તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કટકી બંધ:પથારાનો ચાર્જ સીધો વોર્ડ ઓફિસે જમા થતાં 30.43 લાખની આવક

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓ ઉઘરાવતા ત્યારે 5થી 7 લાખ મળતા હતા
  • એપ્રિલમાં 875 પાવતી ફાટી હતી, જૂનમાં 841 ટકાનો વધારો

શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ ઉપર બેસીને ધંધો કરતા ધંધાદારીઓ પાસેથી પાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય છે ત્યારે તેમાં ચાલુ મહિનાથી ફેરફાર કરી જે તે વોર્ડ ઓફિસ માં જઈને ભરપાઈ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવતા પાલિકાની આવક માં 588 ટકાનો અને તેની પાવતી માં 841% ટકાનો વધારો થયો હતો.વર્ષો સુધી જે તે વિસ્તારના રોડ પર બેસીને ધંધો કરતા લારી-ગલ્લા કે પથારાવાળા પાસે પાલિકાના જે તે વોર્ડના ભાડા કારકુન કે રેવન્યુ ઓફિસર જઈને વહીવટી ચાર્જ વસૂલ કરતા હતા પરંતુ તેમાં ઘણા ઠેકાણે મોટાપાયે ખાયકી થતી હોવાની બૂમો પડી હતી.

સ્થાયી અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલે આ બાબતે સમીક્ષા કરતા એપ્રિલ મહિનામાં આખા શહેરમાં થઈને 875 પાવતી થકી રૂ.7.71 લાખની આવક જણાઇ હતી.જેમાં,સૌથી વધુ વૉર્ડ 8માં રૂ.1.59 લાખની આવક થઈ હતી તો સૌથી વધુ 179 પાવતી વૉર્ડ 11માં ફાટી હતી.તેવી જ રીતે, મે મહિનામાં 551 પાવતી થકી રૂ.5.17 લાખની આવક વહીવટી ચાર્જ પેટે થઈ હતી.જેમાં સૌથી વધુ રૂ. 75500ની આવક વૉર્ડ ન.10માં થઇ હતી.

વૉર્ડ 1 માંથી 2 મહિનામાં 30 પાવતી જ ફાટી હતી.આ સંજોગોમાં, સ્થાયી અધ્યક્ષે જૂન મહિનાથી આ પદ્ધતિમાં ફેરફાર કરાવ્યો હતો અને જે વસુલાત રોડ ઉપર જઈને કરતા હતા તેના બદલે ધંધાદારીઓને તા.10 તારીખ સુધીમાં તે વોર્ડ ઓફિસમાં ભરવાની સૂચના આપી દેવામાં આવી હતી.જેનો ફાયદો પાલિકાની તિજોરીને જોવા મળ્યો છે. જૂન મહિનામાં પાલિકાને 12 વૉર્ડ માંથી કુલ 30.43 લાખ રૂ.ની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...