હાલાકી:કિશનવાડીમાં ડ્રેનેજના ખુલ્લા મેન હોલથી અકસ્માતનો ભય

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરને સ્માર્ટ સિટી બનાવવા નીકળેલા પાલિકા તંત્રની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કિશનવાડી ભાથીજી મંદિર પાસે એક સપ્તાહથી તૂટેલો ચેમ્બર સમારકામ કરવાનો તંત્ર પાસે સમય નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે.શહેરના કિશનવાડી વિસ્તારમાં આવાસો આવેલા છે જ્યાં ભાથીજી મંદિરની સામે રોડ પર પાલિકાએ ત્રણ ફૂટ ઊંચું ચેમ્બર બનાવ્યું હતું. જે એક સપ્તાહ પહેલા તૂટી જતા ત્યાંનો મેલ હોલ ખુલ્લો છે. કોઈ દુર્ઘટના ન બને તેના માટે સ્થાનિક લોકોએ ખુલ્લા મેન હોલની આસપાસ આડસ મૂકી છે.

એક સપ્તાહ પહેલા સ્થાનિક સામાજિક કાર્યકર ઘનશ્યામ ભરૂચાએ તંત્રને આ બાબતે જાણ કરી હતી. પરંતુ શહેરને સ્માર્ટ સિટી બનાવવા બેઠેલા પાલિકાના અધિકારીઓએ એક સપ્તાહ બાદ પણ મેન હોલનું રીપેરીંગ કરાવ્યું નથી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી પ્રવર્તી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવી બેદરકાર બની બેઠું છે. જો કોઈ દુર્ઘટના બનશે તો તેના માટે પાલિકા જવાબદાર બનશે તેમ કહી સ્થાનિક લોકોએ ભારે નારાજગી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...