વડોદરા શહેરના પોલીસ તંત્રમાંથી નિવૃત્ત થયેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અવિવાશ જાદવે ધસમસતી ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો છે. રેલવે પોલીસને આપઘાત કરી લેનાર નિવૃત્ત PSIના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને તપાસ હાથ ધરી છે.
નિવૃત્ત PSI માલ ગાડી સામે સૂઈ ગયા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કબિર મંદિરની પાછળ આવેલી સી-37, શિવપુરી સોસાયટીમાં રહેતા અવિનાશ જાધવ (ઉં.65) પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. રવિવારે સમી સાંજે તેઓ પોતાનું સ્કૂટરડ લઈને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે પહોંચી ગયા હતા. પસાર થઇ રહેલી માલગાડી આગળ જઇ સૂઇ ગયા હતા. ધસમસતી માલગાડી તેમના ઉપર ફરી વળતા સ્થળ પર તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસને સુસાઇડ નોટ મળી
રવિવારે સમી સાંજે બનેલા આ બનાવની જાણ રેલવે પોલીસને થતાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને લાશ કબજે કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમની લાશ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જે સુસાઇડ નોટમાં આપઘાતનું કારણ અકબંધ છે. દરમિયાન પોલીસે પરિવારજનોને જાણ કરતા તેમના પત્ની સ્થળ પર આવી પહોંચ્યા હતા. તે સાથે તેમના અન્ય પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા.
આપઘાતના કારણથી અજાણ
પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ થઇ શકી ન હતી. પરંતુ, પોલીસની પ્રાથમિક તપાસમાં અવિનાશ જાધવ વડોદરા પોલીસ તંત્રમાં નોકરી કરતા હતા અને છેલ્લા વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાંથી પી.એસ.આઇ. તરીકે નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા બાદ તેઓ પત્ની અને પુત્ર સાથે માંજલપુર વિસ્તારમાં શિવુપુરી સોસાયટીમાં રહેતા હતા. પરિવારે પોલીસની પૂછપરછમાં આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.
ચોંકાવનારી વિગતો બહાર આવશે
એવી પણ માહીતી મળી છે કે, ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેનાર નિવૃત્ત PSIએ વર્ષો પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના પત્ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નોકરી કરી રહ્યા છે. નિવૃત્ત PSI અવિનાશ જાધવે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. આ બનાવ અંગે રેલવે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.