અથાગ મહેનતથી સિદ્ધિ મેળવી:વડોદરામાં રિક્ષા ચાલકના પુત્રએ 99.95 પર્સેન્ટાઇલ મેળવ્યા, કમ્પ્યુટર એન્જિનિયર બનવુ છે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ-12 સાયન્સમાં ગુજરાતમાં ફર્સ્ટ આવતા મને કોઇ રોકી શકશે નહીં: નિરવ રાણા

સ્કૂલમાં મળેલું સારું શિક્ષણ અને ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકોના ગૃપ દ્વારા મળેલી તમામ પ્રકારની મદદથી ઓટો રિક્ષા ચાલકના પુત્ર નિરવ રાણાએ ધોરણ-10માં 96 ટકા અને 99.95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નિરવે જણાવ્યું હતું કે, હું હવે આગળ સાયન્સમાં અભ્યાસ કરવા માંગુ છું અને ધોરણ-12 સાયન્સમાં ગુજરાતમાં ફર્સ્ટ આવીશ. મને ધોરણ-10માં પણ ગુજરાત ફર્સ્ટ આવવાની ઇચ્છા હતી. પરંતુ, આ ઇચ્છા હવે ધોરણ-12 સાયન્સમાં ગુજરાત ફર્સ્ટમાં ફર્સ્ટ આવીને પૂરી કરીશ. મારે કમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઇચ્છા છે.

માતા લોકોના ઘરમાં કામ કરવા જાય છે
વડોદરાના બાવચાવાડમાં રહેતો નિરવ રાણા વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યુ સનરાઇઝ સ્કૂલમાં ધોરણ-10નો અભ્યાસ કર્યો હતો અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા આપી હતી. આજે આવેલા પરિણામમાં તેણે 96 ટકા અને 99.95 પર્સેન્ટાઇલ મેળવી સ્કૂલમાં ફર્સ્ટ નંબર લાવ્યો છે. તેના પિતા દિપકભાઇ રાણા ઓટો રિક્ષા ચલાવે છે અને માતા નયનાબહેન લોકોના ઘરોમાં કામ કરે છે. મોટી બહેન નિશા બી.કોમ.ના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે.

સ્કૂલમાં હું ફર્સ્ટ આવ્યો છું. તેનાથી હું ખુશ છું
નિરવે જણાવ્યું હતું કે, ધોરણ 10 ગુજરાત ફર્સ્ટ આવવા માટે રાત-દિવસ મહેનત કરતો હતો. મારી સ્કૂલમાં શિક્ષકો દ્વારા જ્યારે પણ કોઇ વિષયમાં તકલિફ પડે ત્યારે માર્ગદર્શન પૂરું પાડતા હતા. ટ્યૂશન ક્લાસના શિક્ષકો ગીરીશભાઇ દેસાઇ, ધર્મેશભાઇ પ્રજાપતિએ મને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ તો ઠીક આ શિક્ષકો દ્વારા મારા પરિવારની આર્થિક સ્થિતીને ધ્યાનમાં રાખી ફીમાં પણ રાહત આપવામાં આવી છે. સ્કૂલમાં હું ફર્સ્ટ આવ્યો છું. તેનાથી હું ખુશ છું. હવે મારે સાયન્સમાં અભ્યાસ કરવાનો છે.

કમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઇચ્છા છે
ધોરણ-12 સાયન્સમાં ગુજરાત ફર્સ્ટ આવવાનું મારું લક્ષ્ય છે અને આ મારા લક્ષ્યને પૂરું કરવા સ્કૂલના શિક્ષકો તેમજ ખાનગી ટ્યુશન ક્લાસના કેમિસ્ટ્રીના ગીરીશભાઇ દેસાઇ, ફિઝીક્સના દિવ્યેશભાઇ પટેલ, મેથ્સના વિનોદભાઇ શાહ, બાયોલોજીના શિતલ બારભાયા અને અંગ્રેજીના પ્રણવ ભટ્ટે તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયારી બતાવી છે. ત્યારે મને વિશ્વાસ છે કે, આગામી ધોરણ-12 સાયન્સમાં ગુજરાતમાં ફર્સ્ટ આવતા મને કોઇ રોકી શકશે નહીં. મારે કમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઇચ્છા છે.

મારા પુત્ર નિરવે રાત-દિવસ મહેનત કરી
નિરવના પિતા દિપકભાઇ રાણા અને માતા નયનાબહેને જણાવ્યું હતું કે, મારા પુત્ર નિરવે રાત-દિવસ મહેનત કરી છે અને આજે તેના જે ટકા આવ્યા છે. તે તેની મહેનતનું ફળ છે. તે તેના માતા-પિતાની આર્થિક સ્થિતીથી સંપૂર્ણ વાકેફ છે. આથી અમોને વિશ્વાસ છે કે, તેણે આગામી ધોરણ-12 સાયન્સમાં ગુજરાત ફર્સ્ટ આવવાનું જે સ્વપ્ન સેવ્યું છે તે પૂરું કરશે. અને વડોદરાનું નામ રોશન કરશે. અમે તેના ઉચ્ચ અભ્યાસ માટે રાત-દિવસ મહેનત કરવા તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...