પાણીની સમસ્યાથી ત્રસ્ત વેમાલી ગામના રહીશોએ વિસ્તારના વોર્ડ 3ના કાઉન્સિલરોને બોલાવી પાણી આપવા મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ બે વર્ષ બાદ સમગ્ર વેમાલી વિસ્તારને પાણી મળશે તેમ કહેતાં લોકોમાં નારાજગી વ્યાપી હતી. અગાઉ પાણી પુરવઠાના અધિકારીઅે જુલાઇથી વેમાલીને પાલિકાનું પાણી મળતું થઇ જશે તેવી ખાતરી અાપી હતી. જોકે કાઉન્સિલરે વાસ્તવિકતા જણાવતાં રહીશોની અાશા પર પાણી ફરી વળ્યું હતું. વેમાલીના રહીશોએ અઢી કરોડ જેટલો વેરો ભર્યો, પણ હજુ 2 વર્ષ સુધી રહીશોને પાણી નહીં મળે.
વેમાલીની અલગ અલગ સોસાયટીના 12 હજારથી વધુ લોકો રોજ 175 જેટલા ટેન્કર મગાવે છે અને મહિને 21 લાખનો ખર્ચ માત્ર પાણી પાછળ કરે છે. શુક્રવારે 10 સોસાયટીના લોકોએ સ્થાનિક કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા, રૂપલ મહેતા અને છાયા ખરાદીને બોલાવી મુખ્ય પાણી અંગે રજુઆત કરી હતી. જોકે પરાક્રમસિંહ જાડેજાએ વિસ્તારમાં પાણી આવતા હજી બે વર્ષ જેટલો સમય લાગશે તેમ કહેતા રહીશોમાં નિરાશા વ્યાપી હતી. પરાક્રમસિંહે જે પાણી બોરથી ખેંચે છે તે કોર્પોરેશનનું જ છે તેમ કહેતા જ રહીશો ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ સ્ટ્રીટ લાઇટ અંગે રજૂઆત થતાં કાઉન્સિલરે 15 દિવસમાં કામગીરી શરૂ થવાની બાયધરી આપી હતી.
વિસ્તારના નજીકમાં પાણીની ટાંકી નથી, એટલે નવી ટાંકી બનાવ્યા બાદ પૂરા વિસ્તારને પાણી મળશે
વેમાલી નજીક ટાંકી નથી. રૂ. 6થી 8 કરોડના ખર્ચે પાણીની લાઈનનું નેટવર્ક નખાશે. દિવાળી સુધી 30 ટકા કામગીરી પૂર્ણ થઈ જશે. દોઢ વર્ષમાં ટાંકી બનશે એટલે બે વર્ષમાં પાણી મળશે. > પરાક્રમસિંહ જાડેજા, કાઉન્સિલર
દોઢ વર્ષ પૂર્વે લાઈનનું ઉદ્ઘાટન કર્યું, કામગીરી ન થઇ
નર્મદા કેનાલ નજીક દોઢ વર્ષ અગાઉ હોદ્દેદારોએ પાણી લાઈનના વાલ્વનું ઉદ્ઘાટન કર્યુ. જોકે દોઢ વર્ષ બાદ પણ કામગીરી શરૂ થઈ નથી.> રામભાઈ પટેલ, શાંતમ હાર્મોની
એસટીપી કરતાં પાણીના નેટવર્કની જરૂર વધુ છે
ચૂંટાયેલા હોદ્દેદારોએ પ્રજાની રજુઆતોને ધ્યાને લેવી જોઈતી હતી. આ વિસ્તારમાં 25 કરોડનો 13 એમએલડીનો એસ.ટી.પી બનાવ્યો છે. જ ખરેખર તો પાણીની લાઈનને પ્રાધાન્ય આપવુ જોઇતુ હતું. > નિલેશ પટેલ,પૂર્વ સરપંચ
પાલિકાનો જુલાઇમાં પાણી આપવાનો વાયદો હતો, હજી લાઇન બાકી
પાણીની સમસ્યાથી ત્રસ્ત વેમાલી ગામ અને તેની આસપાસનો વિસ્તાર હજી બે વર્ષ સુધી પાલિકાના પાણી વિના રહેવું જ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે સિંધરોટ પ્રોજેક્ટથી શહેરને આગામી દિવસોમાં પાણી મળતું થઈ જશે. પાણી પુરવઠાના અધિકારીએ પણ સિંધરોટથી મળનારા પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને જુલાઈ સુધીમાં વેમાલીને પાણી મળશે તેવુ નિવેદન આપ્યું હતું. પરંતુ હકીકત એ છે કે એ પાણીનો જથ્થો વેમાલીને મળવાના હજી કોઈ શકયતા જ નથી. કારણ કે શહેરમાં વેમાલીનો સમાવેશ થયા બાદ પાણીની લાઈનનું નેટવર્ક નાખવાનું હજી બાકી છે.
ત્યારે વિસ્તારમાં પાણીની ટાંકી બનવા સાથે પાણીની લાઈનનું નેટવર્ક નાખતા બે વર્ષ ઉપરાંતનો સમય થશે તે ચોક્કસ છે. ત્યારે હજી બે વર્ષ વેમાલી ગામ અને તેની આસપાસના લોકોને વેરો ભરવા છતાં પાણી નહિ મળે તે વાસ્તવિકતા છે. 12 હજારથી વધુ રહીશોને પાણી માટે હજી ટેન્કર અને બોર પર ર્નભિર રહવે પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.