રિમાન્ડ:ડીઝલ ચોરીના કૌભાંડમાં બંને આરોપીના ગોળ ગોળ જવાબો

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસના રિમાન્ડમાં પોલીસ કોઇ નક્કર વિગતો કઢાવી ન શકી
  • પોલીસ તપાસના નામે માત્ર સમય પસાર કરાઇ રહ્યો હોવાનું ચિત્ર

શહેર નજીક આવેલા રણોલીમાં ઝડપાયેલા ડીઝલ ચોરી કૌભાંડમાં જવાહરનગર પોલીસ તપાસના નામે માત્ર સમય પસાર કરતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીઝલ ચોરી કૌભાંડને 12 દિવસ જેટલો સમય વીતવા છતાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પોલીસ પકડી શકી નથી. કાલે ઝડપાયેલા બંને આરોપીના રિમાન્ડ પૂરા થશે તે પૂર્વે આરોપીઓ પણ ગોળગોળ જવાબો આપતા હોવાનું પોલીસ રટણ કરી રહી છે.

વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રસિંહને પકડવામાં પોલીસ નાકામ સાબિત થઈ છે

ગત 22મી તારીખે પીસીબી અને જવાહરનગર પોલીસે રણોલીના નરેન્દ્ર રોડવેઝમાં દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલની ચોરી ઝડપી પાડી હતી. પોલીસે ટેન્કર ચાલક અને ગોડાઉનના રખેવાળની અટકાયત કરી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓના કોરોના પોઝિટિવ આવતાં તેઓને ગોત્રીમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં આરોપીઓ ગોળગોળ વાતો કરતા હોવાનું પોલીસનું કહેવું છે. આવતી કાલે બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થશે તે પૂર્વે હજુ સુધી પોલીસની પૂછપરછમાં કોઇ નક્કર બાબત સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે, બનાવને 12 દિવસ વીતવા આવ્યા છે, છતાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રસિંહને પકડવામાં પોલીસ નાકામ સાબિત થઈ છે. તેવામાં શું તપાસના નામે પોલીસ માત્ર સમય પસાર કરી રહી છે ? તેવા વેધક સવાલો ઊભા થઇ રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...