શોધખોળ:રિસેપ્શનમાં રૂ. 3.80 લાખની ભેટ ચોરી ભાગેલા ગઠિયાનો પત્તો નથી

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ફૂટેજથી ગઠિયાઓની શોધખોળ હાથ ધરાઈ

આજવા રોડ પર એનઆરઆઇના રીસેપ્શનમાં દંપત્તિના સૂટ બૂટમાં આવેલા ગઠિયાઓએ નવયુગલને મળેલી સોગાદો ભરેલો થેલો લઈ ફરાર થયા હતા. દાગીના અને રોકડના મળેલા કવર ભરેલા થેલાને લઈ જતો તસ્કર અને એક શંકાસ્પદ સગીર સીસીટીવી કેમેરામાં ઝડપાઇ જતા પરિવારે બાપોદ પોલીસ મથકે રૂ. 3.80 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જો કે ચાર દિવસ પછી પણ બંને તસ્કરોનો કોઇ પતો મળી શકયો ન હતો.

વાઘોડિયા રોડ પરની પ્રીતમનગર સોસાયટીમાં રહેતા કિશોરભાઈ જોશીએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વિદેશથી આવેલા તેમના ભત્રીજા અભિષેક જોશીના ગત 16મી તારીખે યોજાયેલા લગ્ન થયા હતા. ત્યારબાદ 17મી તારીખે આજવા રોડ પર આવેલા ભાઇ કાકા પાર્ટી પ્લોટમાં યોજાયેલા રીસેપ્શનમાં દંપતિને રીસેપ્શનમાં આવેલ મહેમાનોએ ભેંટ-સોગાદો આપી હતી. રીસેપ્શનમાં મળેલી ભેટ સોગાદોને એક થેલામાં ભરી ઘરના જ એક સભ્ય દ્વારા તેને સાચવવામાં આવી રહી હતી. પરંતુ રીસેપ્શનમાં સ્ટેજ પર માત્ર ફોટો પડાવવા જતાં જ ભેંટ-સોગાદો ભરેલો થેલો ગાયબ થયો હતો. પરિવારજનોએ પાર્ટી પ્લોટના લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા તેમાં એક સગીર સહિત બે શંકાસ્પદ લોકો નજરે પડ્યા હતા.જ્યારે અન્ય એક નજર ચૂકવી ભેંટ-સોગાદો ભરેલો થેલો લઈ જતા કેદ થયો હતો. બંને ગઠિયાઓ રીસેપ્શનમાં સુટ-બુટમાં આવ્યા હોવાથી કોઈને તેમના પર શંકા ગઈ નહતી. પરિવારે બાપોદ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે 63 ગ્રામ સોનુ, 1 લાખ રોકડ મળી 3.80 લાખની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજથી ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...