શાસકો માટે શરમ:નિવૃત્ત શિક્ષકોને PF,પેન્શન માટે રું.50 હજાર લાંચ આપવી પડે છે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા .પંચાયતની સભામાં કોંગ્રેસનો આક્ષેપ
  • પાદરા-વુડામાં તબીબો તોછડું વતર્ન કરતા હોવાનો આક્ષેપ

વર્ષ 2021ના મે અને ઓક્ટોબર મહિનામાં નિવૃત થયેલા શિક્ષકોને હજુ સુધી પેન્શન,પીએફ અને ગ્રેજ્યુઈટી હજુ સુધી ન મળતા કોંગ્રેસના સભ્ય દ્વારા ગુરૂવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ મુદ્દો ઉછાળ્યો હતો. કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયારનો આક્ષેપ છે કે, શિક્ષકોને પોતાના હક્કના લાભો મેળવવા માટે પણ રૂા.50 હજાર સુધીની લાંચ આપવી પડી રહી છે.

આ ઉપરાંત પાદરા અને વડુ સીએચસી માં છેલ્લા 1 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બંને સેન્ટરમાં મહિનામાં 60 થી 70 ડિલીવરી થાય છે. દવાઓનો પુરતો સ્ટોક નથી. તેમજ ડોક્ટરો દ્વારા દર્દીઓ સાથે તોછડાઈ ભર્યું વર્તન કરાતું હોવાના પણ આક્ષેપ કર્યાં હતાં.

ખેડૂતોને પ્લાસ્ટિકના ટબ અને પીપ આપવાની યોજના છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે. 52 હજાર અરજીઓ જિલ્લામાંથી કરવામાં આવી છે. પરંતું એક પણ ખેડુતને ટબ અને પીપ મળ્યા નથી. જે અંગે ખેતીવાડી અધિકારીએ આ યોજનાને ગાંધીનગર થી મંજુર કરવામાં વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું.જ્યારે ટુંક સમયમાં જ આ યોજનાનો લાભ ખેડુતોને મળતો થઈ જશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

રૂા.10 લાખના ખર્ચે છપાયેલી ડાયરી સ્ટોર રૂમમાં ધૂળ ખાઈ રહી છે
સભામાં ચાલુ વર્ષની મેજ ડાયરી છપાવવા રૂા.10 લાખનો ખર્ચ કરવા જણાવાયું હતું. જેની સામે પૂર્વ ઉપપ્રમુખ એમ.આઈ.પટેલે વિરોધ નોંધાવીને જણાવ્યું હતું કે, પાછલા વર્ષે રૂા.10 લાખના ખર્ચે છપાયેલી મેજડાયરી સ્ટોર રૂમમાં ધૂળ ખાય છે. ત્યારે ચાલુ વર્ષે માત્ર રૂા.5 લાખનો ઉપયોગ કરવો જોઈએ અને બાકીના રૂા.5 લાખ કોરોનામાં અનાથ થયેલા બાળકોની આર્થીક મદદ માટે વાપરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...