તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Robbers Flee In Car After Looting Gold Jewelery Worth Lakhs From Ankleshwar's Finance Company, Police Blockade And Search For Robbers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલધડક લૂંટ CCTVમાં કેદ:અંકલેશ્વરની ફાઇનાન્સ કંપની IIFLમાં કર્મચારીઓને બંધક બનાવી 4 લૂંટારાઓ માત્ર 11 મિનિટમાં જ 3.29 કરોડના દાગીના લૂંટી ફરાર

અંકલેશ્વર5 મહિનો પહેલા
અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. - Divya Bhaskar
અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ.
  • બ્રાન્ચના મુખ્ય ગેટને લોક મારી 4 લૂંટારા રોડ ક્રોસ કરી કાર લઈને ભાગી ગયા
  • હિન્દી ભાષી લૂંટારાએ મહિલાના માથે પિસ્તોલ મૂકી કહ્યું, લોકર કી ચાવી કિસ કે પાસ હૈ, માર ડાલુંગા
  • બેગમાંથી દોરડું કાઢી 3 મહિલા કર્મી સહિત 6ના હાથ-પગ બાંધીને 11 મિનિટમાં ખેલ પાડ્યો
  • ગત જાન્યુઆરીમાં IIFLની જ વાપીની ચાણોદ બ્રાન્ચમાં રૂા. 6.56 કરોડની લૂંટ થઈ હતી
  • 2 ફૂટની જગ્યામાંથી લૂંટારુઓ કારમાં બેસીને ભરબજારમાંથી ફરાર

અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL) માં 282 ગ્રાહકોએ ગિરવી મૂકેલા રૂા. 3.29 કરોડના સોનાના દાગીના અને રોકડ રૂા. 1.79 લાખ મળી રૂા. 3.31ની મતાની લૂંટ ચલાવી ટોપી-માસ્ક ધારી લૂંટારાઓ 6 કર્મચારીને બંધક બનાવી ફરાર થઇ ગયા હતાં. ભરૂચમાં પહેલીવાર 6.866 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ મુખ્ય ગેટને લોક કરી રોડ ક્રોસ કરી કારમાં બેસી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમા 4 લૂંટારાઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યાર બાદ 4 લૂંટારાઓ કર્મચારીઓને બંધૂકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારાઓના હાથમાં બંધૂક અને એક લૂંટારાના હાથમાં ચાકુ જોવા મળ્યું હતું અને 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

11 મિનિટમાં જ ખેલ પાડી દીધો
દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે અંકલેશ્વરના ભરચક વિસ્તાર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સમાંથી બંધૂક અને ચાકુની અણીએ 4 લૂંટારાઓએ રૂા. 3.31 કરોડની લૂંટ ચલાવી હતી. લૂંટમાં 282 લોકોએ ગિરવી મૂકેલું 6 કિલો 866 ગ્રામ સોનું ગયું હતું. પ્રીપ્લાન્ડ લૂંટનો ઘટના ક્રમ જોતાં સવારે 9 વાગ્યાથી જ લૂંટારાઓએ રેકી કરી હતી. 9.17 મિનિટથી 9.28 મિનિટ એટલે 11 મિનિટમાં લૂંટારાએ ખેલ પાડ્યો હતો. સવારે ટ્રાફિક-પોલીસ સિવાયના પોલીસકર્મીઓ રોડ પર ન હોય તેમજ કોમ્પલેક્સમાં નીચે આવેલી દુકાનો ખૂલી રહી હોવાથી લોકોની અવરજવર પણ ઓછી હોઇ આ સમયે જ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટમાં જાણભેદુ હોવાની શક્યતા પ્રબળ છે.

ઓટીપીથી સ્ટ્રોંગરૂમનો દરવાજો ખોલ્યો
બ્રાન્ચમાં મેનેજર ધર્મેશ પઢિયાર, ગોલ્ડ વેલ્યુઅર રીટાબહેન ભગવાનભાઇ સોલંકી, સફવાન શેખ, વલ્લરી રાવલ, અને દિવ્યાબહેન પરમાર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ કમમેશ હાજર હતાં. વલ્લરી અને દિવ્યાબહેનને ધક્કો મારીને પ્રવેશેલા લૂંટારાએ છરો કાઢી તમામના મોબાઇલ લઇ લીધા હતા, જ્યારે અન્ય એક લૂંટારાએ પિસ્તોલ બતાવી હિન્દીમાં લોકર કી ચાવી કીસ કે પાસ હૈ તેમ કહી મેનેજર ધર્મેશ પઢિયારને માર ડાલુંગા એવી ધમકી આપી હતી. મેનેજરે ચાવી મારી પાસે છે, કશું કરતા નહીં એ કહેતાં તેણે દરવાજો ખોલવા કહ્યું હતું. ઓટીપી વગર સ્ટ્રોંગરૂમનો દરવાજો નહીં ખૂલે તેમ કહેતાં એક લૂંટારાએ મોબાઇલ આપ્યો હતો. મેનેજરે મુંબઇની બ્રાન્ચમાંથી ઓટીપી મગાવ્યો હતો. ત્યાર બાદ લૂંટારાએ રીટાબહેન સાથે લોકરની કેબિનમાં જઇ ઓટીપીથી દરવાજો ખોલી બંને પાસે ચાવી વડે લોક ખોલ્યું હતું.

