તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં ધમાસાણ શરૂ થઇ ગયું છે. વડોદરાના વોર્ડ નં-17માં સુરતના ધારાસભ્યના નીકટના સંબંધીને ટિકિટ આપવાની વહેતી થયેલી વાતોને લઇ વોર્ડના 250 જેટલા કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે. આજે સવારે કાર્યકરો માંજલપુરના ધારાસભ્ય અને શહેર ભાજપા મહામંત્રીને મળી આયાતી ઉમેદવારને ટિકીટ ન આપવાની રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ વોર્ડ નં-17ના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કાઉન્સિલરની ટિકિટ કાપવામાં આવનાર હોવાથી આ કાઉન્સિલર દ્વારા પુનઃ એકવાર ભાજપનો ખેસ ધારણ કરી લે તેવી અટકળો શરૂ થતા વોર્ડ નંબર-17ના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વોર્ડ પ્રમુખ સહિતના કાર્યકરોએ રાજ્યના મંત્રીને રજૂઆત કરી
વોર્ડ નં-17ના વોર્ડ પ્રમુખ રાજેશભાઇ માછીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમારા વોર્ડનું સિમાંકન થયા બાદ છેલ્લા 6 માસથી રહેવા માટે આવેલા વ્યક્તિ ભાજપના પ્રાથમિક કાર્યકર પણ નથી, તેવા વ્યક્તિ ટિકીટ આપવાની વાત વહેતી થઇ છે. આ વ્યક્તિ સુરતના ધારાસભ્યના નીકટના સબંધી છે. જો તેઓને ટિકિટ આપવામાં આવશે તો વોર્ડના 250 ઉપરાંત કાર્યકરો દ્વારા સામૂહિક રાજીનામા આપી દેવામાં આવશે. આજે સવારે માંજલપુરના ધારાસભ્ય અને નર્મદા રાજ્યમંત્રી યોગેશ પટેલને આયાતી વ્યક્તિને ટિકિટ ન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય યોગેશ પટેલે રજૂઆતને ગંભીરતાથી લીધી
વોર્ડ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં વર્ષોથી કામ કરતા કોઇ પણ કાર્યકરને ટિકિટ આપવામાં આવશે તો અમોને વાંધો નથી, પરંતુ, આયાતી વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે, તો ભાજપાને રામ રામ કરી દેતા ખચકાઇશું નહી. ધારાસભ્ય યોગેશ પટેલે અમારી રજૂઆતને ગંભીરતાથી લઇ ખાતરી આપતા જણાવ્યું છે કે, સત્તાવાર યાદી જાહેર થતાં સુધી રાહ જુવો. તમારી રજૂઆત શહેર ભાજપ પ્રમુખ સહિર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડવામાં આવશે.
ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો
વોર્ડ નં-17માં આયાતી વ્યક્તિને ભાજપ દ્વારા ટિકિટ આપવાની શરૂ થયેલી અટકળોના પગલે ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કાર્યકરો ધારાસભ્ય ઉપરાંત શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીને પણ આયાતી વ્યક્તિને ટિકિટ ન આપવા માટે રજૂઆત કરી હતી. આ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપા પ્રમુખને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીની ટિકિટ કપાય તેવી શક્યતા
બીજી બાજુ વોર્ડ નં-17ના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીની ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે, ત્યારે તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની અને તેઓને વોર્ડ નં-18ની અટકળો શરૂ થતાં ભાજપા કાર્યકરો દ્વારા તેમનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે. અગાઉ તેઓએ ભાજપમાં જવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે ભાજપાના કાઉન્સિલરો સહિત કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવતા શહેર ભાજપને કોઇપણ પક્ષના કાર્યકરોને પક્ષમાં લેવામાં આવશે નહીં., તેવી ફરજ પડી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.