તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છત ઉદ્યાનનો પ્રયોગ:વડોદરામાં રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર, શહેરીજનો પોતાના ઘરે પણ આવો 'ઓક્સિજન પ્લાન્ટ' બનાવી શકે છે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાના 
સહયોગથી, લોક માર્ગદર્શન માટેના મોડેલ રૂપે રાજીવનગર એસ.ટી.પી.ના મકાનના બીજા માળની છત પર છત ઉદ્યાન ઉછેરી રહ્યાં છે - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી, લોક માર્ગદર્શન માટેના મોડેલ રૂપે રાજીવનગર એસ.ટી.પી.ના મકાનના બીજા માળની છત પર છત ઉદ્યાન ઉછેરી રહ્યાં છે
  • સયાજીબાગ નર્સરીમાં 25 ડ્રમની મદદ થી રૂફ ટોપ ગાર્ડનનું મોડલ તૈયાર કરાશે

કોરોના કટોકટીમાં ઓક્સિજન એટલે કે, પ્રાણવાયુંનું મહત્વ આપણને સમજાયું છે અને દરેકને પોતાનો એક ઓક્સિજન પ્લાન્ટ હોય તો કેવું સારું, એવી લાગણી થઇ રહી છે. જોકે, તમે ધારો તો પોતાની માલિકીનો ઓક્સિજન પ્લાન્ટ તમારા ઘરમાં, સાવ નજીવા ખર્ચે લગાવી શકો છો, હા થોડી મહેનત અવશ્ય કરવી પડશે.

રૂફ ટોપ ગાર્ડન ઘરને લીલોતરીથી સમૃદ્ધ અને સુંદર કરવાનો સારો વિકલ્પ બની શકે છે
વડોદરા વન વિભાગનો સામાજિક વનીકરણ વિભાગ પોતાના ઘરમાં પોતાના ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવા માટે ઘરની છતની ખાલી જગ્યામાં પ્લાસ્ટિકના ડ્રમની મદદથી 5, 10 કે 15 છોડવા/ ઝાડનો રૂફ ટોપ ગાર્ડન એટલે કે, છત ઉદ્યાન ઉછેરવાની ભલામણ કરે છે, જે વિપુલ ઓક્સિજન આપવાની સાથે કુદરતી એસીની ગરજ સારશે અને ઘરને પ્રમાણમાં ઠંડુ રાખશે. હા,ઘરની છતની મજબૂતી પ્રમાણે છોડની સંખ્યા રાખવી જરૂરી છે. ઘરના આંગણે લીલોતરીનો ઉછેર લગભગ સહુને ગમે છે, પરંતુ, માત્ર શહેરમાં નહીં પણ હવે તો ગામડાઓમાં પણ ઘરના વાડા કે, આંગણા બચ્યા નથી, ત્યારે રૂફ ટોપ ગાર્ડન ઘરને લીલોતરીથી સમૃદ્ધ અને સુંદર કરવાનો સારો વિકલ્પ બની શકે છે.

રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર કર્યો
રૂફ ટોપ ગાર્ડનમાં શાકભાજી, વેલા, ફૂલછોડ કે ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય એવી જાણકારી આપતાં નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, અમે વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી, લોક માર્ગદર્શન માટેના મોડેલ રૂપે રાજીવનગર એસ.ટી.પી.ના મકાનના બીજા માળની છત પર છત ઉદ્યાન ઉછેરી રહ્યાં છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મોડેલ નિહાળ્યું હતું અને લીંબુનો છોડ વાવ્યો હતો.

