3 મેના રોજ અક્ષય તૃતિયા એટલે કે અખા ત્રીજ આ દિવસે ખરીદવામાં આવતી વસ્તુઓ અક્ષય ગણાય છે. અખા ત્રીજના દિવસે શહેરમાં 15 જેટલી સાઈટ પર રૂા.200 કરોડથી વધુનાં ખાતમુહૂર્ત થવાનાં છે, જ્યારે 100થી વધુ વાસ્તુુપૂજન પણ કરવામાં આવશે.આ સંદર્ભે શહેરના બિલ્ડર એસોસિયેશનના મેમ્બરોના જણાવ્યા અનુસાર, અખા ત્રીજના દિવસે જ નવું કામ શરૂ કરવાના પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવતા હોય છે. તેવામાં જે લોકોએ તંત્ર પાસેથી વિવિધ મંજૂરીઓ મેળવી લીધી હોય છે અને પ્રોજેક્ટ શરૂ કરવાનો હોય તેવામાં જો નજીકની તિથિ અખા ત્રીજ આવે તો તે દિવસે જ સાઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવતું હોય છે.
તેવામાં 3 મેના રોજ શહેરમાં અલગ-અલગ સ્થળો પર આશરે 15 જેટલી સાઈટના રૂા. 200 કરોડથી વધુના પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે.બીજી તરફ અખા ત્રીજ એટલે વણજોયેલું મુહૂર્ત જેમાં મહૂર્ત જોયા વગર જ ગૃહપ્રવેશ કે પછી અન્ય પ્રસંગો ઊજવવામાં આવતા હોય છે. ત્યારે અખા ત્રીજના દિવસે શહેરમાં 100થી વધુ વાસ્તુપૂજન કરવામાં આવશે.
જેમાં શહેરમાં કર્મકાંડ કરાવતા બ્રાહ્મણો પાસે આ દિવસ દરમિયાન ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 5 જેટલા વાસ્તુપૂજનની પૂજાની અપોઈન્ટન્ટ આવેલી છે. જેમાં બ્રાહ્મણો પણ એક સાથે આટલી બધી પૂજા ન કરાવી શકતા તેમની સાથેના બ્રાહ્મણોને પૂજા કરાવવા માટે મોકલવાનું નક્કી કરી લીધું છે.
શહેરના 1 હજાર જ્વેલર્સે અખા ત્રીજ માટે 5 ટકા સ્ટોક વધુ ભર્યો
શહેરના જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જાણવા મળ્યું હતું કે, શહેરમાં અખા ત્રીજમાં આશરે 20 કરોડથી વધુનું સોનું વેચાવાનો અંદાજ છે. ત્યારે સામાન્ય દિવસો કરતાં અખા ત્રીજના દિવસ માટે સોનીઓ પોતાની દુકાનમાં 5 ટકા સ્ટોક વધુ રાખતા હોય છે. જેમાં નાનામાં નાની દુકાન ધરાવતો સોની 8 કિલો જેટલું સોનું તો મોટા જ્વેલર્સ ધરાવતા 150 થી 200 કિલો સોનું પોતાની દુકાનમાં સ્ટોક કરતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.