એક્શન:પાલિકાની 3 વિસ્તારમાં આવેલી 14 દુકાનોનું રૂ.8 લાખ ભાડું બાકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોગલવાડાની 8 દુકાનનાં વીજ જોડાણ કપાવી નખાયાં
  • મોગલવાડા​​​​​​​, કાલુપુરા, પિરામિતાર રોડના વેપારી ભાડું નથી ચૂકવતા

પાલિકા હસ્તગત મોગલવાડા અને કાલુપુરા ખાતે આવેલા મટન માર્કેટ અને પિરામિતાર રોડ પરની મચ્છી માર્કેટની 14 જેટલી દુકાનોના વેપારીઓ દ્વારા 8 લાખ બાકી ભાડું ન ભરાતાં પાલિકાએ વીજ કનેક્શન કપાવી નાખ્યાં હતાં. તદુપરાંત જો ભાડું ન ભરાય તો દુકાનો સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે. શહેરમાં પાલિકા હસ્તગતની મોગલવાડામાં 21 દુકાનો અને કાલુપુરામાં 12 દુકાનો છે. જેમાં મટન માર્કેટ ચાલે છે. જ્યારે પિરામિતાર રોડ પર 4 દુકાનો અને 19 ઓટલા છે, જ્યાં મચ્છી માર્કેટ ચાલે છે. મોગલવાડામાં આવેલી દુકાનો પૈકી 8 દુકાનોના વેપારીઓએ ઘણાં વર્ષોથી 5 લાખ ભાડું ભર્યું નથી.

તદુપરાંત કાલુપુરા મટન માર્કેટની 12 દુકાનો પૈકીની 4 દુકાનોના 1 લાખનું ભાડું બાકી છે. જ્યારે પિરામિતાર રોડ પરની મચ્છી માર્કેટની દુકાનોના 2 લાખ બાકી છે. પાલિકા ત્રણેય માર્કેટનું વીજ બિલ ભરે છે. જોકે વેપારીઓએ ભાડું નહિ ભરતાં પાલિકાએ તેમની સામે લાલ આંખ કરી છે. પાલિકાએ સોમવારે મોગલવાડાની 8 દુકાનોનાં વીજ જોડાણ કપાવી ભાડું ન ભરે ત્યાં સુધી એનઓસી ન આપવાનું નક્કી કર્યું છે. આગામી દિવસમાં પિરામિતાર રોડ પર પણ કાર્યવાહી શરૂ કરશે.

વેપારી ભાડું ન ભરે તો દુકાનો સીલ કરાશે
માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ ડો.વિજય પંચાલના જણાવ્યા મુજબ હાલમાં ભાડું નહિ ભરનાર વેપારીઓની દુકાનો સીલ કરી છે. જો તેઓ ભાડું નહિ ભરે તો દુકાનો સીલ કરવામાં આવશે. તદુપરાંત સમયાંતરે તે દુકાનોનો કબજો પણ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...