સયાજીબાગ નર્સરીમાં 25 ડ્રમની મદદ થી રૂફ ટોપ ગાર્ડનનું મોડલ તૈયાર કરાશે
વડોદરા શહેરના લોકો વધુ સહેલાઇથી આ વિભાવના સમજી અને અપનાવી શકે તે માટે સયાજીબાગમાં આવેલી અમારા વિભાગની નર્સરીમાં લગભગ 25 ડ્રમનું રૂફ ટોપ ગાર્ડન મોડેલ ઉછેરવાનું વિચાર્યું છે. છત બગીચા માટે છતની મજબૂતાઇ પ્રમાણે કુંડાને બદલે 25થી 200 લિટરના પ્લાસ્ટિકના ડ્રમ ઉપયોગમાં લેવાની ભલામણ છે. આ ડ્રમમાં વર્મીકંપોસ્ટ અને માટી અથવા વજન હલકું રહે તે માટે કોકોપીટ ભરી તેમાં વિવિધ પ્રકારના ફૂલ છોડ, શાકભાજી, શતાવરી, ડોડી જીવંતિકા અને ગળોના વેલા કે સરગવો, જામફળ, ચીકુ, સીતાફળ જેવા ફળાઉ વૃક્ષો ઉછેરી શકાય.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મોડેલ નિહાળ્યું હતું અને લીંબુનો છોડ વાવ્યો હતો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મોડેલ નિહાળ્યું હતું અને લીંબુનો છોડ વાવ્યો હતો

પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય છે
હવે બાગાયતકારોએ વૃક્ષના કદ નાના રહે એવી ચીકુ, મોસંબી, દાડમ, લીંબુ, નારંગી, સીતાફળની ડ્રાફ્ટ વરાયટી એટલે કે કદમાં વૃક્ષ વામન રહે એવી પ્રજાતિઓ વિકસાવી છે. ઓદુંબર, જાસૂદ, ચંપા, ચમેલી, પારિજાત, શેતુર, જામફળ, તુલસી, અશ્વગંધા, સર્પગંધા જેવું વિવિધતાસભર વાવેતર છત બગીચામાં થઈ શકે છે. તેના કારણે પક્ષીઓ અને પતંગિયા ઘરના મહેમાન બને છે. ઘરની સુંદરતાને હરિયાળો ઓપ મળે છે. વાતાવરણ પ્રમાણમાં ઠંડુ રહે છે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી શકાય છે. જેમાં છોડ વાવો એવા ડ્રમના તળિયે પાણીના નિતાર માટે બે ત્રણ કાણાં રાખવા અને નીતરતું પાણી ભેગું કરવા નાનું વાસણ રાખવાની ભલામણ કરવામાં આવે છે.

મન હોય તો બગીચો ઉછેરાય
છત ઉદ્યાનની જેમ પોલીથીનની મોટા કદની કોથળીઓમાં મુખ્યત્વે શાકભાજી અને ફૂલ છોડનો ગની બેગ ગાર્ડન ઉછેરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. કહેવત છે કે મન હોય તો માળવે જવાય. તેને બદલીને કહી શકાય કે મન હોય તો બગીચો ઉછેરાય. અને તેનો શ્રેષ્ઠ વિકલ્પ આ રૂફ ટોપ ગાર્ડન એટલે કે છત ઉદ્યાન બની શકે છે. હા, છતની મજબૂતી પ્રમાણે ડ્રમની સંખ્યા રાખવાની તકેદારી અવશ્ય લેવી.

વન વિભાગના નિવૃત્ત ઉચ્ચ અધિકારીએ રૂફ ટોપ ગાર્ડનનો વિચાર આપ્યો
સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, પ્રત્યેક ઘરને પોતાનો બગીચો શક્ય બને એવો રૂફ ટોપ ગાર્ડનનો વિચાર અને પરિકલ્પના રાજ્ય વન વિભાગના નિવૃત્ત ઉચ્ચ અધિકારી અને હાલમાં સલાહકાર તરીકે કાર્યરત એસ.જે. પંડિતનો છે. તેમણે આ મોડેલની ભેટ આપી છે. જ્યારે હાલમાં રાજીવનગર એસ.ટી.પી.ખાતે જે મોડેલ રૂફ ટોપ ગાર્ડન ઉછેર્યો છે, તેને સાકાર કરવામાં વડોદરા ખાતેના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ યોગદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...