વડોદરામાં ઇકો કાર એલ એન્ડ ટી કંપનીમાં ભાડે મૂકવાનું જણાવી કાર માલિકોને ભાડું નહીં ચૂકવી કાર અન્ય વ્યક્તિઓને સગેવગે કરી નાખી રૂપિયા 12.30 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
બે મહિનાનું રાબેતા મુજબ રૂપિયા 19,700 લેખે ભાડું ચૂકવ્યું હતું
મળેલી માહિતી મુજબ શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ રાજે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2021 દરમિયાન તેમણે ઇકો કાર ખરીદી હતી. મારા સંબંધી વિશાલસિંહ ભગવાનસિંહ પવાર ( હાલ રહે -શિવમ નગર, ગોત્રી/ મૂળ રહે - અનગઢ ગામ ) એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટરથી ગાડીઓ ભાડે મૂકવાનું કામ કરે છે. જેથી તેમની ઉપર વિશ્વાસ રાખી રૂપિયા 4.90 લાખની કિંમતની મારી કાર કંપનીમાં ભાડે મુકવા આપી હતી. અને બે મહિનાનું રાબેતા મુજબ રૂપિયા 19,700 લેખે ભાડું ચૂકવ્યું હતું. જોકે ત્યારબાદ ભાડું આપવાનું બંધ કરી અલગ અલગ કારણો આપ્યા હતા.
કાર અન્ય વ્યક્તિને સગેવગે કરી છેતરપિંડી આચરી
દરમિયાન, અમે ગાડી પરત લેવા સંપર્ક સાધતા મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને તેના મકાનને તાળું હતું. તપાસ કરતાં મારી કાર અન્ય વ્યક્તિને સગેવગે કરી છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત ભરતભાઈ નેપાભાઈ ભરવાડની રૂપિયા 3.90 લાખની કિંમતની ઇકો કાર તથા ભુપેન્દ્ર ગિરિવત સિંહ ગોહિલની રૂપિયા 3.50 લાખની કિંમતની ઇકો કાર પણ કોન્ટ્રાક્ટમાં ભાડે મૂકવાનું કહી ભાડું નહીં ચૂકવી તેઓની ગાડીઓ પણ અન્ય વ્યક્તિઓને સગેવગે કરી છેતરપિંડી આચરી હોવાની વિગતો સપાટી પર આવી છે. નોંધનીય છે કે, પોલીસ તપાસ દરમિયાન તપાસ દરમિયાન છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.