વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકાને હેરાન કરી રહેલા રોમિયો સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં છાકટા બનેલા રોમિયોએ વશમાં ન થનાર શિક્ષિકાને છ-સાત લાફા ઝીંકી દીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે યુવતીની છેડતી કરનાર રોમિયો સામે ગુનો દાખલ કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે જરોદ પંથકમાં ચકચાર જગાવી મૂકી છે.
રોમિયોએ શિક્ષિકાને છ-સાત લાફા ઝીંકી દીધા
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જરોદના શેખ ફળિયામાં રહેતો મયુર મોહનભાઇ પટેલ છેલ્લા કેટલાક સમયથી બે સંતાનોની માતાને પોતાના વશમાં કરવા માટે હેરાન કરી રહ્યો હતો. ટ્યૂશન ક્લાસ ચલાવતી મહિલા એકલી જાય ત્યારે તેનો પીછો કરીને ચાલ મારી સાથે આવે છે. તેમ જણાવી છેડતી કરી હતી. છેલ્લા કેટલાક સમયથી હેરાન કરી રહેલા મયુર પટેલને પીછો છોડી હેરાન ન કરવા માટે જણાવતા મયુર પટેલે શિક્ષિકાને છ-સાત લાફા ઝીંકી દીધા હતા. જોકે, મહિલાએ પણ મયુરને એક લાફો ઝીંકી દીધો હતો.
મહિલાએ અભયમને ફોન કરતા આરોપી ફરાર
ફરિયાદમાં જણાવ્યું છે કે, મયુર પટેલે લાફા મારી દેતા અન્ય લોકો દોડી આવતા અને 181 અભયમને ફોન કરવાની કાર્યવાહી કરતા મયુર પટેલ ફરાર થઇ ગયો હતો. જરોદમાં બે સંતાનોની માતાને છેડતી કરવાના અને લાફા ઝીંકી દેવાના બનેલા બનાવે જરોદમાં ચકચાર જગાવી મુકી છે.
પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે આરોપી મયુર પટેલ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર થઇ ગયેલા મયુર પટેલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે, પોલીસે જણાવ્યું હતું કે, ફરાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઇ જશે.
વડોદરામાં રોમિયો ડિવોર્સીને પ્રેમ સંબંધ બાંધવા બીભત્સ મેસેજ મોકલતો હતો
બે મહિના પહેલા વડોદરામાં રોમિયો સચીન રાણાએ ડિવોર્સી યુવતીને પ્રેમ સંબંધ બાંધવા અવારનવાર બીભત્સ મેસેજ મોકલતો હતો અને યુવતીની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે યુવતીએ રોમિયો વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલા પોલીસ કોન્સ્ટેબલની યુવકે છેડતી કરી હતી
એક મહિના પહેલા વડોદરાના વાડી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોની વોચમાં ઉભેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની જ યુવકે છેડતી કરી હતી. યુવકના ચેનચાળાથી છૂટકારો મેળવવા માટે મહિલા કોન્સ્ટેબલ દૂર જતી રહી હોવા છતાં, રોમિયોએ કોન્સ્ટેબલનો પીછો કર્યો હતો અને કોન્સ્ટેબલને ઈશારા કરીને ફોન નંબર માગ્યો હતો અને જણાવ્યું હતું કે, 'આપણે આવતી કાલે મળીશું' જેથી પોલીસે રોમિયોગીરી કરતા યુવકને ઝડપી પાડી પોલીસ મથકમાં લઇ આવી હતી. પોલીસ મથકમાં લાવ્યા બાદ રોમિયોની પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ અમીન અબ્દુલકાદર વ્હોરા હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.