રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ વેગીલી બની છે અને છેલ્લા ચાર દિવસમાં 150થી વધુ ઢોર પકડાયાં છે ત્યારે ઢોર ડબ્બામાં મૂકાતાં ઢોરની દેખરેખ અને સારવાર માટે વર્ષે રૂા.1.13 કરોડનો ખર્ચ કરશે અને તેના માટે ઓફર મગાવાઈ છે. શહેરના માર્ગો પર રખડતાં ઢોરોને પકડીને પાલિકા સંચાલિત લાલબાગ ઢોર ડબ્બા, ખાસવાડી ઢોર ડબ્બા અને ખટંબા ખાતે પૂરાય છે અને તેમાં ઢોરના માલિકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવે છે. પાલિકા સંચાલિત આ ત્રણે ઢોર ડબ્બાની જાળવણી અને સંચાલન આઉટસોર્સિંગથી કરાઈ રહ્યું છે અને તેનો ખર્ચો 2018માં 96.51 લાખનો થયો હતો.
2018ની સાલમાં લાલબાગ ઢોર ડબ્બા માટે પ્રતિ માસ 2.52 લાખ અને વાર્ષિક 30.24 લાખનો ખર્ચો થયો હતો. જ્યારે ખાસવાડી ઢોર ડબ્બા માટે પ્રતિ માસ 2.13 લાખ અને વાર્ષિક 25.59 લાખનો ખર્ચો થયો હતો. ખટંબા ખાતે પ્રતિ માસ 3.38 લાખ અને વર્ષે રૂા. 40.67 લાખનો ખર્ચો થયો હતો. જ્યારે વર્ષ 2020માં લાલબાગ ઢોર ડબ્બા માટે વાર્ષિક રૂા.35.84 લાખનો ખર્ચ થયો હતો અને જ્યારે ખાસવાડી ઢોર ડબ્બા પાછળ વાર્ષિક રૂા.32.97 લાખનો ખર્ચ થયો હતો અને ખટંબા માટે વાર્ષિક રૂા.48.15 લાખનો ખર્ચો થયો હતો.
પાછલાં 2 વર્ષમાં 3 ઢોરવાડા પાછળના વાર્ષિક ખર્ચમાં 20 લાખ રૂપિયાનો વધારો થયો હતો. પાલિકાએ ફરી લાલબાગ, ખાસવાડી અને ખટંબા ઢોર ડબ્બામાં પૂરાતાં ઢોરોની દેખરેખ, સારવારની સાથે પાંજરાપોળ-ગૌશાળામાં શિફ્ટિંગની કામગીરી અને સેનિટેશન લગતી કામગીરી આઉટસોર્સિંગથી આપવા સંસ્થાઓ પાસેથી ઓફર મગાવી છે. જેમાં લાલબાગ માટે રૂા.40,08,048, ખાસવાડી માટે રૂા. 31,71,240 અને ખટંબા માટે રૂા. 41,98,872ના ખર્ચનો અંદાજ મૂકાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.