આદેશ:રૂ.1.20 કરોડના પોશડોડાની હેરાફેરીમાં 2 શખ્સને 20 વર્ષની સખત કેદની સજા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેમ્પોમાંથી 3 હજાર કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો હતો
  • હાલોલ રોડ પર પોલીસના વાહન ચેકિંગમાં ટેમ્પોચાલક-કલીનર પકડાયા હતા, રૂા. એક લાખનો દંડ પણ ફટકારાયો

હાલોલ રોડ પર વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે વર્ષ 2014માં એક ટેમ્પાની ઝડતી લેતા તેમાંથી રૂા.1.20 કરોડની કિંમતનો 3 હજાર કીલો પોશ ડોડાનો જથ્થો મળી આવતા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે બે આરોપીને એનડીપીએસ એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ રૂા.1 લાખનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાનો આદેશ કર્યો હતો.

આ અંગેના કેસની વિગત એવી છે કે, તા.16 જુન 2014ના રોજ પોલીસ કાફલો હાલોલ રોડ પર સુપ્રિમ હોટલ પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે એક ટેમ્પો શંકાસ્પદ જણાતા પોલીસે તેની ઝડતી લેતાં તેમાંથી રૂા.1.20 કરોડની કિંમતનો પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસ દ્વારા નાર્કોટિકસ એકટ મુજબ ગુનો નોંધીને ડ્રાઇવર બલદેવસિંગ ઉર્ફે ગુરૂદેવસિંગ જાટ (રહે.તરણતારણ, પંજાબ) જશબિરસિંગ ગુરૂચરમસિંગ સીખ (રહે.ભટીંડા, પંજાબ) અને બીયાંતસિંગ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યાં બાદ આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી બલદેવસિંગ જાટ અને જશબિરસિંગને ગુનામાં કસુરદાર ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજાનો આદેશ કર્યો હતો અને પ્રત્યેક આરોપીને રૂા.1 લાખનો દંડ કરી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે કેસમાં સંડોવાયેલા આરોપી બીયાંતસિંગને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...