વડોદરા પાસે હાઇવે પર અકસ્માત:પાલેજથી કરજણ પગપાળા જઈ રહેલા સાધ્વીજીનું દેથાણ ગામ પાસે બોલેરો જીપની અડફેટે કરુણ મોત

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં મોતને ભેટેલા સાધ્વીજીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
અકસ્માતમાં મોતને ભેટેલા સાધ્વીજીની ફાઇલ તસવીર.
  • સાધ્વીજી ઉદયરતનસૂરી મહારાજ સાહેબ તથા અન્ય અનુયાયીઓ સાથે કરજણ આવી રહ્યા હતા

વડોદરા નજીક કરજણ-પાલેજ રોડ પર દેથાણ ગામ પાસે વહેલી સવારે યુવાન જૈન સાધ્વીજીનું બોલેરો પીકઅપ વાનની અડફેટે આવી જતાં કરુણ મોત નીપજ્યું હતું. જૈન સમાજમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે કરજણ પોલીસે વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પગપાળા જઈ રહ્યા હતા
કરજણ નવા બજારમાં આવેલી 15, મધુવન સોસાયટીમાં રહેતા મયુરભાઇ કિરીટભાઇ શાહ મીયાંગામ કરજણમાં અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે. અને છેલ્લા પાંચ વર્ષથી જૈન સાધ્વીજીના વિહાર સેવાનું કામ કરે છે. તેમણે કરજણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, આજે વહેલી સવારે 5 વાગે મયુરભાઇ શાહ, પંકિતભાઇ શાહ, કમલેશકુમાર શાહ અને હર્ષિલકુમાર શાહ ઉદયરતન સુરી મહારાજ સાહેબ થાણા-5, તથા સાધ્વીજી પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબ થાણા-3 સાથે પાલેજથી કરજણ પગપાળા આવી રહ્યા હતા.

હોસ્પિટલમાં દોડી ગયા
દરમિયાન દેથાણ ગામ નજીક વસંત વિહાર જૈન દેરાસર પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ભરૂચ તરફથી પુરપાટ કરજણ તરફ જઇ રહેલા બોલેરો પીકઅપ વાનના ચાલકે સાધ્વીજી પર્વાધિરત્નાશ્રીજી મહારાજ સાહેબ (ઉં.વ.25)ને અડફેટમાં લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજા પામેલા સાધ્વીજીને તુરતજ કરજણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અનુયાયીઓમાં ગમગીની ફેલાઇ
વિહાર સેવામાં ગયેલા મયુરભાઇ શાહે આ બનાવની જાણ કરજણ પોલીસને કરતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તે બાદ પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ વહેલી સવારે દેથાણ ગામ નજીક વસંત વિહાર જૈન દેરાસર પાસે બનેલા આ બનાવની જાણ જાણ જૈન સમાજના અનુયાયીઓને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં અનુયાયીઓએ સાધ્વીજીના મોતના સમાચાર સાંભળતા ગમગીની ફેલાઇ ગઇ હતી.

કરજણ પોલીસે તપાસ શરૂ કરી
અરેરાટીભર્યા આ બનાવ અંગે મયુરભાઇ શાહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે બોલેરો પીકઅપ વાનના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...