અંકલેશ્વરમાં પાલિકા અને પોલીસનો રસ્તાઓ પર CCTV લાગવાનો પ્રોજેક્ટ કાગળ પર
લૂંટારાઓ લૂંટ કરવા પોતાની ઓળખ ન થાય તેથી ટોપી માસ્ક અને ગોગલ્સ પહેર્યાં હતાં. બ્લેક શર્ટ, બ્લુ જીન્સ અને સ્પોર્ટ સૂઝ પહેરીને ઓફિસમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાની સાથે બેગમાં દોરડા તેમજ તમંચા પણ લાવ્યા હતા. લૂંટારાઓને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તો આજુબાજુ નવાં કોમ્પ્લેક્સ સહિત ત્રણ રસ્તા સર્કલથી લઇ હાંસોટ રોડ સહિત વિસ્તારમાં રોડ બાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. અંકલેશ્વર શહેરમાં પોલીસ અને પાલિકાએ 11 લાખ ઉપરાંતના ખર્ચે સીસીટીવી કેમેરા ગોઠવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છેલ્લા 8 મહિના ઉપરાંતથી માત્ર કાગળ પર જ જોવા મળ્યો છે, જે પ્રોજેટ્ક હાલ અમલમાં હોત તો પોલીસને લૂંટારાઓ કઈ દિશામાં ભાગ્ય તેની ચોક્કસ માહિતી મળી શકી હોત.

નાકાબંધી કરીને પોલીસ લૂંટારાઓની શોધખોળ હાથ ધરી રહી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારાઓ ત્રાટક્યા હતા અને 4 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટીને કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધું છું.

લૂંટારાએ બંધૂક બતાવતાં મહિલા હાથ ઊંચા કરીને જઈ રહી છે.
લૂંટારાએ બંધૂક બતાવતાં મહિલા હાથ ઊંચા કરીને જઈ રહી છે.

બહારથી લોક મારી લૂંટારાઓ ભાગી ગયા
બંનેને સ્ટ્રોંગરૂમમાંથી બહાર કાઢયા બાદ એક લૂંટારાએ બેગમાંથી દોરી કાઢી તમામના હાથ-પગ બાંધી દીધા હતા. દરમિયાન અંદર રહેલો એક લૂંટારો મીણિયા થેલામાં સોનાના દાગીના અને રોકડ ભરી લઇ કેબિનની બહાર આવી ગયો હતો અને ટેબલની ઉપર પડેલી ચાવી વડે બહારથી લોક મારી ચારેય લૂંટારા ભાગી ગયા હતા. દરમિયાન મેનેજર સહિત તમામે જાતે જ દોરી છોડી નાખ્યા બાદ મેનેજરે પોલીસને જાણ કરી હતી. આ સમયે લૂંટારાઓ સ્વિફટ કારમાં બેસી ફરાર થઇ ગયા હતા. બ્રાન્ચમાં સોનાના નેકલેસ, પાટલા અને ચેઇન સહિત 282 પેકેટ હતાં, જેમાં 6 કિલો 866 ગ્રામ સોનું હતું. આ દાગીના પર 1.97 કરોડની લોન આપેલી હતી. ગત જાન્યુઆરીમાં વાપીની ચાણોદ બ્રાન્ચમાં 6 લૂંટારાએ 6.56 કરોડના સોનાની લૂંટ કરી હતી.

લોકર ખોલાવીને બ્રાન્ચ મેનેજરને બાંધી દીધો હતો
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પર આવેલ આઈ.આઈ.એફ.એલમાં ચાર લૂંટારા આવ્યા હતા અને બેંકમાં પ્રવેશ કરી તમામ કર્મચારીને દોરડાથી બાંધી દીધા અને એક કર્મચારી પાસે લોકર ઓટીપી મુખ્ય બ્રાન્ચ પરથી મગાવી સ્ટ્રોંગ રૂમ ખોલાવ્યું હતું અને ચાવી વડે બાકી લોકર ખોલાવી તેમને બ્રાન્ચ મેનેજરને પણ બાંધી દીધો હતો. ત્યાર બાદ 282 લોકોના સોનાના પેકેટ સહિત 3.31 કરોડના દાગીના-રોકડા તેમજ 2 ટેબ્લેટ અને 4 મોબાઇલ લૂંટી ગયાં હતાં. ઘટના જોતાં રેકી કરી લૂંટ કર્યાની પ્રબળ સંભાવના છે. હાલ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ડોગ-સ્કવોડ એફ.એસ.એલ નિષ્ણાતની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. - ચિરાગ દેસાઈ, ડી.વાય.એસ.પી., અંકલેશ્વર.

