સાવલીના કસરિયાપુરા ગામે 2 દિવસ અગાઉ 66 વર્ષીય વૃદ્ધની નિર્મમ હત્યા પ્રકરણનો ભેદ ઉકેલીને આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપીને જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે જેલ ભેગો કર્યો છે. રૂ.15 હજારના વ્યાજની માગણી કરી ગાળો આપતા નાણાં ધીરનારની ઉઘરાણીથી તંગ આવી વેપારીએ હત્યા કરી હોવાનું તપાસમાં સપાટી પર આવ્યું છે.
જિલ્લા એલસીબીના જણાવ્યા મુજબ કસરિયાપુરા ગામની સીમમાં 66 વર્ષીય વૃદ્ધની ધારદાર હથિયાર વડે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તપાસમાં લાશ પાસે મૃતકનું સ્કૂટર બિનવારસી મળી આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાએ એલસીબી અને એસઓજીને તપાસ સોંપી હતી. બંને એજન્સીઓએ હત્યાની એમઓનું નિરીક્ષણ કરીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
હત્યામાં ગોવિંદ રમેશ માળી (સાવલી, દામજીના દેરા પાસે)ની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ચારેક માસ પહેલાં ભૂપેન્દ્ર રાણા પાસેથી વ્યાજે રૂ.15 હજાર લીધા હતા, જે અઢી માસ પછી પરત આપી દીધા હતા. તેના વ્યાજના રૂા.4500 લેવાના બાકી નીકળે છે તેમ કહી ભૂપેન્દ્ર રાણા માગણી કરી અપશબ્દો કહેતા હતા. જેથી 15મી મેના રોજ સવારના સમયે દુકાન ઉપર ગયેલ તે વખતે ભૂપેન્દ્ર રાણાએ વ્યાજના રૂપિયાની માગ કરી બિભત્સ ગાળો આપી હતી, જેથી લાગી આવતાં ગોવિંદ માળીએ ભૂપેન્દ્ર રાણાને મારી નાખવાની યોજના બનાવી હતી.
યોજના અનુસાર બપોરના સમયે મચ્છી લેવા માટે જવાનું કહી ભૂપેન્દ્ર રાણાને કરડ નદીનાં કોતરમાં કસરિયાપુરા ગામની સીમમાં બપોરના સમયે લઇ ગયો હતો અને રાણાને તેની દીકરી સાથે મોબાઈલ પર વાતચીત કરાવી ધારદાર છરી વડે ગળું કાપી ખૂન કર્યું હતું. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.