દબાણ હટાવો ઝુંબેશ:વડોદરા પાસે વાઘોડિયામાં ધીરજ હોસ્પિટલ ચોકડીથી ST ડેપોના રોડ સુધીના 200 દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયામાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે તંત્ર એકશનમાં આવ્યું - Divya Bhaskar
વાઘોડિયામાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે તંત્ર એકશનમાં આવ્યું
  • પોલીસ બંદોબસ્ત સાથે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે તંત્ર એકશનમાં આવ્યું છે. તંત્ર દ્વારા ધીરજ હોસ્પિટલ ચોકડીથી એસ.ટી. ડેપોના રોડ સુધીના દબાણકારોને સ્વૈચ્છિક દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં, દબાણો દૂર ન કરનાર દબાણકારોના દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કાર્યવાહી સવારથી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 200 જેટલા લારી-ગલ્લા તેમજ કાચા-પાકા દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરતા કામગીરી જોવા માટે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

અગાઉ નોટિસો આપવામાં આવી હતી
વાઘોડિયા ટાઉનમાં આસપાસના અનેક ગામોના નાના-મોટા વેપારીઓ સહિત ગામ લોકો માટે ખરીદી કરવા માટે આવે છે. મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી નગરની ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી. ટ્રાફિક સમસ્યાના કારણે અવારનવાર નગરમાં ઝઘડાઓ પણ થતાં હતા. ટ્રાફિક સમસ્યા તંત્ર માટે પણ માથાનો દુઃખાવો બની ગઇ હતી. આથી તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે કવાયત હાથ ધરી હતી. અને ધીરજ હોસ્પિટલ ચોકડીથી એસ.ટી. ડેપો સુધીના દબાણકારોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી.

પોલીસને સાથે રાખી દબાણ તોડવાની શરૂઆત
તંત્ર દ્વારા દબાણકારોને નોટિસો આપવામાં આવી હોવા છતાં, કેટલાંક દબાણકારો દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. આથી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સવારથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક દબાણકારો દ્વારા બે દિવસથી સ્વૈચ્છિક રીતે પોતાનો માલસામાન કાઢી દબાણો દૂર કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. તો કેટલાક લોકો દ્વારા દબાણો દૂર ન કરતા તંત્ર દ્વારા એક જે.સી.બી., ડમ્પરો, વીજ કંપનીની ટીમ તેમજ પોલીસ કાફલો સાથે રાખી દબાણો દૂર કરવાની શરૂઆત કરી હતી.

15 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો
તાલુકા વિકાસ અધિકારી કાજલબહેન આમલીયા સહિત વિવિધ વિભાગોની ટીમોના અધિકારીઓની ઉપસ્થિતીમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા દબાણો દૂર કરીને 15 મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. તંત્રની કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કામગીરી દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

દરેક વેપારીઓ સાથે આપી રહ્યા છે
નગરના વેવારી અને પોતાની વર્ષોથી દુકાન ગુમાવનાર વેપારીએ જણાવ્યું હતું કે, નગરનો વિકાસ થઇ રહ્યો છે. હું આનંદ અનુભવું છું. મારી દુકાન પણ કપાતમાં ગઇ છે. મને રૂપિયા 25 થી 30 હજારનું નુકસાન થયું છે. પરંતુ, મને વાંધો નથી. દરેક વેપારીઓ સાથે આપી રહ્યા છે. નગરનો વિકાસ થવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...