વડોદરા એરપોર્ટ પર 1 માર્ચથી ખાનગી કંપનીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાતાં તેણે ઉઘાડી લૂંટ શરૂ કરી છે. મુસાફરોને લેવા-મૂકવા આવનાર વાહન 3 મિનિટથી વધુ ઊભું રહે તો રૂા. 500 દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. આ માટે વાહનોને મારવાના લોક સાથે લેન મેનેજર પણ મૂકાયો છે.
પિકઅપ માટે આવતાં રિક્ષા સહિત પીળી નંબર પ્લેટવાળાં કોમર્શિયલ વાહનો પાસેથી પાર્કિંગના રૂા. 20 ફરજિયાત વસૂલાય છે. ખાનગી કોન્ટ્રાક્ટરની ઉઘાડી લૂંટ અંગે એરપોર્ટ ડાયરેક્ટર અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોના અગાઉ મહિને 1.80 લાખ એરપોર્ટને ચૂકવવાની શરતે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ લેનાર અધવચ્ચેથી જતો રહ્યો હતો. જે બાદ દેશના વિવિધ એરપોર્ટ પર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવનાર સંસ્થા દ્વારા મહિને 3.80 લાખ ચૂકવવાની શરતે 1 માર્ચથી કોન્ટ્રાક્ટ અપાયોછે.
આટલો દંડ ન હોય, બંધ કરાવીશ
જૂના નિયમ મુજબ પેસેન્જર મૂકવા આવનારને 3 મિનિટ ઊભા રહેવાનું હતું. 8 મિનિટ એન્ટ્રી ગણાતી હતી. કોમર્શિયલ વાહન પાસે ફરજિયાત લેવાનું ન હોવું જોઈએ. આ અંગે મને જાણ નથી. કોમર્શિયલ વિભાગ સાથે વાત કરી બંધ કરાવીશ. -ટી.કે. ગુપ્તા, એરપોર્ટ ડાયરેક્ટર
મૂકવા આવનાર પાસેથી ચાર્જ લેવાશે
વડોદરા એરપોર્ટ પર અન્ય એરપોર્ટની જેમ પિકઅપ-ડ્રોપની અલગ લાઈન નથી, જે અલગ થશે એટલે પેસેન્જરને મૂકવા આવનાર કોમર્શિયલ વાહન પાસેથી પણ 20 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. - ઈ.બી.બીનીશ, ડ્યૂટી મેનેજર, પાર્કિંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.