આક્ષેપ:કોંગ્રેસ ઉપપ્રમુખનું રાજીનામું, ચાંપલૂસી કરનારને ટિકિટ આપી હોવાના આક્ષેપ

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોનાં નામ જાહેર થતાં ડો.પારુલ જાનીએ નારાજગી ઠાલવી
  • પાલિકાની ચૂંટણી 2 વખત હારનારને ઉમેદવાર બનાવાયાનો આક્ષેપ કર્યો

કોંગ્રેસ પક્ષ વડોદરામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. પક્ષમાં સક્રિય કાર્યકર્તાઓની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનાં શહેર ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે. સાથે માંજલપુર વિધાનસભાની સાથે અકોટા વિધાનસભા પર પણ મરાઠી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં શહેર ઉપપ્રમુખે રાજીનામું આપતાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

કોંગ્રેસમાં વડોદરાના કાર્યકર્તાઓની અપેક્ષા પૂર્ણ નહિ થતાં અને સક્રિય કાર્યકર્તાઓની ગણના નહિ થતાં કોંગ્રેસનાં શહેર ઉપપ્રમુખ ડૉ.પારુલ જાનીએ રાજીનામું ધરી દીધું છે. તેમણે જે કાર્યકર્તાઓ નીડરતાથી કામગીરી કરે છે તેના બદલે નેતાઓની ચાંપલૂસી કરનાર અને બે વખત કોર્પોરેશનની ચૂંટણી હારનાર લોકોને ઉમેદવારી આપી હોવાના આક્ષેપ સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. છેલ્લાં 20 વર્ષથી પોતે પક્ષમાં સક્રિય હતાં છતાં તેમને અવગણીને જે કાર્યકર કામ નથી કરતા તેમને ટિકિટ અપાતાં આખરે ડૉ.પારુલ જાનીએ રાજીનામું આપી દીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ માંજલપુર વિધાનસભામાં સ્કાયલેબ ઉમેદવારનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓ રોષમાં હતા. તો અકોટા વિધાનસભા પર મરાઠી ઉમેદવારને ટિકિટ નહિ અપાતાં મરાઠી સમાજમાં રોષ છે. આ સંજોગોમાં શહેર ઉપપ્રમુખનું રાજીનામું ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આગામી દિવસોમાં અન્ય નારાજ કાર્યકરોનાં પણ રાજીનામાં પડે તેવી પણ ભારે અટકળો ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...