લૂંટારાઓએ કર્મચારી સામે બંધૂક તાકી હતી.
લૂંટારાઓએ કર્મચારી સામે બંધૂક તાકી હતી.

2 કર્મચારીનું રજિસ્ટર અને સિક્યોરિટીને ઓનલાઇન જોયા બાદ જ પાસવર્ડ મળ્યો
આઈ.આઈ.એફ.એલ ની મુખ્ય શાખા પર સ્ટ્રોંગરૂમ જે ઓટીપી આધારિત લોક વડે જ ખૂલે છે એને ખોલવા માટે મુખ્ય બ્રાંચ બેન્કના 2 કર્મચારીનું રજિસ્ટર કરે છે, ત્યાર બાદ ગાર્ડને ઓનલાઇન તેઓ વિડિયો પર ચેકિંગ કર્યા બાદ જ પાસવર્ડ એટલે ઓટીપી આપતા હોય છે. જે પાસવર્ડ મેળવવા 3 કર્મચારીની જરૂર હોય છે તો જ લોકર ખૂલે છે. લૂંટારા આ માટે પહેલાંથી જ ત્રણ કમર્ચારી પૈકી 2નું રજિસ્ટર કરવી ત્યાર બાદ ગાર્ડને તકેદારીપૂર્વક ઓનલાઇન કેમેરા આગળ રજૂ કર્યો હતો અને ઓટીપી મેળવ્યો હતો. જે આવ્યા બાદ અન્ય બે કર્મચારી પાસે તેમણે લોકર ચાવી વડે ખોલાવ્યું હતું ને જેવું લોકર ખૂલ્યું કે તરત જ અન્ય 3 લૂંટારા તમામ કર્મચારીને દોરડા વડે બાંધી એક જ લૂંટારાએ સોનું અને રોકડ સમેટી લીધું હતું.

લૂંટારાઓ કર્મચારીને બંધૂક બતાવીને સાઈડમાં જવાનું કહી રહ્યા છે.
લૂંટારાઓ કર્મચારીને બંધૂક બતાવીને સાઈડમાં જવાનું કહી રહ્યા છે.

લૂંટારાઓએ ટ્રાફિકને લીધે દિશા બદલી
ત્રણ રસ્તા પર એપીએમસીને કારણે ટ્રાફિકજામ હોવાથી લૂંટારાઓએ દિશા બદલી હતી. લૂંટ બાદ ચૌટાબજાર તરફના રસ્તા પર ફરાર થયા હતા. ત્રણ રસ્તા સર્કલ પર સ્ટેશન તરફ તેમજ ત્યાંથી નેશનલ હાઇવે નંબર 48 તરફ જતો માર્ગ હોવા છતાં એ તરફ ભાગ્યા ન હતા અને વિરુદ્ધ દિશામાં સામેની સાઈડ પર કાર પાર્ક કરી હતી.

2 ફાઇનાન્સ કંપની છતાં એક જ સિક્યોરિટી ગાર્ડ
સામાન્ય રીતે આ પ્રકારની કંપનીમાં એક ગન સાથે સિક્યોરિટી ગાર્ડ હોવો જોઇએ, પરંતુ કોમ્પ્લેક્સના પ્રથમ માળે બે ગોલ્ડ લોન આપતી બેન્ક, એક દવાખાનું અને એક બ્યુટિપાર્લર વચ્ચે એક જ સિક્યોરિટી ગાર્ડ છે. લૂંટ થાય તો ફાયર કે અન્ય પોલીસ કે કંપની જાણ કરતી સાંકેતિક ટેક્નિકલ સિસ્ટમ પણ હતી નહિ, એ પણ સવાલ છે.

પોલીસે CCTV કેમેરાની મદદથી તપાસ શરૂ કરી.
પોલીસે CCTV કેમેરાની મદદથી તપાસ શરૂ કરી.

હિન્દી ભાષી લૂંટારાઓએ અમારા મોબાઇલ લઈ લીધા
સિક્યોરિટી ગાર્ડ કમલેશના જણાવ્યા મુજબ, અમે સવારે હજુ તો ઓફિસ ખોલી હતી કે તરત જ લૂંટારાઓ આવ્યા હતા. અમે કઈ કરીએ એ પહેલાં તો બંદૂક બતાવી હતી અને અમને એક સાઈડ પર કરી દીધા હતા. લૂંટારાઓ હિન્દીમાં બોલતા હતા. ત્યાર બાદ અમારા મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. પાસવર્ડ જાણી લઇ ચાવી વડે દરવાજો ખોલાવ્યો હતો અને અમને બાંધી દીધા હતા, જ્યારે એક લૂંટારાએ બેગમાંથી દોરડું કાઢી અમને બાંધી દઇ દરવાજો બંધ કરી ફરાર થઇ ગયા હતાં. જોકે સમગ્ર ઘટના અંગે સત્તાવાર પૂછતાં જ સિક્યોરિટી ગાર્ડ કમલેશના મોઢા પર સીલ વાગી ગયું હતું અને આગળ કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરાઈ.
ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરાઈ.
ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસ.
ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસ.

(અહેવાલઃ હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો