તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરાના નિવૃત્ત શિક્ષકને અલૌકિક કાળી હળદરથી કરોડપતિ થવાય એવી વાતોમાં ભોળવીને પાંચ લાખની ઠગાઈ કરી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ઝડપેલી ઠગ ટોળકી - Divya Bhaskar
પોલીસે ઝડપેલી ઠગ ટોળકી
  • શિક્ષકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ભાન થતાં પોલીસની મદદથી ઠગોને પકડી પાડ્યા.
  • પોલીસે 9 આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં ઠગાઈ આચરતી ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. અનેક લોકો ઠગાઈ કરનારા લોકોના સંપર્કમાં આવીને છેતરાઈ જાય છે. વડોદરામાં ઠગ ટોળકીએ નિવૃત્ત શિક્ષકને સકંજામાં લીધા હતાં. તેમની સાથે કાળી હળદરના પ્રયોગથી કેવી રીતે કરોડપતિ થવાય તેની વાતચીત શરૂ કરી હતી. શિક્ષકને ઠગોએ કહ્યું હતું કે કાળી હળદરનો ઉપયોગ ઉપગ્રહ છોડવા માટે થાય છે. અમારી પાસે એલૌકિક કાળી હળદર છે. તમારે જોઈએ તો પાંચ લાખ રૂપિયા લઈને આવી જજો. શિક્ષકે કરોડપતિ થવાની લાલચમાં 5.70 લાખ રૂપિયા ઠગોના હાથમાં આપી દીધા હતાં. બાદમાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ભાન થતાં જ તેમણે સાવલી પોલીસની મદદથી ઠગોને પકડાવ્યા હતાં.

ઠગ ટોળકીની વાતોમાં શિક્ષકને રસ પડ્યો હતો
સાવલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આસોદર ગામમાં ઉંડા ફળિયામાં સુરેશભાઇ ફૂલાભાઇ પરમાર પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે રહે છે. ત્રણ માસ પહેલા તેઓ ડેસર તાલુકાના વણસોલી ગામમાં રહેતા મિત્રના ઘરે આવ્યા હતા. બપોરના સમયે તેઓ ગામ નજીક ઠંડા પીણાની દુકાન પાસે બેઠા હતા. તે સમયે ત્રણ વ્યક્તિઓ એન્ટીક પીસ જેવી કે, નગ્ન દેખાય તેવા ચશ્મા, કાળી હળદર, મયુર પંખ, રાઇશ પુલર, અંગ્રેજો વખતના ટી.વી.માં આવતા કેથોડ અને લીબો કોઇન જેવી વસ્તુઓ આ ધરતી ઉપર અસ્તિત્વ ધરાવે છે. આમાંથી કોઇપણ વસ્તુ મળી જાય તો માલામાલ થઇ જવાય. તેવી વાત કરતા હતા. જેમાં તેઓને રસ પડતા તેઓ સાથે વાતચિત કરી હતી.

પોલીસે ઠગ ટોળકી પાસેથી કબજે કરેલો મુદ્દામાલ
પોલીસે ઠગ ટોળકી પાસેથી કબજે કરેલો મુદ્દામાલ

આવી રીતે ઠગ ટોળકીએ શિક્ષકનો વિશ્વાસ જીત્યો
નિવૃત્ત શિક્ષકે કાળી હડદર અંગે વધુ પૂછતા ઠગ ટોળકીએ જણાવ્યું કે, કાળી હળદરમાં રેડીયોએક્ટીવ પાવર હોય છે. તેમાંથી અલગ-અલગ આલ્ફા, બીટા, ગામા કિરણો નીકળે છે. જેને વૈજ્ઞાનિકો શોધે છે. અને જ્યારે ઉપગ્રહ છોડવામાં આવે ત્યારે આપણા સીમકાર્ડ જેવી ચીપમાં આ કિરણો નાંખવામાં આવે છે જેથી ઉપગ્રહનું ભવિષ્ય ત્રીસથી ચાલીસ વર્ષનું થઇ જાય છે. મહિસાગર જિલ્લાના પાંડરવાળા ગામમાં રહેતા સલિમ હબીબભાઇ સૈયદ પાસે એક કિલો જેટલી કાળી હળદર છે. જે રૂપિયા 2.50 કરોડમાં વેચવાની છે. જેની બજાર કિંમત રૂપિયા 10 કરોડ જેટલી થાય છે.

