સરકારની મહિલા સુરક્ષાની વાતો વચ્ચે વડોદરા શહેરમાં મહિલાઓને એકલા નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. વડોદરા શહેરમાં દિવસે દિવસે ક્રાઇમ રેટનો ગ્રાફ ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. આજે વહેલી સવારે માત્ર 30 મિનિટમાં ચેઇન સ્નેચિંગ ટોળકીએ મોર્નિંગ વોકમાં નીકળેલી બે મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ખોડિયારનગર અને સમા ચાણક્યપુરી પાસે સવારે 6:45 વાગ્યાથી લઇને 7:15 વાગ્યાના સમયગાળામાં બનેલા બે બનાવોએ ચકચાર જગાવી મૂકી હતી. આ ઉપરાંત બાપોદ પોલીસ સ્ટેશન પાસે એક મહિલાનો મહિલાનો અછોડો તોડવાનો પ્રયાસ થયો હતો અને કારેલીબાગ વિસ્તારમાં પણ મહિલાનો અછોડો તૂટ્યો હતો.
મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને બે શખસો ફરાર
વડોદરા શહેરના 134, વૈકુંઠ-2, ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતા અરૂણાબહેન દયાપ્રસાદ ત્રિવેદી(ઉં.55) સવારે 6:45 વાગ્યે પતિ સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. દંપતી ચાલતા ખોડિયારનગર ચાર રસ્તા, બ્રહ્માનગર પાસેથી પસાર થતા હતા. તે સમયે બ્લેક કલરની બાઇક પર ધસી આવેલા અજાણ્યા બે શખસો અરૂણાબહેનના ગળામાંથી રૂપિયા 35 હજારની કિંમતની દોઢ તોલાનો સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ હરણી પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા અરૂણાબહેન ત્રિવેદી પાસેથી વિગત મેળવી તપાસ શરૂ કરી હતી.
30 હજારની કિંમતની સોનાની ચેઇન લૂંટીને લૂંટારૂ ભાગ્યા
ખોડિયારનગર પાસેના બનાવના અડધા કલાક બાદ એટલે કે, સવારે 7:15 કલાકે સમા ચાણક્યપુરી જીગર વિદ્યાલય પાસેથી ચાલતા જઇ રહેલા 50 વર્ષીય ગંગોત્રીબહેન મહેન્દ્રપ્રસાદ રાયને(રહે, બી-19, તક્ષશિલા સોસાયટી, વિભાગ-2, ન્યુ સમા રોડ, વડોદરા) નિશાન બનાવ્યા હતા. બાઇક પર ધસી આવેલા લૂંટારાઓએ ગંગોત્રીબહેન કંઇ સમજે તે પહેલાં તેઓના ગળામાંથી સવાથી દોઢ તાલા વજનની રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ સમા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ટોળકીનો ભોગ બનેલા ગંગોત્રીબહેન પાસેથી વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.
વૃદ્ધાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી બાઇક સવાર ગઠિયો ફરાર
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી નવનીત પાર્ક સોસાયટીમાં રહેતા 69 વર્ષીય જશોદાબેન સોલંકી રસ્તાના ડિવાઈડર ઉગેલા છોડ ઉપરથી ફૂલ તોડવા માટે ગયા હતા. ફૂલ તોડતી વખતે અજાણ્યો યુવક પાછળથી આવી તેમના ગળામાંથી રૂપિયા 30 હજારની કિંમતનું એક તોલાનું સોનાનું મંગળસૂત્ર તોડી નજીકમાં પાર્ક કરેલી બાઇક લઈ નાસી છૂટ્યો હતો. વૃદ્ધાની ફરિયાદના આધારે વારસીયા પોલીસે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
મહિલાઓને એકલા નીકળવું મુશ્કેલ થઇ ગયું
વહેલી સવારે હરણી પોલીસ મથકની હદમાં આવેલા ખોડિયારનગર બ્રહ્માનગર પાસે અને સમા ચાણક્યપુરી જીગર વિદ્યાલય પાસે ચેઇન સ્નેચિંગના બે બનાવો બનતા વિસ્તારોમાં ચકચાર મચી ગઇ હતી. તો બીજી બાજુ શહેરમાં દિવસે-દિવસે વધી રહેલા ક્રાઇમ રેટે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા સફળતાના 5 વર્ષની ઉજવણી અંતર્ગત મહિલા સુરક્ષાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મહિલા સુરક્ષાની સરકારની ગુલબાંગો વચ્ચે શહેરમાં મહિલાઓને એકલા નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.
પોલીસે CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી
વહેલી સવારે બનેલા આ બનાવોમાં એક જ ટોળકી હોવાનું અનુમાન છે, ત્યારે હરણી પોલીસે અને સમા પોલીસે બનાવ બનેલા બનાવોનો ભેદ ઉકેલવા માટે બનાવ બનેલા સ્થળોની આસપાસમાંથી CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને અજાણ્યા લૂંટારાઓ સામે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સવારે અડધો કલાકમાં લૂંટના બનેલા બે બનાવોએ હાહાકાર મચાવી મૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.