એજ્યુકેશન:રૂ. 1.2 લાખના ‌વાર્ષિક ભાડે ઘર રાખનારે આવક રૂ. 72 હજાર બતાવી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
RTEની પ્રવેશ પ્રક્રિયામાં અક્ષય કુમારના ફોટા અપલોડ કરી દેવાયા હતા. - Divya Bhaskar
RTEની પ્રવેશ પ્રક્રિયામાં અક્ષય કુમારના ફોટા અપલોડ કરી દેવાયા હતા.

આરટીઇમાં પ્રવેશ માટે 8 હજાર ફોર્મ ભરાયાં છે. ફોર્મ ચકાસણીમાં ભાડા કરાર અને આવકની રકમમાં તફાવત હોવાથી 70 ફોર્મ રદ કરાયાં છે. વાર્ષિક 1.02 લાખ ભાડું અને આવક 72 હજાર હોય તેવો તફાવત ધરાવતાં અનેક ફોર્મ આવ્યાં છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો-1માં પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયાનો શનિવારે છેલ્લો દિવસ હતો. 4800 બેઠકો સામે 8000 ફોર્મ ભરાયાં છે.

7 સપ્ટેમ્બર સુધી ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાશે. અત્યાર સુધી બે હજાર ફોર્મની ચકાસણી કરાઈ છે, જેમાં 70 ફોર્મ રદ કરાયા છે.ડીઇઓ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શિવાંગિની શાસ્ત્રીએ કહ્યું હતું કે, આવક અને ભાડા કરારની રકમમાં તફાવતના પગલે રિમાર્ક્સ લખી ફોર્મ રદ કરાયા છે અને રિપોર્ટ ગાંધીનગર કરાયો છે. ચાલુ વર્ષે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં ભાડા કરારને માન્યતા આપી નથી. માત્ર રજિસ્ટર ભાડા કરાર હોય તો જ માન્ય ગણાશે એવો નિયમ લવાયો છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પ્રથમ પ્રવેશયાદી જાહેર કરાશે.

કિસ્સો 1 / દર મહિને રૂા.8500 ઘર ભાડું
એક વાલી દ્વારા મહિને રૂા.8500 ઘર ભાડું ભરતો હોવાનું ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે. વાર્ષિક આવક 72 હજાર દર્શાવી છે. વર્ષે 1.2 લાખ ભાડા સામે વાલીની વાર્ષિક આવક 72 હજાર થાય છે.

કિસ્સો 2/ ભાડું 54 હજાર, આવક 60 હજાર
એક વાલી દ્વારા મહિને 4500 ભાડું ચૂકવતા હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા, તેની આવક 60 હજાર હતી. માત્ર છ હજારમાં વર્ષનો ખર્ચો કાઢતા હોય તેવા પુરાવા ઊભો કરાયા હતા.

કિસ્સો 3 / વર્ષે 66 હજાર ઘરનું ભાડું
એક વાલીએ પોતાની આવક વાર્ષિક 50,000 બતાવી હતી, જ્યારે દર મહિને 5500 લેખે તે ૬૬ હજાર રૂપિયા ભાડું ભરતો હોવાનું ડોક્યુમેન્ટમાં દર્શાવ્યું હતું.

ખોટાં ફોર્મ ભરી અક્ષય કુમારના ફોટા અપલોડ કરાયા
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં ચાલુ વર્ષે કોરોનાના પગલે રીસીવિંગ સેન્ટર રખાયાં નથી, તમામ પ્રક્રિયા ઓનલાઈન છે. જેના કારણે ખોટી માહિતી ભરી પુરાવા રૂપે રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટમાં અક્ષય કુમારના ફોટા અપલોડ કરાયા હતા. 3થી 4 ફોર્મ જુદા જુદા નામથી ભરીને ડોક્યુમેન્ટમાં એક જ પ્રકારના અક્ષય કુમારના ફોટા અપલોડ કરાયા હતા. ફોટામાં ચલ માલૂમ હૈ, અપને બાપ કો મત શીખા, એવું લખાણ લખેલું હતું. ડોક્યુમેન્ટમાં આવકનો દાખલો, એડ્રેસ પ્રૂફ, જન્મ-જાતિનું પ્રમાણપત્રમાં આ પ્રકારે ફિલ્મ સ્ટારના ફોટા અપલોડ કરાયા હતા. આ અંગેનો રિપોર્ટ પણ ગાંધીનગર ખાતે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...