કાળી હળદર લેવી હોય તો રૂપિયા 5 લાખ લઇને આવો
બ્લેક હળદરની સામે બંધ કરેલું લોક મુકવામાં આવે તો લોક પણ આપો આપ તૂટી જાય છે. સોય વાંકી વળી જાય છે. કપુરની ગોટી સળગી ઉઠે છે. જુનો કેથોડ મુકવામાં આવે તો આપો આપ સળગી ઉઠે છે. એન્ટીક પીસોની વાતો સાંભળ્યા બાદ નિવૃત્ત શિક્ષકે ઠગ ત્રિપુટીને પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો. અને તે સામે ત્રિપુટીનો પણ નંબર મેળવ્યો હતો. દરમિયાન જુન માસમાં પ્રવિણ સોલંકીએ નિવૃત્ત શિક્ષકને ફોન કરીને જણાવ્યું કે, રાજસ્થાન ઉદેપુરમાં એક પાર્ટી પાસે કાળી હળદર છે. તેમને રૂપિયા 5 લાખ ટોકન પેટે આપવા પડશે. ઇચ્છા હોય તો રૂપિયા 5 લાખ લઇને આવો.

નિવૃત્ત શિક્ષક રૂપિયા 5.70 લાખ લઇને ઠગ ત્રિપુટી સાથે ગયા
કરોડો પતિ થવાની લાલચમાં નિવૃત્ત શિક્ષક રૂપિયા 5.70 લાખ લઇને ઠગ ત્રિપુટી સાથે ગયા હતા. જ્યાં ત્રિપુટીએ તેઓને એક હોટલ પાસે બેસાડ્યા હતા. જે પૈકી પ્રવિણ સોલંકીએ જણાવ્યું કે, નાણાં મને આપી દો. હું પાર્ટી પાસેથી હળદર લઇને આવું છું. નિવૃત્ત શિક્ષકે વિશ્વાસ મુકીને પોતાની પાસેના રૂપિયા 5.70 લાખ આપ્યા હતા.અઢી કલાક બાદ પરત ફરેલા પ્રવિણે નિવૃત્ત શિક્ષકને જણાવ્યું કે, આજે હવામાન સારું નથી. બહાર કાઢે તો તેના ગુણધર્મ ઓછા થઇ જાય. આથી પાર્ટીને રૂપિયા 5.70 લાખ ટોકન આપીને આવ્યો છે. તેઓ વડોદરા આવશે ત્યારે બ્લેક હળદર લઇ આવશે. રૂપિયા 5.70 લાખ ટોળકીને આપ્યા બાદ નિવૃત્ત શિક્ષક સુરેશભાઇ પરમારને લાગ્યું કે તેઓ ઠગ ટોળકીની ચુંગાલમાં ફસાયા છે.

પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો
દરમિયાન તા.2-9-021ના રોજ પ્રવિણ સોલંકીએ નિવૃત્ત શિક્ષકને ફોન કરીને જણાવ્યું કે, તા.3-9-021ના રોજ ઉદેપુરની પાર્ટી સાવલી આવી રહી છે. તમે આવી જાઓ પણ આર્ટીકલની ખાત્રી કરવા માટે રૂપિયા 50 હજાર આપવા પડશે. ત્યારે નિવૃત્ત શિક્ષકે તૈયારી બતાવી પોતાના મિત્રને લઇ મોટર સાઇકલ ઉપર સાવલી આવી પહોંચ્યા હતા. સાવલીમાં આવી ગયા બાદ કલાકો પછી પ્રવિણ સોલંકીએ નિવૃત્ત શિક્ષકને પરથમપુરાથી-રાસાવાડી રોડ ઉપર ગાંડીયાપુરા ગામ પાસે બોલાવ્યા હતા. જોકે, તે પૂર્વે નિવૃત્ત શિક્ષક સુરેશભાઇ પરમારને ટોળકી ઉપર શંકા જતા તેઓએ સાવલી પોલીસને સમગ્ર ઘટનાની વાત કરી હતી.

પોલીસે ઠગોને પકડીને મુદ્દામાલ કબજે કર્યો
સાવલી પોલીસે નિવૃત્ત શિક્ષકની મદદ લઇ ગાંડીયાપુરા ગામની સીમમાંથી ઠગ ટોળકીના સંજય હરીઓમ પંડિત, સુનિલ જયંતિભાઇ પ્રજાપતિ, ગીરીશ કાળુભાઇ પ્રજાપતિ,સલીમ હબીબ સૈયદ, કાળા ડાહ્યાભાઇ પરમાર, પ્રવિણસિંહ રંગીતસિંહ સોલંકી, વિઠ્ઠલ નાગજીભાઇ પટેલ, સોયબ અબ્દુલસલામ બિદાણી અને ઇસરાર નુરૂભાઇ પઠાણને દબોચી લીધા હતા. તે સાથે ટોળકી પાસેથી લોકોને ઠગવા માટે ઉપયોગમાં લેવાતી કાળી હળદર, કેથોડ નંગ-1, કપુરની ગોટી, પાંચ નંગ તાળા, 9 મોબાઇલ ફોન અને ચાર વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.