આયોજન:સોખડામાં ચાદર ઓઢાડવાની વિધિ સંપન્ન, પ્રેમસ્વરૂપ સ્વામી સિંહાસન પર બિરાજમાન

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિપ્રસાદ સ્વામીજીના 88માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે સોખડામાં વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન થયું
  • હરિપ્રસાદ સ્વામીના રથ બાદ પ્રેમસ્વરૂપ સ્વામીની ઘોડાગાડીમાં એન્ટ્રી : લીફ્ટમાં સ્ટેજ પર આવ્યા

હરિધામ-સોખડામાં 11 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીના 88મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિશ્વશાંતિ યજ્ઞ યોજાયો હતો. ઉત્સવ પહેલા ત્યાગસ્વામી સહિતના સંતોએ પ્રેમસ્વામીને ચાદર ઓઢાડવાની વિધી પણ કરી હતી. મોડી સાંજના કાર્યક્રમમાં હરિપ્રસાદ સ્વામીના રથ બાદ પ્રેમસ્વરૂપ સ્વામીની ઘોડાગાડીમાં ગ્રાંડ એન્ટ્રી થઈ હતી. લીફ્ટ મારફતે સ્ટેજ પર પહોચી તેઓ સિંહાસન પર બેઠા હતાં. પ્રબોધસ્વામી જુથના હરિભક્તોએ 9 મેએ ચાદરવિધી અટકાવવા જિલ્લા એસપીને રજુઆત કરી હતી.

હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્યોત્સવનો કાર્યક્રમ સવારે 6 વાગ્યાથી શરૂ થયો હતો. જેમાં વિશ્વશાંતી યજ્ઞમાં 88 યુગલોએ ભાગ લીધો હતો. સવારે 11 કલાકે જશભાઈ સાહેબ અને પ્રેમસ્વરૂપ સ્વામીના હસ્તે યજ્ઞની પુર્ણાહુતી થઈ હતી. સાંજે 6:30 કલાકે કીર્તન આરાધના, ભક્તિ નૃત્ય અને સત્સંગ દ્વારા હરિપ્રસાદ સ્વામીજીનાં યુગકાર્યને ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી.

મુખ્ય કાર્યક્રમ સાંજે 7:30 બાદ શરૂ થયો હતો. મશાલ સાથે હરિપ્રસાદ સ્વામીજીના કટઆઉટ મુકેલા રથને હરિભક્તો ખેંચીને સ્ટેજ સુધી લાવ્યાં હતાં. જેની પાછળ ઘોડાગાડીમાં પ્રેમસ્વરૂપ સ્વામીની પુષ્પવર્ષા સાથે ગ્રાંડ એન્ટ્રી થઇ હતી. મંદિર સામે મેદાનમાં દેશ-વિદેશના 10 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

જેમાં પ્રેમસ્વરૂપ અને ત્યાગવલ્લભ સ્વામી લીફ્ટ મારફતે સ્ટેજ પર પહોચ્યાં હતાં. હરિપ્રસાદ સ્વામીની એન્ટ્રીની જેમ જ પ્રેમસ્વરૂપ સ્વામીની એન્ટ્રી થઈ હતી અને પ્રેમસ્વરૂપ સ્વામીને બિરાજવા માટે સિંહાસનની વ્યવસ્થા પણ હરિપ્રસાદ સ્વામી જેવી જ હતી. ઉત્સવમાં શક્તિપ્રદર્શન કરાયું હતું. બીજી તરફ પેટલાદ ખાતે પ્રબોધસ્વામી જુથની સભા યોજાઇ હતી. જેમાં આણંદ પ્રદેશના 6 હજાર ભક્તોએ હાજર રહી શક્તિપ્રદર્શન કર્યું હતું.

હાઈકોર્ટમાં સમાધાનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ચાદરવિધિ કેટલી યોગ્ય : પ્રબોધ સ્વામી જૂથ
પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ જણાવ્યું કે, કોઈ મંદિર કે આશ્રમના મુખ્ય સંતનું અવસાન થાય તો ત્યાર બાદ તેમના ઉત્તરાધીકારી તરીકે જે સંતની નિમણુંક કરાય છે તેમને ચાદર ઓઢાળાય છે. જેને ચાદરવિધિ કહેવાય છે. હરિધામ સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ થાય તો તેઓ હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી કહેવાશે. હાઈકોર્ટમાં સમાધાન ચાલતુ હોય ત્યારે ચાદર ઓઢાળવાની વિધી કરવી કેટલી યોગ્ય ગણાય.

વેદ પાઠશાળાને રૂા.25 લાખનો ચેક અપાયો
પ્રેમસ્વરૂપ સ્વામી સહિતના સંતો દ્વારા પ્રાગટ્યોત્સવ નિમિત્તે ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાને રૂા.25 લાખનો ચેક આપ્યો હતો. આ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પુરૂષોત્તમ યોગ અને ભક્તિ યોગ ઉપરાંત શાંતિમંત્રોનું સમુહગાન કર્યું હતું.

હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિર ખાતે બુધવારના રોજ હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદી પર બેસાડી સંતોની ઉપસ્થિતિમાં ચાદર વિધિ કરવામાં આવી હતી. હરિપ્રસાદ સ્વામી જેવા જ સિંહાસન પર આરૂઢ કરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...