી નાણાં લીધા
  • ​​​​​​​બાપોદના વ્યાજખોરને રૂપિયા ચૂકવ્યા છતાં કાર પરત ના આપી

પાણીગેટના યુવકના ભાઈના લગ્ન હોવાને કારણે તેણે 1 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે તેણે 1.75 લાખ આપી દીધા છતાં વ્યાજખોર વધુ 12 લાખની માગણી કરીને પરેશાન કરતો હતો. બીજી બાજુ બાપોદમાં વ્યક્તિને રૂપિયાની જરૂર પડતાં કાર ગિરવી મૂકીને 2.50 લાખ લીધા બાદ 2.50 લાખ પરત આપી દીધા હોવા છતાં વ્યાજખોર કાર પાછી આપતો ન હતો. આ અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પાણીગેટમાં રહેતા મો.મોઈન મુલ્લાવાલાનું મકાન 2016માં બળી જતાં તેના સમારકામ માટે સોનાના દાગીના પર લોન લીધી હતી. જોકે લોન ભરપાઈ ન થઈ શકતાં તેમના દાગીનાની હરાજી થઈ હતી અને તે દાગીના દીપક સોનીએ લીધા હતા. મોઈને દીપકભાઈ પાસેથી 5 લાખમાં દાગીના ખરીદ્યા હતા. જોકે મોઈન રૂપિયા પણ ન ભરી શકતાં દીપકભાઈએ તેની વિરુદ્ધ કેસ કર્યો હતો. કોર્ટે તેને 1 લાખનો દંડ ફટકાર્યો હતો અને કોર્ટમાં સમયસર હાજર ન રહેવા માટે 18 માસની સજા કરી હતી.

દરમિયાન ભાઈના લગ્ન હોવાથી મોઈને મો.સાદીક ગોલાવાલા પાસેથી 1 લાખ લીધા હતા. તેઓ વચ્ચે મૌખિક કરાર થયો હતો કે દર મહિને 20 હજાર રૂપિયા આપી દેવાના. જોકે આ દરમિયાન સજાના કારણે મોઈન 97 દિવસ જેલમાં રહ્યો હતો. દીપક સોની સાથે સમાધાન બાદ તે બહાર આવીને સાદીકને ટુકડે-ટુકડે રૂપિયા આપતો હતો. આમ તેણે 1.75 લાખ ચુકવી દીધા હતા તેમ છતાં સાદીક 12 લાખની માંગણી કરતો હોવાને કારણે મોઈને પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી બાજુ આજવા રોડ પર આવેલા સમૃધ્ધિ પાર્કમાં રહેતા અજય પટેલને 2019માં રૂપિયાની જરૂર પડતાં તેઓના મિત્રએ પ્રકાશ ચૌધરીનો સંપર્ક કરાવી આપ્યો હતો. અજય પટેલે પોતાની કારને ગિરવી મૂકીને પ્રકાશ પાસેથી 2.50 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. આ લોન પેટે તેઓએ સમજૂતી કરાર કર્યો હતો અને પ્રકાશે જણાવ્યું હતું કે તમે 2.50 લાખ આપી દેશો ત્યારે કાર આપી દઈશ. અજયભાઈએ તબક્કાવાર 2.50 લાખ આપી દીધા બાદ કાર માગતા પ્રકાશે વધુ 37 હજાર માગતા અજયભાઈએ પ્રકાશ સામે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.