દેખાવો:સીએનજી ગેસના ભાવમાં સતત થઇ રહેલા વધારાના વિરોધમાં વડોદરામાં રિક્ષા ચાલકોએ એકત્ર થઈ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

વડોદરા7 મહિનો પહેલા
રિક્ષાચાલકોએ સરકાર વિરોધી નારેબાજી કરી હતી.
  • રિક્ષા ચાલકો અલકાપુરી ખાતે આવેલા સીએનજી ગેસ પમ્પ પર એકત્ર થઈ વિરોધ કર્યો

સીએનજી ગેસના ભાવમાં સતત થઇ રહેલા વધારાના વિરોધમાં આજે શહેરના રિક્ષા ચાલકો અલકાપુરી ખાતે આવેલા સીએનજી ગેસ પમ્પ પર એકત્ર થયા હતા. અને સીએનજી ગેસના ભાવ વધારાનો પ્રચંડ વિરોધ કર્યો હતો. રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સીએનજી ગેસના ભાવમાં કરવામાં આવેલ ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રિક્ષા ચાલકોમાં રોષ
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરિણામે સીએનજી સંચાલિત રિક્ષા ચાલકોને રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. સીએનજી ગેસના ભાવમાં થયેલા વધારા અંગે રીક્ષા એસોશીએશન દ્વારા અવાર-નવાર ભાવ વધારો પરત ખેંચવા માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ભાવમાં ઘટાડો ન થતા રિક્ષા ચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

મુસાફરો રિક્ષામાં બેસતા નથી
રિક્ષાચાલકોએ જણાવ્યું હતું કે સરકાર માને છે કે સીએનજીના ભાવમાં થતા વધારાની રિક્ષાચાલકો ઉપર કોઈ અસર થતી નથી. પરંતુ રિક્ષાચાલકો દ્વારા ભાડામાં ભાવ વધારો કરવામાં આવે છે., ત્યારે મુસાફરો રિક્ષામાં બેસતા ખચકાઈ રહ્યા છે. જેની અસર રિક્ષા ચાલકોની આવક ઉપર પડી રહી છે. પરિણામે રિક્ષા ચાલકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે.

ચૂંટણીમાં જવાબ આપશુ-રિક્ષાચાલકો
આજે વડોદરા શહેર રિક્ષાચાલક એસોસિએશનના રિક્ષાચાલકો અલકાપુરી ખાતે આવેલા સીએનજી ગેસ પંપ ખાતે એકઠા થયા હતા. સીએનજી ગેસમાં થયેલા ભાવ વધારાનો ભારે વિરોધ કર્યો હતો. રિક્ષાચાલકોએ સીએનજી ગેસમાં કરવામાં આવેલો ભાવ વધારો પરત ખેંચવા માટે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ અંગે રિક્ષાચાલક એસોસિએશનના અગ્રણી જીવનભાઈ ભરવાડે જણાવ્યું હતું કે સીએનજી ગેસના ભાવમાં થઇ રહેલા સતત ભાવ વધારાના કારણે રિક્ષાચાલકોની હાલત કફોડી બની ગઈ છે. રીક્ષા ચાલકોને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. જો સરકાર દ્વારા સીએનજી ગેસના ભાવમાં કરવામાં આવેલ વધારો વહેલી તકે પરત ખેંચવામાં નહીં આવે તો ન છૂટકે રીક્ષા ચાલકોને આંદોલન કરવાની ફરજ પડશે અને તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે.આ ઉપરાંત સીએનજી ગેસના ભાવવધારાની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.