તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરામાં બનાવટી કંપનીના નામે માલ લઈને 32.80 લાખની છેતરપિંડી, ફેક્ટરી માલિક ઉઘરાણી કરવા ગયો ત્યારે ખબર પડી આવી કંપની જ નથી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા માજલપુર પોલીસ સ્ટેશનની તસવીર - Divya Bhaskar
વડોદરા માજલપુર પોલીસ સ્ટેશનની તસવીર
  • ઓછી કિંમતના ઓર્ડરો આપી મટીરીયલ મેળવી પૈસા ચૂકવી ફેક્ટરી માલિકનો વિશ્વાસ કેળવ્યો
  • ઉઘરાણી માટે ફેક્ટરી માલિક ગયા ત્યારે ખબર પડી ગ્લોબલ અથવા પંચમ નામની કોઈ ફેક્ટરી નથી.

વડોદરા શહેરમાં ઓફિસ ખોલી બનાવટી કંપની દર્શાવી મકરપુરા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાંથી રૂપિયા 41 લાખ ઉપરાંતનું મટીરીયલ મેળવી 32.80 લાખની છેતરપિંડી આચરનાર બે ભેજાબાજ વિરુદ્ધ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે ઓછી કિંમતના ઓર્ડરો આપી મટીરીયલ મેળવી પૈસા ચૂકવી ફેક્ટરી માલિકનો વિશ્વાસ કેળવ્યો હતો.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા દિપેનભાઇ માકડીયા મકરપુરા જીઆઈડીસીમાં ઇગલ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી ધરાવે છે. ગત 10મી સપ્ટેમ્બરના રોજ જયંતીભાઈ પરમાર તથા વિશાલ ઝવેરી નામના વ્યક્તિ કંપની ખાતે પહોંચ્યા અને પોતે ગ્લોબલ ઇન્ડસ્ટ્રી અને પંચમ નામની કંપનીના કર્મચારી હોવાની ઓળખ આપી હતી. તેમણે પોતાની કંપનીની ઓફિસ વીઆઈપી રોડના સિદ્ધનાથ પ્લેનેટ ખાતે આવેલી હોવાનું જણાવ્યું હતું. અને તેમની કંપનીના માલિકને બ્રાસના પાર્ટસ બનાવવાની જરૂરિયાત હોય ડ્રોઈંગ પ્રમાણે મટીરીયલ પૂરું પાડવા સોદો નક્કી થયો હતો. જેમાં ફિલ્ટર સ્ક્રુ, ટ્રીપ ડોગ રિયર, થ્રેડેડ બુસ એમ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો.

41 લાખનો માલ લઈ કંપની માલિકો ફરાર
ત્યારબાદ મટીરીયલ મેળવી રકમ ચૂકવવાનો સિલસિલો જારી રહ્યો હતો. દરમિયાન રૂપિયા 41,00,814નું અલગ-અલગ મટીરીયલ મેળવી તેની સામે 8.20 લાખ ચૂકવી બાકીના 32,80,814 રૂપિયાની ચુકવણી કરી ન હતી. શંકા જતા દિપેનભાઇ કાલોલ ખાતેની ફેક્ટરી પર પહોંચ્યા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ અથવા પંચમ નામની કોઈ ફેક્ટરી નથી.

કંપનીના કર્મચારીઓનો પગાર પણ બાકી
જ્યારે મટીરીયલનો ઓર્ડર આપવા માટે આવતા કંપનીના કર્મચારી વિશાલ અને જયંતીને પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, કંપનીએ અમારો પગાર પણ ચૂકવ્યો નથી જેથી અમે નોકરી છોડી દીધી છે. જ્યારે બનાવટી કંપની ઊભી કરી છેતરપિંડી આચરનાર મુકેશભાઈ રમેશભાઈ ચૌહાણ ભાવનગરના અને નિખિલભાઇ રમેશભાઈ મિસ્ત્રી વડોદરાના હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે મુકેશ ચૌહાણ અને નિખિલ મિસ્ત્રી વિરુધ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...