દોડધામ:શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક પર 6 મહિના માટે નિયંત્રણો લદાયાં

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇની બેંકની આર્થિક સ્થિતિ નબળી થતાં RBIની નોટિસ
  • શહેરની લહેરીપુરા શાખામાં ખાતેદારોએ દોડધામ કરી મૂકી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડભોઇની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક સામે 6 મહિના માટે નિયંત્રણો લાધ્યાની નોટિસ બહાર પાડી છે. બેંકની આર્થિક સ્થિતિ નબળી જણાતા આરબીઆઇએ પગલા લીધા છે. જો કે આરબીઆઇએ સ્પષ્ટતા કરી છે કે બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. આ કાર્યવાહીને પગલે આજે ડભોઇ અને વડોદરાના ખાતેદારોમાં દોડધામ મચી હતી. બેકિંગ નિયંત્રક ધારા, 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અંગેની નોટિસ 2 માર્ચે જાહેર થઇ હતી.

આરબીઆઇની ગાઇડલાઇન મુજબ ખાતેદાર કે અન્ય વ્યક્તિઓ વધુમાં વધુ રૂ.30 હજાર જ ઉપાડી શકશે. હવેથી બેંક કોઇ લોનને મંજૂરી આપી શકશે નહીં કે તેને રિન્યૂ કરી શકશે નહીં, નવું રોકાણ નહીં કરી શકે, કોઇ ઉધાર ફંડ લઇ શકશે નહીં, નવી ડિપોઝિટ પણ લઇ શકશે નહીં, કોઇ ચૂકવણી કે તેના માટે સંમતિ આપી શકશે નહીં, અકસ્માયતો કે મિલકતોનું વેચાણ, તબદિલી કરી શકશે નહીં, ડિપોઝિટર વીમાનો ક્લેઇમ રૂ.5 લાખની મર્યાદામાં મેળવી શકશે. જેના લીધે વેપારી, ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો હતો. અન્ય કેટલાક લોકો હવે શું કરવું તેની મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. મહાલક્ષ્મીબેંકની શાખાઓ ડભોઇ ઉપરાંત છોટાઉદેપુરના ક્લબ રોડ, વડોદરામાં ન્યૂ લહેરીપુરા રોડ ખાતે પણ કાર્યરત છે. જ્યાં સવારથી ભીડ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...